કુરુક્ષેત્ર : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 34′ 15” ઉ. અ.થી 30° 15′ 15” ઉ. અ. અને 76° 10′ 10” થી 77° 17′ 05” પૂ. રે. વચ્ચેનો 1,530 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અંબાલા જિલ્લો; પૂર્વમાં જિલ્લા સરહદ રચતી યમુના નદી અને તેની પેલી પાર રાજ્યનો યમુનાનગર જિલ્લો; અગ્નિકોણ અને દક્ષિણમાં કર્નલ જિલ્લો; દક્ષિણ, નૈર્ઋત્ય તેમજ પશ્ચિમે કૈથલ જિલ્લો તથા વાયવ્યમાં પંજાબ રાજ્યનો પતિયાલા જિલ્લો આવેલા છે. જિલ્લામથક જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : સમગ્ર ર્દષ્ટિએ જોતાં, જિલ્લાનું ભૂપૃષ્ઠ મેદાની છે, તેનો ઢોળાવ ઈશાનથી દક્ષિણ અને નૈર્ઋત્ય તરફનો છે. મેદાન લગભગ સમતળ છે, તેનાં પૂરનાં મેદાનોનો ભાગ ખદર તરીકે ઓળખાય છે. અહીંનો જૂનો નદીકાંપ, જે સરસ્વતી, માર્કંડ, ઘગ્ગર વગેરે નદીઓથી બનેલો, તે ભાંગર તરીકે ઓળખાય છે. ભાંગરમાં જુદી જુદી ઊંડાઈએ 1 સેમીથી 5 સેમી. કે તેથી મોટા કંકર મળી આવે છે. આશરે 55 ચોકિમી. જેટલો થોડોક ભાગ અનામત જંગલથી આવરી લેવાયેલો છે.
જળપરિવાહ : જિલ્લાની પૂર્વ સરહદ રચતી યમુના નદી અહીંની કાયમી નદી છે. આ ઉપરાંત સરસ્વતી, માર્કંડ અને ઘગ્ગર નદીઓ અન્ય મહત્વની નદીઓ છે. સિંચાઈની સુવિધાઓ ધરાવતું નહેરોનું જાળું આ જિલ્લામાં જોવા મળે છે.
ખેતી–પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ઘઉં, ડાંગર તેમજ શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે, સિંચાઈની સુવિધા નહેરો અને નળકૂપ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
ગાય, ભેંસ, ઘેટાં, ડુક્કર અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં થઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 1 પસાર થતો હોવાથી મહત્વનું સ્થાન ધરાવે છે, તેથી અહીં ઉદ્યોગો વિકાસ પામ્યા છે. આજે અહીં આશરે 115 જેટલા વિવિધ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. તે પૈકી ખાદ્યપ્રક્રમણ, દૂધ અને તેની પેદાશો, રસાયણો, ખાતરો, જંતુનાશકો, ઑક્સિજન ગૅસ, સાબુ, ચશ્માંના કાચ, હાથસાળનું કાપડ, કૃષિ-સાધનો, આયુર્વેદિક દવાઓ મુખ્ય છે. આ જિલ્લામાંથી ડાંગર, ઘઉં, બટાટા, લોખંડ અને કાપડની નિકાસ થાય છે; જ્યારે ખાંડ, ઘી, વનસ્પતિ ઘીની આયાત કરવામાં આવે છે.
પરિવહન : કુરુક્ષેત્ર જિલ્લો દિલ્હીથી આશરે 160 કિમી. ઉત્તર તરફ દિલ્હી-અંબાલા રેલમાર્ગ પર આવેલો છે. થાનેસર, શાહબાદ તેના પરનાં મુખ્ય રેલમથકો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 1 શાહબાદ અને થાનેસરમાંથી પસાર થાય છે. જિલ્લાનાં મુખ્ય શહેરો સડકમાર્ગોથી સંકળાયેલાં છે.
પ્રવાસન : મહાભારતનું યુદ્ધ જ્યાં ખેલાયેલું અને શ્રીકૃષ્ણે અર્જુનને જ્યાં ગીતાનો ઉપદેશ આપેલો તે કુરુક્ષેત્રભૂમિ બધા જ હિન્દુઓ માટેનું તીર્થસ્થાન (ધર્મક્ષેત્ર) ગણાય છે. પ્રાચીન પવિત્ર નદીઓ સરસ્વતી અને ર્દશદ્વતી આ વિસ્તારમાંથી પસાર થતી હતી, તેથી આ વિસ્તાર બ્રહ્માવર્ત તરીકે ઓળખાતો હતો. આ જિલ્લામાં આવેલાં બ્રહ્મસર અથવા કુરુક્ષેત્ર તળાવ, બાણગંગા તેમજ બીજાં તળાવો તીર્થસ્થાનો ગણાય છે. અહીંના ગુહલા ગામ ખાતે મિરાન બહાર અલીશાહનો મકબરો, પેહોવા (પૃથુદક) ખાતે બ્રહ્મા અને સરસ્વતીનાં તળાવો, સિવાન ખાતે સીતાજીનું મંદિર, ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વનો કિલ્લો; શેખ ચેહલીની કબર અને મદ્રેસા, પથ્થર મસ્જિદ અને ચીની મસ્જિદ ધરાવતું થાનેસર; રાજા કર્ણના કિલ્લા નામે ઓળખાતો ટેકરો; મહાભારતના યુદ્ધ દરમિયાન હણાયેલાઓની સ્મશાનભૂમિ અસ્થિપુર, ભગવાનપુરા, દૌલતપુર જોવાલાયક સ્થળો છે. બ્રહ્મ સરોવરમાં સ્નાન કરવાનું મહત્વ છે. જિલ્લામાં વાર-તહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.
વસ્તી : 2024 મુજબ આશરેઆ જિલ્લાની વસ્તી 10,99,707 છે. જિલ્લામાં હિન્દુઓ અને શીખોનું વસ્તીપ્રમાણ વિશેષ છે. જિલ્લામાં મુખ્યત્વે હિન્દી ભાષા બોલાય છે. જિલ્લાના આશરે 60 % લોકો સાક્ષર છે. નગરો ખાતે શાળા-શિક્ષણસંસ્થાઓ આવેલી છે. જિલ્લામાં આઠ જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. વહીવટી અનુકૂળતા માટે જિલ્લાને તાલુકા અને સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે.
ઇતિહાસ : ભગવદગીતામાં નિર્દિષ્ટ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે તે આ સ્થળ. તે હિંદુઓનું પવિત્ર, પ્રસિદ્ધ, ધાર્મિક ઐતિહાસિક સ્થાન છે. તામ્રાશ્મકાળથી આધુનિક યુગ સુધીનાં અનેક ઐતિહાસિક સ્થળો આ પ્રદેશમાં આવેલાં છે. તેમાં ભારતમાં પ્રચલિત વિવિધ સંપ્રદાયોના દીર્ઘકાલીન અવશેષો પડેલા છે. રાજા કુરુએ આ સ્થળનું નિર્માણ કરેલું, મનુસ્મૃતિમાં આ ભૂમિને બ્રહ્માવર્ત કહી છે. ઐતરેય, શતપથ અને શાંખ્યાયન બ્રાહ્મણગ્રંથોમાં તથા તૈત્તરીય આરણ્યક અને કાત્યાયન શ્રૌતસૂત્રમાં કુરુક્ષેત્રનું વર્ણન છે. મહાભારતમાં એનું બીજું નામ સમંત પંચક (ઉત્તરવેદી) છે. બ્રહ્માની યજ્ઞવેદીના સંદર્ભે એને બ્રહ્મવેદી પણ કહે છે. શતપથ બ્રાહ્મણ અનુસાર કુરુક્ષેત્ર દેવતાઓની યજ્ઞભૂમિ હતી. અહીં કૌરવ-પાંડવ યુદ્ધ થયું હતું.
ઐતિહાસિક કાલમાં નંદવંશના સમયે આ સ્થળ મગધ સામ્રાજ્યમાં અંતર્ગત હતું. મૌર્યોના સામ્રાજ્યમાં તેનો સમાવેશ થયો હતો. મૌર્યોથી ગુપ્તો સુધીનો કુરુક્ષેત્રનો ઇતિહાસ સ્પષ્ટ નથી. થાણ્વીશ્વરના પુષ્યભૂતિ વંશના રાજાઓએ કુરુક્ષેત્ર ઉપર રાજ્ય કર્યું હતું. તે પછી ગુર્જર-પ્રતિહાર અને ગાહડવાલના આધિપત્યમાં આ સ્થળ હતું. મહમૂદ ગઝનવી અને શાહબુદ્દીન ઘોરીએ આ શહેરમાં લૂંટ કરી હતી. પૃથ્વીરાજ ચૌહાણે કુરુક્ષેત્રને મુસ્લિમોના કબજામાંથી છોડાવ્યું હતું. કુરુક્ષેત્રની સીમમાં જ પાણીપતનું મેદાન છે, જ્યાં ત્રણ જાણીતાં યુદ્ધો થયાં હતાં.
કુરુક્ષેત્રની આસપાસના 12 કિમી.ના ક્ષેત્રમાં બે મોટાં સરોવરો ઉપરાંત 365થી પણ વધારે હિંદુ ધાર્મિક તીર્થસ્થળો આવેલાં છે. સૂર્યગ્રહણ તથા અન્ય પવિત્ર તહેવારોમાં અહીં 5 લાખથી વધુ યાત્રાળુઓ સ્નાન કરવા આવે છે. આ શહેરમાં કેટલીક મુસ્લિમ ઇમારતો અને મસ્જિદો પણ છે. અહીંનાં જાણીતાં મંદિરોમાં ગીતાભવન, બિરલા ભવન, શ્રવણનાથ મંદિર, કાલીકમલીવાળાનું મંદિર, કાલેશ્વર ઉપરાંત દેવીકૂપ, રુદ્રકૂપ, ચન્દ્રકૂપ અને વિષ્ણુકૂપ મુખ્ય છે. ભીષ્મકુંડ, અભિમન્યુપુર જેવાં ધાર્મિક સ્થળો પાંડવો અને કૌરવોની યાદ અપાવે છે.
1956માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીની સ્થાપના બાદ તે શિક્ષણ-કેન્દ્ર બન્યું છે.
કે. કા. શાસ્ત્રી
ર. ના. મહેતા
રસેશ જમીનદાર
મહેશ મ. ત્રિવેદી
ગિરીશભાઈ પંડ્યા