વિમ્બલ્ડન સ્પર્ધા : વિશ્વમાં ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા. તે ટેનિસ જગતમાં ‘ઓલિમ્પિક્સ’ જેટલી લોકપ્રિયતા ધરાવે છે. એટલા માટે જ જ્યારથી ટેનિસનો ખેલાડી હાથમાં રૅકેટ પકડતો થાય છે ત્યારથી જ તે વિમ્બલ્ડનમાં રમવાની ઘેલછા રાખે છે. ઇંગ્લૅન્ડમાં લંડન પાસે આવેલા ‘વિમ્બલ્ડન’ નામના પરામાં આ ટુર્નામેન્ટ યોજાય છે અને તેથી જ તે ‘વિમ્બલ્ડન સ્પર્ધા’ તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. વિમ્બલ્ડન સ્પર્ધાની શરૂઆત 1877માં થઈ હતી અને ત્યારથી બે વિશ્વયુદ્ધોને બાદ કરતાં દર વર્ષે જૂન-જુલાઈ માસમાં આ સ્પર્ધા આયોજિત થતી રહી છે અને આ રીતે 2003માં 117મી વારની સ્પર્ધા યોજાઈ હતી. 1877માં સૌપ્રથમ વિમ્બલ્ડન જીતનાર ભાગ્યશાળી ખેલાડી સ્પેન્સર ગોર હતો. વિશ્વના ટોચના ટેનિસ-ખેલાડીઓની રમત જોવા માટેનો આ એક વિશેષ લહાવો છે. કેટલાક ખેલાડીઓ તો વિમ્બલ્ડનમાં રમવા માટે બીજી ઘણી ટેનિસની ટુર્નામેન્ટો જતી કરતા હોય છે; એટલું જ નહિ, પણ મોટાભાગના ટેનિસ-ખેલાડીઓ વિમ્બલ્ડનના શ્રીગણેશથી માંડીને તેના અંત સુધી જાણે કે મોટું આનંદપર્વ ઊજવતા હોય એવા ઘેલા થઈ જાય છે. વિમ્બલ્ડનને આથી જ તો ટેનિસના ખેલાડીઓનું કાશી કે મક્કા કહેવામાં આવે છે. 1884થી વિમ્બલ્ડનમાં મહિલા સિંગલ્સની સ્પર્ધા ચાલુ કરવામાં આવી હતી અને ફાઇનલ મૅચ વૉટસન બહેનો વચ્ચે જ રમાઈ હતી અને તેમાં મૉડ વૉટસને પોતાની બહેન લિયનને પરાજિત કરી હતી. વિમ્બલ્ડનની ટિકિટ લેવા માટે માઈલો લાંબી કતારો લાગે છે. વિમ્બલ્ડનની સમગ્ર વ્યવસ્થા અને આયોજન પાછળ આશરે 2,000 માણસો હોય અને લગભગ 8,000 ટેનિસ-બૉલ વપરાય છે. ખેલાડીઓને શહેરની ઉત્તમમાં ઉત્તમ હોટલમાં ઉતારો આપી, બાદશાહી ઠાઠથી રખાય છે; એટલું જ નહિ, પણ એમને હોટલથી મેદાન સુધી ઝગારા મારતી સફેદ રંગની મોટરમાં લઈ જવામાં આવે છે. મોટરો ઉપર વિમ્બલ્ડનની નિશાની હોવાથી માર્ગમાં ક્યાંય એમને અટકવું પડતું નથી. એને પરિણામે મૅચો સમયસર શરૂ થઈ શકે છે. ટેનિસમાં વિમ્બલ્ડન એકલું જ એવું મેદાન છે કે જ્યાં ઘાસના મેદાન ઉપર રમવાનું હોય છે. વિમ્બલ્ડન નજદીકની સ્કૂલોમાંથી કિશોર યુવાનોનો ‘બૉલબૉય’ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. 1937માં ટેલિવિઝન પર સૌપ્રથમ વાર વિમ્બલ્ડન સ્પર્ધાનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. 1957માં એલ્થિયા ગિબ્સન પ્રથમ વાર અશ્ર્વેત મહિલા ચૅમ્પિયન બની હતી. 1977માં વિમ્બલ્ડનની શતાબ્દી ઊજવાઈ હતી. 1968માં સર્વ પ્રકારના ઍમેચ્યૉર તેમજ પ્રોફેશનલ ખેલાડીઓ માટે ચૅમ્પિયનશિપનાં દ્વાર ખુલ્લાં મુકાયાં. 1971માં ટાઇ-બ્રેક સિસ્ટમ દાખલ કરાઈ. 1985માં જર્મનીના બૉરિસ બેકરે કેવળ 17 વર્ષની વયે ચૅમ્પિયનશિપ જીતીને સૌથી નાની વયે વિજેતા બનનાર પુરુષ ખેલાડીનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 1990માં અમેરિકાની માર્ટિના નવરાતિલોવાએ નવમી વાર ટાઇટલ જીતી નવો વિક્રમ સ્થાપ્યો. 1991માં પુરુષોની ફાઇનલમાં પ્રથમ જ વાર બે જર્મન હરીફો ટકરાયા. 1993માં સ્ટેફીગ્રાફની વિજયમાં ‘હૅટ્રિક’ થઈ. વળી 1994 બાદ પ્રથમ વાર પુરુષોની ફાઇનલમાં બે અમેરિકન ખેલાડીઓ સામસામે ટકરાયા. 1994માં પ્રથમ વાર સ્પેનના પુરુષ અને મહિલા ખેલાડીઓએ સિંગલ્સમાં બંને ટાઇટલ જીતી લીધાં. 1995માં પીટ સમ્પ્રાસની વિજયમાં ‘હૅટ્રિક’ થઈ અને 1996માં સ્ટેફીગ્રાફે સાતમી વાર સિંગલ્સ ટાઇટલ મેળવ્યું. 1997માં વિમ્બલ્ડનના ઇતિહાસમાં સૌથી નાની વયે મહિલાઓનો ખિતાબ સ્વિટ્ઝર્લૅન્ડની ટીન એજ સેન્સેશન માર્ટિના હિંગીસે મેળવી ટેનિસજગતમાં ચમત્કાર સર્જ્યો હતો. 21મી સદીના પ્રારંભથી જ મહિલા-વિભાગના ખિતાબ માટે અમેરિકાની વિલિયમ્સ બહેનો વચ્ચે જ ફાઇનલનો ખિતાબ વહેંચાતો જોવા મળે છે. છેલ્લા દસકાના વિમ્બલ્ડન-વિજેતાઓ નીચે કોઠાના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. વિમ્બલ્ડનમાં અમ્પાયરો પણ વિશિષ્ટ સિદ્ધિઓવાળા અનુભવી નિષ્ણાતો હોય છે. આપણા ભારતના પીટર મલિકે સાત વર્ષ સુધી વિમ્બલ્ડનમાં અમ્પાયરિંગ કરેલું. ભારતના રામનાથન્ કૃષ્ણન, રમેશ કૃષ્ણન, લિયેન્ડર પેસ, મહેશ ભૂપતિએ વિમ્બલ્ડનમાં સારી નામના મેળવી છે અને એવી રીતે જ 2003માં બહેનોમાં સોનિયા મિર્ઝાએ સારો દેખાવ કર્યો હતો.

છેલ્લા દસકાના વિમ્બલ્ડનવિજેતાઓ

વર્ષ

પુરુષો

મહિલા

1994 પીટ સમ્પ્રાસ (અમેરિકા) સ્ટેફીગ્રાફ (જર્મની)
1995 પીટ સમ્પ્રાસ (અમેરિકા) સ્ટેફીગ્રાફ (જર્મની)
1996 રિચર્ડ ક્રાઇચેક (નેધરલૅન્ડ) સ્ટેફીગ્રાફ (જર્મની)
1997 પીટ સમ્પ્રાસ (અમેરિકા) માર્ટિના હિંગીસ (સ્વિટ્ઝર્લૅન્ડ)
1998 પીટ સમ્પ્રાસ (અમેરિકા) યાના નોવોત્ના (ચેકોસ્લોવૅકિયા)
1999 પીટ સમ્પ્રાસ (અમેરિકા) લિન્ડસે ડેવનપૉર્ટ (અમેરિકા)
2000 પીટ સમ્પ્રાસ (અમેરિકા) વિનસ વિલિયમ્સ (અમેરિકા)
2001 ગોરાન ઇવાનિસેવિક (ક્રોએશિયા) વિનસ વિલિયમ્સ (અમેરિકા)
2002 લેયટન હેવીટ (ઑસ્ટ્રેલિયા) સેરેના વિલિયમ્સ (અમેરિકા)
2003 રોજર ફેડરર (સ્વિટ્ઝર્લૅન્ડ) સેરેના વિલિયમ્સ (અમેરિકા)
2004 રોજર ફેડરર (સ્વિટ્ઝર્લૅન્ડ) મારિયા શારકાપોવા (રશિયા)

પ્રભુ દયાલ શર્મા