વિયાહપણ્ણત્તિ (व्याख्याप्रज्ञप्ति) : જૈન આગમોનાં 12 અંગોમાંનું પાંચમું અંગ. એને ‘ભગવતીસૂત્ર’ પણ કહે છે. પ્રજ્ઞપ્તિ એટલે પ્રરૂપણ. જીવાદિ પદાર્થોની વ્યાખ્યાઓનું પ્રરૂપણ. આ વ્યાખ્યાઓ પ્રશ્નોત્તર રૂપે રજૂ કરાઈ છે. ગૌતમ ગણધર જૈનસિદ્ધાંત-વિષયક પ્રશ્નો પૂછે છે અને તેના ઉત્તરો શ્રમણ ભગવાન મહાવીર આપે છે. ઇતિહાસ-સંવાદો પણ તેમાં આવે છે, જેમાં બીજા તીર્થિકો સાથેનો મહાવીરનો વાદવિવાદ ઉદ્ધૃત કરાયો છે. તેમાંથી મહાવીરના જીવનવિષયક ઘણી વાતો જાણવા મળે છે. અહીં મહાવીરને ‘વેસાલિય’ વૈશાલીના નિવાસી કહે છે અને તેમના શ્રાવકોને ‘વેસાલિયસાવય’ (મહાવીરના શ્રાવક) કહ્યા છે. અનેક સ્થળોએ પાર્શ્ર્વનાથના શિષ્યોનો ચતુર્યામ ધર્મ ત્યજીને મહાવીરના પંચમહાવ્રત સ્વીકારી લેવાનો ઉલ્લેખ છે. આથી મહાવીરના પહેલાં પણ નિર્ગ્રન્થ-પ્રવચનનું અસ્તિત્વ હતું એ પ્રતિપાદિત થાય છે. ગોશાલકનું કથાનક તેના મહાવીર સાથેના ઘનિષ્ઠ સંબંધને પ્રકાશમાં લાવે છે. વળી આર્ય સ્કન્દ, કાત્યાયન, આનન્દ, માકન્દીપુત્ર, વજ્જી, વિદેહપુત્ર (કુણિક) નવ મલ્લકી અને નવ લેચ્છકી, ઉદયન, મૃગાવતી, જયન્તી આદિ મહાવીરના અનુયાયીઓ વિશે પણ અનેક વાતો જાણવા મળે છે. અંગ, વંગ, મલય, માલવય આદિ 16 જનપદોનો ઉલ્લેખ થયો છે. અન્ય ઐતિહાસિક, ધાર્મિક તથા પૌરાણિક વિષયોની ચર્ચામાં વચ્ચે પન્નવણા, જીવાભિગમ, રાયપરોણઇય આદિનો હવાલો અપાયો છે. ઉપમા, રૂપક, દૃષ્ટાન્ત પણ ઉપયોગમાં લેવાયા છે. વિષયપુનરાવૃત્તિ પણ અનેક સ્થળે થઈ છે. કોઈ ઉદ્દેશકનું વર્ણન વિસ્તૃત છે અને કોઈકનું સંક્ષિપ્ત. ક્રમબદ્ધતા પણ સચવાઈ નથી. કેટલેય સ્થળે ચૂર્ણીકારને પણ અર્થસંગતિ બરાબર થતી નથી.
આ સૂત્રગ્રંથમાં કુલ 41 શતક છે. દરેક શતકમાં અનેક ઉદ્દેશકો છે. અભયદેવસૂરિએ એના પરની વૃત્તિ વિ. સં. 1128(ઈ. સ. 1072)માં પાટણમાં લખી છે. તેમના કહેવા પ્રમાણે 36,000 પ્રશ્નો અને 2,88,000 પદ છે. પહેલા પાંચ શતકોમાં દશ-દશ ઉદ્દેશકો છે. પ્રારંભમાં બ્રાહ્મી લિપિને નમસ્કાર કરે છે. સંભવ છે કે જૈન આગમોની લિપિ બ્રાહ્મી જ રહી હશે. ત્રીજા શતકમાં દેવેન્દ્ર અને અસુરેન્દ્ર વચ્ચેના યુદ્ધનું વર્ણન છે જેમાં શબર, બબ્બર, ટંકણ આદિ મ્લેચ્છ જાતિઓનો ઉલ્લેખ છે. પાંચમા શતકમાં દેવો દ્વારા અર્ધમાગધી ભાષામાં બોલાયાનો ઉલ્લેખ છે. આઠમામાં આજીવિકોના આચારવિચારનો ઉલ્લેખ છે. નવમા શતકના 33મા ઉદ્દેશકમાં ઋષભદત્ત બ્રાહ્મણ તથા દેવાનન્દા બ્રાહ્મણીની વાત છે; જેમાં દેવાનન્દાના સ્તનમાંથી મહાવીરને જોઈને સ્રવતી દૂધની ધારા થવાનો ઉલ્લેખ છે. ચૌદમા શતકમાં કેવળજ્ઞાન ન મળતાં ખિન્ન ગૌતમને મહાવીર આશ્ર્વાસન આપે છે. વીસમા શતકમાં છઠ્ઠા તીર્થંકરનું નામ ‘પદ્મપ્રભુ’ને બદલે ‘સુપ્રભ’ આપ્યું છે.
આમ આ આગમગ્રંથ અત્યંત મહત્વપૂર્ણ છે.
જયન્ત પ્રે. ઠાકર