વિલ્સન, હૉરેસ હેમન : અંગ્રેજ ઇતિહાસકાર, પ્રાચ્ય સંસ્કૃતિ-પ્રેમી તથા સંસ્કૃત ભાષાવિદ. ઈ. સ. 1816થી 1832 સુધી તેઓ કોલકાતાની ટંકશાળમાં કામ કરતા હતા અને બંગાળ રૉયલ એશિયાટિક સોસાયટીના સચિવ(સેક્રેટરી)ના હોદ્દા પર બાવીસ વર્ષ (1811-1833) સેવા આપી હતી. લોકોનાં નાણાંનો ઉપયોગ માત્ર પશ્ચિમનું શિક્ષણ આપવા માટે કરવામાં આવે તેવી મેકૉલેની નીતિના તેઓ વિરોધી હતા. તેમણે ‘મૃચ્છકટિક’, ‘માલતીમાધવ’, ‘ઉત્તરરામચરિત’, ‘વિક્રમોર્વશીય’, ‘રત્નાવલી’ તથા ‘મુદ્રારાક્ષસ’ – એ સંસ્કૃત નાટકોના અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે. તેમણે ‘ઍંગ્લો-સંસ્કૃત ડિક્ષનરી’ વગેરે ગ્રંથોની રચના કરી છે. ભારતીયોમાં શિક્ષણનો પ્રચાર કરવાનો તેમને ઘણો રસ હતો, તેથી કોલકાતાની જાહેર શિક્ષણ સમિતિના સભ્યપદે તેમણે ઘણાં વર્ષ સુધી સેવા આપી હતી. તેમણે ઋગ્વેદનું સાયણ ભાષ્યને અનુસરીને અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે.

જયકુમાર ર. શુક્લ