વિલ્કિન્સ, મૉરિસ
February, 2005
વિલ્કિન્સ, મૉરિસ (જ. 15 ડિસેમ્બર 1916, પાગારોઆ, ન્યૂઝીલૅન્ડ) : બ્રિટિશ જૈવભૌતિક વિજ્ઞાની. આખું નામ મૉરિસ હ્યુજ ફ્રેડરિક વિલ્કિન્સ. તેમણે ડી.એન.એ.ના ક્ષ-કિરણ વિવર્તનના અભ્યાસ દ્વારા ડી.એન.એ.ના આણ્વિક બંધારણ (સંરચના) માટેનું મહત્વનું સંશોધન કરી આપ્યું. જેમ્સ વૉટસન તથા સ્વ. સર ફ્રાન્સિસ ક્રીક્ધો તેમના આ સંશોધને ડી.એન.એ.નું બંધારણ નક્કી કરવામાં ખૂબ ઉપયોગી મદદ કરી. મોરિસ વિલ્ક્ધિસે કોષકેન્દ્રી અમ્લ(nucleic acid)ની સંરચના ઉપરાંત જૈવિક દ્રવ્યોમાં માહિતીના પારાંતરણ(transfer)માં તેના મહત્વને પણ દર્શાવ્યું. આ કારણસર આ ત્રણેય વિજ્ઞાનીઓને 1962નો નોબેલ પુરસ્કાર સંયુક્ત રૂપે અપાયેલો.
ડબ્લિનના એક દાક્તરના પુત્ર વિલ્ક્ધિસે કિંગ એડ્વર્ડ સ્કૂલ, બર્મિંગહામ તથા કેમ્બ્રિજની સેંટ જ્હૉન કૉલેજમાં અભ્યાસ કર્યો. તેમનો ડૉક્ટોરલ મહાનિબંધ 1940માં બર્મિંગહામ યુનિવર્સિટીમાં રજૂ થયો, જેમાં તેમણે સ્ફુરદીપ્તિ તથા તાપસંદીપ્તિ અંગેનો electron trap સિદ્ધાંત રજૂ કરેલો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બે વર્ષ માટે તેઓ બર્કલેની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં જોડાયા અને ત્યાં રહી તેમણે મૅનહટ્ટલ પ્રૉજેક્ટમાં પરમાણુ-બૉમ્બ બનાવવા જરૂરી યુરેનિયમ સમસ્થાનિકના અલગીકરણ માટેનાં સંશોધનો દ્રવ્યમાન સ્પેક્ટ્રમિતિના ઉપયોગ દ્વારા વિકસાવ્યાં.
બ્રિટનમાં પાછા ફર્યા બાદ તેઓ સ્કૉટલૅન્ડની સેંટ એન્ડ્રૂઝ યુનિવર્સિટીમાં જોડાયા. અહીં 7 વર્ષ ભૌતિકવિજ્ઞાનમાં સંશોધનો બાદ તેમનું ધ્યાન જૈવભૌતિકી (biophysics) તરફ દોરવાયું. તેમના ઉપર શ્રોડિંજરના પુસ્તક ‘What is life’ની ખૂબ જ ઊંડી અસર પડી અને જીવંત પ્રક્રિયાઓનું નિયમન કરતાં રસાયણોના આણ્વિક બંધારણમાં તેમનો અભ્યાસ સઘન બન્યો. 1946થી લંડનની કિંગ્સ કૉલેજની મેડિકલ રિસર્ચ કાઉન્સિલના જૈવભૌતિકી એકમમાં સંશોધન કરતાં 1955માં તેના સહનિયામક તથા 1970થી 1980 દરમિયાન આ એકમના નિયામક બન્યા. અહીં તેમણે શ્રેણીબદ્ધ સંશોધનો કોષમાં રહેલા ન્યૂક્લીઇક ઍસિડના ક્ષ-કિરણ વિવર્તન અંગેનાં કર્યાં, જેની ફલશ્રુતિ રૂપે ડી.એન.એ.નું બંધારણ ક્ષ-કિરણ વિવર્તનના અભ્યાસ દ્વારા શોધી શકાયું. આ સંશોધન ત્યારબાદ આર.એન.એ. માટે પણ વિકસાવાયેલું.
કિંગ્સ કૉલેજમાં વિલ્કિન્સ 1963-1970 દરમિયાન આણ્વિક જીવવિદ્યાના પ્રોફેસર તરીકે, 1970-1981 દરમિયાન જૈવભૌતિકીના પ્રોફેસર તરીકે તથા ત્યારબાદ ઇમેરિટસ પ્રોફેસર તરીકે રહ્યા. અહીં તેમણે કોષરસાયણીય (cytochemical) સંશોધન માટે પ્રકાશગત સૂક્ષ્મદર્શક (light microscope) વાપરવાની પદ્ધતિ વિકસાવી તથા તે અંગેના સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા.
જ. પો. ત્રિવેદી
શિલીન નં. શુક્લ