વિલ્કી, વેન્ડેલ (. 18 ફેબ્રુઆરી 1892, એલ્વુડ, ઇન્ડિયાના અમેરિકા; . 8 ઑક્ટોબર 1944, ન્યૂયૉર્ક શહેર) : 1940માં અમેરિકાના પ્રમુખપદ માટે રિપબ્લિકન પક્ષના નિષ્ફળ ઉમેદવાર અને એફ. ડી. રુઝવેલ્ટના પ્રતિસ્પર્ધી. તેમના પિતા વકીલ હતા. સ્નાતક થયા બાદ ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી 1916માં તેઓ કાયદાના સ્નાતક બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધ (191418) દરમિયાન થોડા સમય માટે અમેરિકાના લશ્કરમાં જોડાયા. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ કાયદાના ક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. 1929માં ન્યૂયૉર્કમાં સ્થિર થયા અને કૉમનવેલ્થ ઍન્ડ સધર્ન કૉર્પોરેશનના કાયદા-વિભાગમાં જોડાયા. ચાર વર્ષ બાદ આ વિશાળ કંપનીના તેઓ પ્રમુખ બન્યા. 1933 પછી તેમણે અમેરિકાની સમવાય સરકારની ટૅનેસી વેલી ઑથોરિટીના ખાનગી માલિકી વિરુદ્ધ ચકચાર અને ઊહાપોહ જગવતાં તેઓ રાષ્ટ્રીય મહત્વ ધરાવતા નેતા બન્યા.

વેન્ડેલ વિલ્કી

1930માં તેઓ ડેમૉક્રેટ હતા, પરંતુ થોડાં વર્ષો પછી રિપબ્લિકન બન્યા. ખાનગી સાહસો પરના સરકારી અંકુશોને તેમણે ગેરવાજબી ગણાવ્યા અને પ્રમુખ રુઝવેલ્ટની ન્યૂ-ડીલની નીતિના પ્રખર ટીકાકાર બન્યા. આથી રિપબ્લિકન પક્ષે તેમની પ્રમુખપદના ઉમેદવાર તરીકે પસંદગી કરી. પ્રમુખ તરીકે તેમના નામના સમર્થનમાં વ્યાપક પ્રમાણમાં સ્થાનિક ક્લબોની રચના કરવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ(193945)ના પ્રારંભના તબક્કે તેમણે યુદ્ધમાં યુરોપના મિત્ર દેશોને સમર્થન પૂરું પાડ્યું. આંતરરાષ્ટ્રીય સહકારના સંદર્ભમાં ખ્યાતનામ ‘વન વર્લ્ડ’ની નીતિની તેમણે હિમાયત કરી. વિરોધપક્ષોએ તેમના આ વલણની અને ભૂતકાળમાં તેઓ શેરબજારમાં રસ ધરાવતા હતા તે વાતને નકારાત્મક ભૂમિકા સાથે રજૂ કરી; આથી પ્રમુખીય ચૂંટણીના તેઓ નબળા ઉમેદવાર રહ્યા.

1941થી 1943નાં વર્ષોમાં તેમણે ઇંગ્લૅન્ડ, મધ્યપૂર્વ, સોવિયેત યુનિયન અને ચીનનો પ્રવાસ કર્યો. આ પ્રવાસોના પરિણામરૂપ ‘વન વર્લ્ડ’ ગ્રંથ રચ્યો અને દેશો વચ્ચેના સહકાર પર ભાર મૂક્યો, અમેરિકાની અલગતાવાદની નીતિ છોડવાની હિમાયત કરી. આ તબક્કે રુઝવેલ્ટની યુદ્ધ અંગેની નીતિને તેમણે ટેકો આપ્યો. આથી 1944ની પ્રમુખીય ચૂંટણીની ઉમેદવારી ટાણે તેમની સામે વિરોધ ઊઠ્યો અને તેમણે સ્પર્ધામાંથી સ્વેચ્છાએ ખસી જવાનું પસંદ કર્યું. તે પછીના ટૂંકા ગાળામાં જ તેમનું અવસાન થયું.

1952માં જૉસેફ બાર્ન્સે ‘વિલ્કી’ નામની તેમની જીવનકથા આલેખી.

રક્ષા મ. વ્યાસ