અવાયુજીવી (anaerobes) : પર્યાવરણમાં ઑક્સિજન હોય કે ન હોય તોપણ અજારક શ્વસન (anaerobic respiration) દ્વારા કાર્યશક્તિ પ્રાપ્ત કરી જૈવિક કાર્યો કરનાર જીવીઓ. જોકે આવા કેટલાક સૂક્ષ્મ સજીવો ઑક્સિજનની હાજરીમાં, જારક (aerobic) શ્વસનપ્રક્રિયા કરી શકે છે. તેવા સૂક્ષ્મ સજીવોને વિકલ્પી વાયુજીવી(facultative anaerobes) કહે છે; પરંતુ ચુસ્ત અવાયુજીવીઓ (obligate anaerobes) આણ્વિક ઑક્સિજનની હાજરીમાં વૃદ્ધિ પામી શકતા નથી. ઑક્સિજનની હાજરી તેમને હાનિકારક નીવડે છે. ક્લૉસ્ટ્રિડિયમ, ઍક્ટિનૉમાયસિસ, ડિસલ્ફોવિબ્રો પ્રજાતિના, તેમજ બૅક્ટેરૉઇડસી ક્રોમેશિયેસી તેમજ ક્લૉરોબૅક્ટેરિએસી વંશના બૅક્ટેરિયા ચુસ્ત અવાયુજીવી પ્રકારના છે. જોકે ક્લૉસ્ટ્રિડિયમ પ્રજાતિના અને કેટલાક સૂક્ષ્મજીવી (microaerophillic) બૅક્ટેરિયા અતિ અલ્પ પ્રમાણમાં ઑક્સિજન સહન કરી શકે છે.

ઑક્સિજનની ગેરહાજરીમાં બૅક્ટેરિયા પોષક દ્રવ્યોમાંથી વિવિધ રીતે કાર્યશક્તિ પ્રાપ્ત કરી શકે છે. જોકે જારક (aerobic) શ્વસનથી પ્રાપ્ત શક્તિના પ્રમાણમાં તે ઘણી ઓછી હોય છે; કારણ કે અહીં પ્રક્રિયાર્થીઓ(substrates)નું વિઘટન સંપૂર્ણ રીતે થતું નથી. અજારક ચયાપચયમાં ઉપચયન થઈ શકે તેવા પ્રક્રિયાર્થીઓ ઝડપથી વપરાય છે અને પ્રક્રિયાને અંતે અપૂર્ણ ઉપચયનથી ઉત્પન્ન થયેલાં અંત્ય ઉત્પાદનો(end products)નો સંગ્રહ થાય છે.

આથવણ(fermentation)ના નામે ઓળખાતા અજારક શ્વસનમાં કેટલાક બૅક્ટેરિયા કાર્બોદિતોને 1થી 5 કાર્બનયુક્ત પદાર્થમાં ફેરવે છે. આથવણના એક પ્રકારમાં ગ્લુકોઝમાંથી આલ્કોહૉલ નિર્માણ થાય છે.

બૅક્ટેરિયામાં થતી આથવણપ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝના આંશિક વિઘટનથી શેષ પદાર્થો તરીકે ઇથેનૉલ (આલ્કોહૉલ), ઍસેટોન અને બ્યૂટેનૉલ જેવા કાર્બનિક પદાર્થો બનાવે છે, જે આર્થિક દૃષ્ટિએ અગત્યના છે. આ દૃષ્ટિએ ફૂગ(yeast)નું આથવણ અતિમહત્વનું ગણાય છે; કારણ કે તે સંપૂર્ણ રીતે શુદ્ધ આલ્કોહૉલનું ઉત્પાદન કરે છે.

સામાન્ય રીતે પરોપજીવી જીવન પસાર કરતા ચુસ્ત અવાયુજીવીઓ માનવસહિત અન્ય પ્રાણીઓ માટે હાનિકારક હોય છે. જોકે કેટલાક બૅક્ટેરિયા વિઘટનપ્રક્રિયા કરી મૃત વસ્તુઓને અને ઉત્સર્ગદ્રવ્યોને સાદા સ્વરૂપમાં ફેરવે છે. આ પ્રક્રિયા નિર્જીવ ઘટકોને સાદા સ્વરૂપમાં ફેરવવામાં અને પ્રદૂષણ દૂર કરવામાં અગત્યની છે.

અરવિંદ દરજી