અવાળુ-અર્બુદ (epulis) : દાંતના પેઢાની ગાંઠ. તેમાં અવાળુની વૃદ્ધિ થાય છે. ગેલને (Galen) સૌપ્રથમ આ બીમારી માટે ગ્રીક શબ્દ epulisનો ઉપયોગ કર્યો હતો. મોટાભાગનાં અવાળુ-અર્બુદ, દાંતની છારી કે અવાળુ-ગર્તમાં થતી પથરી, બંધ ના બેસતાં હોય તેવાં દંતચોકઠાં (dentures), અવાળુનો ચેપ, તૂટેલા દાંતની તીક્ષ્ણ ધારને કારણે થતી સતત ઈજા અથવા ચચરાટને પરિણામે થાય છે. અવાળુ-અર્બુદો સીમાવર્તી અવાળુ કે આંતરદંતીય કલિકાઓમાં જોવા મળે છે. (જુઓ : અવાળુ). ક્યારેક તે તરતના કાઢી નાખેલા દાંતની બોખમાં પણ થાય છે. સૂક્ષ્મદર્શકના આધારે અવાળુ-અર્બુદોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યત્વે તંતુ-અર્બુદ (fibroma) જૂથની ગાંઠ હોય છે.

અવાળુ-અર્બુદનું સ્થાન

અર્બુદનું શસ્ત્રક્રિયા વડે પૂર્ણ છેદન (excision) તે તેની મુખ્ય સારવાર છે. અર્બુદ(ગાંઠ)ને કારણે ખસી ગયેલા કે હલતા દાંત કાઢી નાખવા પડે છે. ઉપર જણાવેલ ચચરાટ કરતી પરિસ્થિતિનું નિરાકરણ થતાં તે અર્બુદને થતો અટકાવે છે.

રુદ્રેશ ભટ્ટ

શિલીન નં. શુક્લ