વિષ્ણુપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનાં મુખ્ય 18 પુરાણોમાંનું એક. પૌરાણિક કથાઓ અને પુરાણનાં લક્ષણોના ઘડતરની દૃષ્ટિએ આ પુરાણ રસપ્રદ છે. મ. સ. યુનિવર્સિટી, વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરે મહાભારત-રામાયણની સમીક્ષિત આવૃત્તિની પરંપરાને અનુસરી વિષ્ણુપુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી છે.

વિષ્ણુપુરાણ છ અંશોમાં વિભક્ત છે : પ્રથમ અંશના બાવીસ અધ્યાયોમાં ગ્રંથનો ઉપોદ્ઘાત, સાંખ્યાનુસાર સૃદૃષ્ટિનો ઉત્પત્તિક્રમ, કાલનું સ્વરૂપ, વરાહ દ્વારા પૃથ્વીનો ઉદ્ધાર, અવિદ્યાદિ વિવિધ સર્ગ, ચાતુર્વર્ણ્ય-વ્યવસ્થા, પ્રજાપતિવંશ, રૌદ્ર સૃદૃષ્ટિ, દુર્વાસાના શાપને કારણે ઇન્દ્રનો પરાજય, બ્રહ્માની સ્તુતિથી પ્રસન્ન થયેલા વિષ્ણુના આદેશ મુજબ દૈત્યો સાથે મળીને દેવોએ કરેલું સમુદ્રમંથન, ભૃગુવંશ, અગ્નિવંશ અને અગ્નિષ્વાતાદિ પિતૃઓનાં વંશવર્ણન, ધ્રુવચરિત, વેન અને પૃથુચરિત, પ્રાચીન બર્હિર્ષનો જન્મ, પ્રચેતા દ્વારા ભગવદારાધન, નૃસિંહાવતાર અને પ્રહ્લાદચરિત, કશ્યપથી જુદી જુદી પત્નીઓ દ્વારા પ્રચલિત થયેલા વંશ અને મરુદગણોની ઉત્પત્તિ તેમજ અંતે વિષ્ણુની વિભૂતિ અને જગદ્વ્યવસ્થાનું આલેખન મળે છે.

બીજા અંશમાં સોળ અધ્યાયો છે. પ્રિયવ્રતના વંશના વર્ણન સાથે વિષ્ણુપુરાણનિહિત ભૂગોળ, ભારત વગેરે નવખંડભૂમિ, પ્લક્ષ, શાલ્મલિ વગેરે દ્વીપો, પાતાળલોક, વિભિન્ન નરકો, સાત ઊર્ધ્વલોક, ખગોળ, કાલચક્ર, ગંગાવિર્ભાવ, જ્યોતિષ્ચક્ર, બાર માસના બાર સૂર્યનાં નામ અને અધિકાર, સૂર્યશક્તિ અને વૈષ્ણવી શક્તિ, નવગ્રહો અને લોકાન્તર સંબંધ, ભરતચરિત, ઋભુ દ્વારા નિદાઘને અદ્વૈત જ્ઞાનનો ઉપદેશ અને ઋભુની આજ્ઞાથી નિદાઘનું ઘેર પાછા ફરવું વગેરે નિરૂપણ છે.

ત્રીજા અંશમાં અઢાર અધ્યાયો છે. પ્રથમ સાત મન્વન્તર, સાવર્ણિમનુ, ચતુર્યુગ પરંપરા અને વિભિન્ન યુગના વ્યાસ, વેદત્રયીશાખા-પરિચય, યમગીતા, વિષ્ણુનું આરાધન અને ચાતુર્વર્ણ્ય ધર્મ, આશ્રમ-ચતુષ્ટય, જાતકર્મ-નામકરણ અને વિવાહ-સંસ્કાર, ગૃહસ્થના સદાચાર, આભ્યુદયિક પ્રેતકર્મ, શ્રાદ્ધવિષયક ચર્ચા, નગ્નવિષયક પ્રશ્ન, દેવોનો પરાજય અને ભગવચ્છરણાગતિ, માયામોહ અને અસુરોનો સંવાદ તેમજ રાજા શતધનુની કથા આ અંશમાં રજૂ થયેલ છે.

ચોથા અંશમાં ચોવીસ અધ્યાયો છે. સૂર્યવંશવર્ણનના સંદર્ભે વૈવસ્વત મનુવંશ, ઇક્ષ્વાકુ વંશવર્ણન, સૌભરિચરિત્ર, માંધાતાની સંતાન-પરંપરા, ત્રિશંકુનું સ્વર્ગારોહણ, સગરચરિત, રામચરિત, નિમિચરિત અને નિમિવંશવર્ણન પ્રથમ પાંચ અધ્યાયમાં મળે છે. ચંદ્રવંશવર્ણનના સંદર્ભે ચન્દ્ર, બુધ, પુરુરવાનું ચરિત્ર, જહ્નુ દ્વારા ગંગાપાન, જમદગ્નિ અને વિશ્વામિત્રની ઉત્પત્તિ, કાશ્યપવંશ-વર્ણન, રતિ અને તેનાં પુત્રોનાં ચરિત્ર, યયાતિ-ચરિત, યદુ વંશ, ક્રોષ્ટુ વંશ, સાત્વત વંશ, સ્યમન્તક મણિની કથા, અનમિત્ર અને અંધક વંશવર્ણન, શિશુપાલના પૂર્વ જન્મો, વસુદેવની સંતતિ, દુર્વસુ (તુર્વસુ) દ્રુહ્યુ, અનુ અને પુરુવંશ, કુરુવંશના વર્ણન સાથે ભવિષ્યના રાજવીઓનું વંશ વર્ણન, મગધવંશ-વર્ણન અને કલિરાજ-વંશનાં વર્ણન આ અંશમાં મળે છે.

વિષ્ણુપુરાણનો પાંચમો અંશ શ્રીકૃષ્ણચરિત સાથે સંકળાયેલો છે. વસુદેવ-દેવકી વિવાહ, ભારાક્રાન્તા ભૂમિની ક્ષીરસમુદ્રતટે વિષ્ણુને પ્રાર્થના, કૃષ્ણાવતારનો ઉપક્રમ, વિષ્ણુનો ગર્ભપ્રવેશ, દેવસમૂહ દ્વારા દેવકીની સ્તુતિ, શ્રીકૃષ્ણનો જન્મ, યોગમાયાએ કરેલી કંસની વંચના, વસુદેવ-દેવકીની કારાગૃહમાંથી મુક્તિ, શ્રીકૃષ્ણ દ્વારા પૂતનાવધ, શકટભંજન, યમલાર્જુનનો ઉદ્ધાર, વ્રજવાસીઓનું વૃંદાવનગમન, કાલીય-દમન, ધેનુકાસુર વધ, પ્રલંબાસુર વધ, શરદ્વર્ણન, ગોવર્ધન પૂજા, ઇન્દ્રકોપ, ગોવર્દ્ધનોદ્વરણ, ઇન્દ્ર-કૃષ્ણસંવાદ, ભગવાનના પ્રભાવનું વર્ણન, રાસલીલા, વૃષભાસુર વધ, અક્રૂર સાથે શ્રીકૃષ્ણ-બલરામનું મથુરાગમન, કેશીવધ, ગોપીઓનો વિરહ, મથુરામાં રજકવધ, માળી ઉપર કૃપા, કુબ્જા ઉપર અનુગ્રહ, ધનુર્ભંગ, કુવલયાપીડવધ, ચાણૂર-મુદૃષ્ટિક વગેરે મલ્લોનો વધ અને કંસવધ દ્વારા શ્રીકૃષ્ણની બાલપૌગંડલીલા વર્ણવી છે. મથુરાલીલા પછી જરાસંધના વધ પછી દ્વારકામાં દુર્ગરચના કરી. કાલયવનનો વધ, મુચુકુન્દની સ્તુતિ, બલરામ દ્વારા યમુનાકર્ષણ, રુક્મિણીહરણ, રુક્મિ-વધ, પ્રદ્યુમીહરણ અને શંબર વધ, નરકાસુર વધ, પારિજાતહરણ, સોળ હજાર એકસો કન્યાઓ સાથે વિવાહ, ઉષાચરિત્ર, બાણાસુરવધ, કાશીદહન, સામ્બનો વિવાહ, દ્વિવિદ-વધ, ઋષિઓનો શાપ, યાદવોનો નાશ અને અંત્યેદૃષ્ટિ, પરીક્ષિતનો રાજ્યાભિષેક અને પાંડવોનું સ્વર્ગારોહણ આ અંશના આડત્રીસ અધ્યાયોમાં વણી લઈ શ્રીકૃષ્ણની વ્રજલીલા, વૃંદાવનલીલા, મથુરાલીલા અને દ્વારકાલીલાને સંકલિત કરી છે, શ્રીમદ્ ભાગવતમાં આલેખાયેલું શ્રીકૃષ્ણચરિત વિષ્ણુપુરાણના શ્રીકૃષ્ણચરિત સાથે ઘણું સામ્ય ધરાવે છે. વૈષ્ણવ પુરાણમાં વિષ્ણુની અવતારલીલા અને શ્રીકૃષ્ણચરિતના તુલનાત્મક અધ્યયનની દૃષ્ટિએ આ અંશ અગત્યનો છે.

છઠ્ઠા અંશમાં આઠ અધ્યાયો છે. આરંભે કલિધર્મનિરૂપણ, વ્યાસે કરેલું કલિયુગ, શૂદ્ર અને સ્ત્રીઓનું વર્ણન મળે છે. નિમેષાદિ કાલમાન, નૈમિત્તિક અને પ્રાકૃતિક પ્રલયો પણ આ અંશમાં વર્ણવાયા છે.

આધ્યાત્મિક વગેરે ત્રિવિધ તાપ ‘ભગવાન’ અને ‘વાસુદેવ’ શબ્દોની વ્યાખ્યા, ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ પાંચમા અધ્યાયમાં મળે છે. છઠ્ઠા અધ્યાયમાં કેશીધ્વજ અને ખાંડિક્યની કથા છે. સાતમા અધ્યાયમાં બ્રહ્મયોગનો નિર્ણય આપવામાં આવ્યો છે. અંતિમ અધ્યાયમાં વિષ્ણુપુરાણની પ્રાપ્તિપરંપરા આલેખાઈ છે.

બ્રહ્માએ સૌપ્રથમ આ પુરાણ ઋભુને કહ્યું હતું. ઋભુ પછી પ્રિયવ્રત, ભાગુરિ, સામપિચ્ય, દ્ઘીચિ, સારસ્વત, ભૃગુ, પુરુકુત્સ, નર્મદા, ધૃતરાષ્ટ્ર અને પૂરણનાગ, વાસુકિ, વત્સ, અશ્વતર, કમ્બલ, એલાપુત્રની પરંપરામાં આ પુરાણની પુરાકથાનું સંસ્કરણ થતું રહ્યું. મુનિવર વેદશિરાએ પાતાલમાં જઈ આ પુરાણ મેળવ્યું. તેમણે પ્રમતિને આ પુરાણ કહ્યું. તેમણે જતુકર્ણને અને જતુકર્ણે વિભિન્ન પવિત્ર અને પુણ્યશાળી મહાત્માઓને આપ્યું હતું.

પૂર્વજન્મમાં સારસ્વતના મુખે સાંભળેલું. આ પુરાણ પુલસ્ત્યના વરદાનથી પરાશરને પ્રાપ્ત થયું હતું. તેમણે મૈત્રેયને આ પુરાણ કહી સંભળાવ્યું છે. પરાશર કહે છે કે કલિયુગના અંતે મૈત્રેય આ પુરાણ શિનીકને કહે છે. (6-8-51)

આ પુરાણમાં પુરાણનાં પાંચેય લક્ષણો હોવાનો દાવો પુરાણકારે કર્યો છે. આ પુરાણ કલિજનિત કલ્મષનો નાશ કરનાર છે.

દશરથલાલ જી. વેદિયા