વિસુદ્ધિમગ્ગો (વિશુદ્ધિમાર્ગ)

February, 2005

વિસુદ્ધિમગ્ગો (વિશુદ્ધિમાર્ગ) (લગભગ . . 425) : બૌદ્ધ યોગ વિશેનો ગ્રંથ. બુદ્ધઘોષનો પાલિસાહિત્યનો અમૂલ્ય ગ્રંથ છે. તેને એક રીતે તો બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ કહી શકાય. તે સમસ્ત પાલિ પિટકોની કૂંચી છે. તેથી તેને ‘તિપિટક-અકહા’ પણ કહેવામાં આવે છે. તેમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞાનું વિસ્તારથી વિવરણ છે. આમ તે ખરા અર્થમાં વિશુદ્ધિના માર્ગનું અર્થાત્ નિર્વાણપ્રાપ્તિના ઉપાયનું નિરૂપણ કરનારો ગ્રંથ છે. તેના ઉપર ધર્મપાલ-સ્થવિરે પાંચમી શતાબ્દીમાં ‘પરમત્થમંજૂસા’ ટીકા લખી છે.

‘વિસુદ્ધિમગ્ગો’ ત્રણ ભાગો અને તેવીસ પરિચ્છેદોમાં વિભક્ત છે. પહેલો ભાગ શીલનિર્દેશ છે. તેમાં શીલ અને ધુતાંગોનું વિશદ નિરૂપણ છે. બીજો ભાગ સમાધિનિર્દેશ છે. તેમાં કુલ અગિયાર પરિચ્છેદોમાં ક્રમશ: કર્મસ્થાનોના ગ્રહણની વિધિ, પૃથ્વી કસિણ, શેષ કસિણ, અશુભ કર્મસ્થાન, છ અનુસ્મૃતિ, અનુસ્મૃતિ કર્મસ્થાન, ચાર બ્રહ્મવિહાર, આરૂપ્ય, સમાધિ, ઋદ્ધિવિધ અને અભિજ્ઞાઓનું વિવરણ છે. ત્રીજો ભાગ પ્રજ્ઞાનિર્દેશ છે. તેમાં દસ પરિચ્છેદોમાં ક્રમશ: સ્કન્ધ, આયતન-ધાતુ, ઇન્દ્રિયસત્ય, પ્રતીત્યસમુત્પાદ (પ્રજ્ઞાભૂમિનિર્દેશ), દૃષ્ટિવિશુદ્ધિ, કાંક્ષાવિતરણવિશુદ્ધિ, માર્ગામાર્ગજ્ઞાનદર્શનવિશુદ્ધિ, પ્રતિપદા-જ્ઞાનદર્શનવિશુદ્ધિ, જ્ઞાનદર્શનવિશુદ્ધિ અને પ્રજ્ઞાભાવનાના ગુણનું વર્ણન છે.

ગ્રંથનો પ્રધાન વિષય યોગ છે. યોગીના મનની સમસ્ત પ્રવૃત્તિઓ અને અવસ્થાઓને ધ્યાનમાં રાખીને આ ગ્રંથ રચવામાં આવ્યો છે. ગ્રંથનો વિષય પ્રધાનત: યોગ હોવા છતાં પણ બુદ્ધદર્શનનું ગવેષણાપૂર્ણ પ્રતિપાદન અને અન્ય દર્શનોથી બૌદ્ધદર્શનની વિભિન્નતાનું નિરૂપણ પણ તેમાં કરવામાં આવ્યું છે. પાતંજલ યોગ, સાંખ્ય આદિ મતોનું તુલનાત્મક અધ્યયન પણ અનેક સ્થાને રજૂ કરવામાં આવ્યું છે. પતંજલિએ પોતાના ‘યોગસૂત્ર’ ગ્રંથને (1) સમાધિપાદ, (2) સાધનપાદ, (3) વિભૂતિપાદ અને (4) કૈવલ્યપાદ – આ ચાર વિભાગોમાં વિભક્ત કરી ક્રમશ: 51, 55, 54 અને 34 સૂત્રો આપ્યાં છે; પરંતુ યોગીએ કઈ કઈ અવસ્થાઓમાં શું શું કરવું જોઈએ વગેરેનું વિસ્તૃત માર્ગદર્શક વિવરણ નથી આપ્યું. આ સ્થિતિ ‘વિસુદ્ધિમગ્ગો’માં નથી. તેમાં તો પ્રારંભથી અન્ત સુધી એક એક વાતને ખુલ્લી કરી સમજાવવામાં આવી છે જેથી યોગીને મુશ્કેલી ન પડે અને પદે પદે માર્ગદર્શન મળી રહે.

‘વિસુદ્ધિમગ્ગો’નો અંગ્રેજી અનુવાદ પી મૌંગ ટીને (Pe Maung Tinએ) કર્યો છે અને તે ત્રણ ભાગોમાં પાલિ ટેક્સ્ટ સોસાયટી, લંડનમાંથી 1922માં પ્રકાશિત થયો છે. ‘વિસુદ્ધિમગ્ગો’નો હિંદી અનુવાદ ભિક્ષુ ધર્મરક્ષિતે કર્યો છે અને તે બે ભાગોમાં મહાબોધિસભા સારનાથમાંથી 1956માં પ્રકાશિત થયો છે.

નગીન જી. શાહ