વિસીગૉથ (જાતિ) : જર્મન લોકોની એક મહત્વની જાતિ. ઈસવી સનની 4થી સદીમાં તેઓ ઑસ્ટ્રોગૉથમાંથી છૂટા પડ્યા. તેમણે રોમન પ્રદેશોમાં વારંવાર હુમલા કર્યા અને ગૉલ (હાલનું ફ્રાંસ) તથા સ્પેનમાં તેમનાં મોટાં રાજ્યો સ્થપાયાં. ઈ. સ. 376માં હૂણ લોકોએ હુમલા કર્યા ત્યારે વિસીગૉથ દાસિયામાં ખેતી કરતા હતા. તેમને રોમન સામ્રાજ્યમાં ડાન્યૂબ નદીની પેલે પાર હાંકી કાઢવામાં આવ્યા. તેમણે 9 ઑગસ્ટ 378ના રોજ સમ્રાટ વેલેન્સને મારી નાખ્યો અને રોમન લશ્કરને એડ્રિયેનોપલમાં હરાવ્યું. વિસીગૉથ લોકો ચાર વર્ષ રખડ્યા પછી સમ્રાટ વેલેન્સના વારસદાર થિયૉડૉસિયસ 1લાએ તેમને મોએસિયા(Moesia)માં વસાવ્યા. ત્યાં તેમને જમીન આપી અને તેની સરહદોનું રક્ષણ કરવાની જવાબદારી સોંપી. ઈ. સ. 395 સુધી ત્યાં રહ્યા બાદ એલેરિકની આગેવાની હેઠળ, તેઓ મોએસિયા છોડીને ગ્રીસ અને ત્યારબાદ ઇટાલી ગયા. ઈ. સ. 401 પછી તેમણે ઇટાલીમાં આક્રમણો કર્યાં. ઈ. સ. 401માં એલેરિક મરણ પામ્યો પછી, એતોલ્ફસે નેતૃત્વ સંભાળ્યું. તે વિસીગૉથ લોકોને પહેલા દક્ષિણ ગૉલમાં અને તે પછી સ્પેન લઈ ગયો.

રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટટિયસ 3જાએ તે લોકોને સ્પેનથી પાછા બોલાવીને એક્વિતાનિયા સેકુન્ડા પ્રાંતમાં ગેરન અને લોઇર નદીઓની વચ્ચેના વિસ્તારમાં વસાવ્યા. ત્યાં વસવાટ કર્યા પછી, તેમનો મુખી વૉલિયા મરણ પામ્યો. તેના પછી થિયૉડૉરિક 1લો તેનો વારસ થયો. તેણે ઈ. સ. 451 સુધી ત્યાં શાસન કર્યું. તે વર્ષે અતિલા સામેની લડાઈમાં તે માર્યો ગયો. થિયૉડૉરિક વિસીગૉથ લોકોના રાજા તરીકે જાણીતો હતો. તેના પુત્ર યુરિકે 475માં પોતાને સ્વતંત્ર રાજા જાહેર કર્યો. તેણે લૅટિન ભાષામાં તેના રાજ્યના કાયદાઓની સંહિતા બનાવડાવી. વિસીગૉથ લોકો તોલેદો(Toledo)માં પાટનગર રાખીને સેપ્ટિમેનિયા તથા સ્પેનના વિશાળ પ્રદેશ ઉપર રાજ્ય કરતા હતા. ઈ. સ. 711માં મુસ્લિમોએ તેમનો નાશ કર્યો.

જયકુમાર ર. શુક્લ