વિષ્ણુ નામ્બુદિરી, એમ. વી.

February, 2005

વિષ્ણુ નામ્બુદિરી, એમ. વી. (. 25 ઑક્ટોબર 1939, રમન્થલી, જિ. કન્નુર, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની અને કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટી પ્રાદેશિક કેન્દ્ર, પચ્ચનુરમાં મહેમાન અધ્યાપક; એડવાઇઝરી બૉર્ડ ઑવ્ એન્સાઇક્લોપીડિયા, કેરળના સભ્ય તથા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સભ્ય રહેલા.

અત્યાર સુધીમાં તેમણે મલયાળમમાં 27 ગ્રંથો આપ્યા છે, તે તમામ લોકસાહિત્ય અને સંસ્કૃતિને લગતા છે. ‘મુખદર્શનમ્’ (1975) તેમનો નિબંધસંગ્રહ છે. તેમના નોંધપાત્ર વિવેચનગ્રંથોમાં ‘પલ્લવપટ્ટમ્ નગરધાન્યમ્’ (1977); ‘ઉપન્યાસ સાહિત્યમ્’ (1979); ‘કોડમૂરી’ (1985); ‘તોટ્ટમ્પટ્ટુકાલ-ઓરુ પદનામ’ (1990) અને ‘પુલયારુલે પટ્ટુકાલ’ (1993)નો સમાવેશ થાય છે. ‘ફૉકલોર નિઘંડુ’ (1989) તેમનો નિરૂપણગ્રંથ છે, જ્યારે ‘નામ્બુદિરી ભાષા શબ્દકોશમ્’ (1982) તેમનો જાણીતો મલયાળમ શબ્દકોશ છે, જેણે તેમને સારી એવી ખ્યાતિ અપાવી.

તેમના આવા સાહિત્યિક પ્રદાન બદલ તેમને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.

બળદેવભાઈ કનીજિયા