વિલ્સન, (જેમ્સ) હેરોલ્ડ (. 11 માર્ચ 1916, હુડર્સફિલ્ડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : 1963થી મજૂર પક્ષના નેતા. 1964-70 અને 1974-76 દરમિયાન બ્રિટનના વડાપ્રધાન. તેમના પિતા ઉદ્યોગક્ષેત્રના રસાયણવિજ્ઞાની હતા. તેમણે ચેશાયર પરગણાની વિરાલ ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કરી, શિષ્યવૃત્તિ મેળવી ઑક્સફર્ડની જિસસ કૉલેજમાં પ્રવેશ લીધો. 1937માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ સ્નાતક બન્યા અને 1939 સુધી ફેલો તરીકે ઑક્સફર્ડ ખાતે અધ્યાપનકાર્ય કર્યું. સર વિલિયમ બેવરીજ સાથે સંશોધનકાર્યમાં જોડાઈને તેમણે સામાજિક સલામતી અને કલ્યાણકારી પગલાંઓની ભલામણ કરતો શકવર્તી અહેવાલ તૈયાર કર્યો. બીજું વિશ્વયુદ્ધ (1939-45) આરંભાતાં સનદી સેવામાં તેમની શક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો. વીજળી મંત્રાલયના ભાગ રૂપે એક અર્થશાસ્ત્રી તરીકે તમણે ખાણ-ઉદ્યોગનો અભ્યાસ (1943-44) કર્યો અને મજૂર પક્ષની ખાણોના રાષ્ટ્રીયકરણની નીતિ આ અભ્યાસને આધારે ઘડાઈ. આ અભ્યાસના પરિપાક રૂપે તેમનો ગ્રંથ ‘ન્યૂ ડીલ ફૉર કૉલ’ (1945) પ્રકાશિત થયો.

હેરોલ્ડ (જેમ્સ) વિલ્સન

ઈ. સ. 1945માં તેઓ પાર્લમેન્ટમાં પ્રથમ વાર ચૂંટાયા. 1947થી 1951 સુધી તેમણે બૉર્ડ ઑવ્ ટ્રેડના પ્રમુખ તરીકે કામગીરી બજાવી. 1963માં મજૂરપક્ષના નેતા તરીકે ચૂંટાયા અને 1964માં યોજાયેલી ચૂંટણીમાં પક્ષે સાંકડી બહુમતી મેળવી. તેઓ 1964-1970 સુધી ઇંગ્લૅન્ડના વડાપ્રધાન રહ્યા અને 1974થી 1976 દરમિયાન આ પદ ફરીથી હાંસલ કર્યું. તેમની નીતિઓ વ્યવહારુ દૃષ્ટિકોણને લીધે જાણીતી બની હતી. તેઓ જ્યારે વડાપ્રધાનપદે આવ્યા ત્યારે શરૂઆતના ગાળામાં આર્થિક સમસ્યાઓ ગંભીર હતી અને નાણા-ચુકવણી માટે સ્ટર્લિંગની કટોકટી ઊભી થઈ હતી; જેથી તેમને 1967માં પાઉન્ડનું અવમૂલ્યન કરવું પડ્યું હતું. વળી આવક-નીતિના નવા પ્રયોગો નિષ્ફળ નીવડ્યા હતા અને 1969માં ‘શ્વેતપત્ર’ રજૂ કરવું પડ્યું હતું. જેના પરિણામ-સ્વરૂપે બિનસરકારી હડતાળોનો અંત આવ્યો અને કાયમી ઔદ્યોગિક સંબંધો મઠારવા માટે પંચ નીમવાનો જે પ્રસ્તાવ મૂકેલ તે પાછો ખેંચી લેવો પડ્યો. 1968માં ઇમિગ્રેશન ઍક્ટ પસાર કર્યો. તે ઍક્ટ અનુસાર જેઓ બ્રિટિશ પાસપૉર્ટ ધરાવતા હતા એવા યુગાન્ડા તથા કૅન્યામાં રહેતા એશિયન લોકોના સામૂહિક પ્રવેશને ઇંગ્લૅન્ડ ખાતે રોકવામાં આવ્યો અને રાષ્ટ્રસમૂહના દેશોના તમામ નાગરિકોની પ્રવેશબંધી પર અંકુશ મૂકવામાં આવ્યો. 1968માં જાતિવાદી સંબંધો અંગેનો ખરડો રજૂ કરવામાં આવ્યો. જોકે 1964થી ’70ના સમયગાળા દરમિયાન તેમની સરકારે પ્રાદેશિક વિકાસને લગતા અગત્યના સામાજિક સુધારા કર્યા. આ ઉપરાંત સર્વગ્રાહી શિક્ષણ, ગર્ભપાત, મૃત્યુદંડમાંથી માફી, પુખ્તવયનું ધોરણ 18 વર્ષ વગેરે જેવા અગત્યના સુધારાઓ પણ તેમણે કર્યા. 1968માં તેમણે સુએઝના પૂર્વભાગમાંથી બ્રિટિશ લશ્કરી દળોને પાછાં ખેંચવાનો નિર્ણય લીધો. જોકે તેમની સરકારને કેટલાક પ્રસંગોએ નિષ્ફળતા પણ મળી હતી; જેમ કે, રહોડેશિયાના પ્રશ્ર્ને, ઇયાન સ્મિથ સાથેના મંત્રણાઓના બે પ્રયાસો પડી ભાંગ્યા હતા. ઈ. સ. 1964માં એડ્વર્ડ હીથના સમયે જેવા પ્રકારની ખાધપૂરક પરિસ્થિતિ ઊભી થઈ હતી લગભગ તેવી જ ખાધપૂરક નીતિનો  સામનો વિલ્સનને લગભગ પાંચ વખત 1974 સુધીમાં કરવો પડ્યો હતો. તદુપરાંત આ સમય બાદ વિલ્સનને આર્થિક ક્ષેત્રે ફુગાવાનો સામનો પણ કરવો પડેલો. આમ પણ 1975થી વિલ્સનનું વહીવટી તંત્ર ઊણું ઊતરતું જતું હતું. બીજી તરફ તેમની તબિયત પણ કથળતી જતી હતી. આવા સંજોગોમાં પોતાના 60મા જન્મદિને, માર્ચ 1976માં અચાનક તેમણે નિવૃત્તિની જાહેરાત કરી વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું અને જેમ્સ કેલધેનને વડાપ્રધાનપદનું સુકાન સોંપ્યું. નિવૃત્તિ બાદ પ્રારંભે તેઓ ‘નાઇટ’નું અને પછીથી 1983માં આજીવન ‘પિયર’પદનું સન્માન પામ્યા.

વિનોદવૃત્તિ ધરાવતા આ વ્યવહારુ રાજકારણી અભ્યાસનિષ્ઠ પણ હતા. ‘ઇન પ્લેસ ઑવ્ ડૉલર્સ’ (1952) અને ‘ધ વૉર ઑન વર્લ્ડ પૉવર્ટી’ (1953) તેમના ગ્રંથો છે. ‘ધ લેબર ગવર્નમેન્ટ, 19641970’ (1971), ‘ધ ગવર્નન્સ ઑવ્ બ્રિટન’ (1976) અને ‘ફાઇનલ ટર્મ : ધ લેબર ગવર્નમેન્ટ, 1976-76’(1979)માં તેમના રાજકીય અનુભવોનું બ્યાન છે.

ધર્મેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા