અવાળુ : જડબાના જે ભાગમાં દાંત ગોઠવાયા હોય તેને ઢાંકતી પેશી. તેને પેઢું પણ કહે છે. તે ભૂખરા ગુલાબી કે ગુલાબી રંગનું હોય છે. તે ચાવતી વખતે થતા ઘર્ષણ અને દબાણનું વહન કરે છે. તે જડબાના હાડકાનાં બહારનાં આવરણ, જેને પરિઅસ્થિ (periosteum) કહે છે તેની સાથે તથા દાંતના સિમેન્ટ સાથે ચોંટેલું હોય છે. અવાળુના આ ભાગને બદ્ધ અવાળુ કહે છે. દાંતને કૉલરની માફક વીંટળાયેલ, 1 મિમી. જાડા અવાળુ-પડને સીમાવર્તી (marginal) અવાળુ કહે છે. તેની અને દાંતની વચ્ચે 1.8 મિમી. ઊંડી અવાળુગર્ત (sulcus) આવેલ છે, જેમાં ખોરાકના કણો અને જીવાણુઓ (bacteria) છારી અને પથરી રૂપે ચોંટે છે. બે દાંતની વચ્ચે પડતી જગ્યામાં પિરામિડ આકારની અવાળુની આંતરદંતીય કલિકાઓ (interdental papillae) હોય છે. અવાળુની સપાટી પર સંતરાની છાલ જેવાં બારીક ઊપસી આવેલાં છિદ્રો હોય છે, જે છ વર્ષની ઉંમર પછી દેખાય છે અને ઘડપણમાં શોષાઈ જાય છે.

અવાળુના ભાગો

અવાળુ-ગર્તમાં જમા થતી છારી કે પથરીને કારણે અવાળુમાં ચેપ લાગે છે. કેટલાક રોગોમાં અવાળુની વૃદ્ધિ થાય છે, ક્યારેક તેમાં ગાંઠ પણ થાય છે. અવાળુની નિયમિત સંભાળ મોં તથા દાંતના ઘણા રોગોને થતા અટકાવે છે. સવારે અને રાત્રે સૂતાં પહેલાં નિયમિતપણે દાતણ કરવું લાભદાયી છે. ત્યારબાદ કોગળા કરતી વખતે અવાળુ પર માલિશ કરવાની સલાહ અપાય છે. બે દાંતની વચ્ચેથી અને અવાળુ-ગર્તમાં ભરાયેલા ખોરાકના કણો સાફ કરી નાખવાનું સૂચવાય છે  પરંતુ ટાંકણીથી ત્યાં ખોતરવું નહિ એવી ખાસ સૂચના અપાય છે. ક્યારેક ક્યારેક ગ્લિસરીન-ટૅનિક ઍસિડથી અવાળુને માલિશ કરવાથી ફાયદો રહે છે.

રુદ્રેશ ભટ્ટ

શિલીન નં. શુક્લ