કિરીબતી : પશ્ચિમ મધ્ય પૅસિફિક સમુદ્રમાં આવેલા ટાપુથી બનેલો દેશ. વિષુવવૃત્તથી 5o ઉ. અને 5o દ. અક્ષાંશ વચ્ચે તથા 169o પૂ. અને 150o પ. રેખાંશ વચ્ચે આવેલો છે. 1979 પહેલાં તે ગિલ્બર્ટ ટાપુઓ તરીકે ઓળખાતો હતો. હાલ કુલ તેત્રીસ ટાપુઓ પૈકી ગિલ્બર્ટ ટાપુ, એલિસ ટાપુ, બનાબા, ફીનિક્સ અને લાઇન ટાપુસમૂહો મુખ્ય છે. બનાબા ટાપુ જ્વાળામુખીનું મુખ છે અને બીજા ટાપુઓ પરવાળાના ટાપુઓ (atolls) છે. મુખ્ય શહેર તરાનાથી બનાબાટાપુ 400 કિમી., ફીનિક્સ ટાપુ 1600 કિમી. અને લાઇન ટાપુઓ 2,730 કિમી. દૂર આવેલા છે. સમુદ્ર સહિત તેનો વિસ્તાર 50 લાખ ચો.કિમી. છે, જ્યારે ભૂમિનો વિસ્તાર માત્ર 717 ચોકિમી. છે. વિષુવવૃત્ત અને આંતરરાષ્ટ્રીય દિનાંતરરેખા આ પ્રદેશમાંથી પસાર થાય છે.
આ પ્રદેશ વિષુવવૃત્તની આબોહવા ધરાવે છે પણ સમુદ્રને કારણે તેની આબોહવા સમધાત રહે છે. શિયાળા અને ઉનાળાનું સરેરાશ તાપમાન અનુક્રમે 26o સે. અને 32o સે. રહે છે. વિષુવવૃત્ત ઉપર 1,020 મિમી. વરસાદ પડે છે પણ ઉત્તર અને દક્ષિણના ટાપુઓમાં 3,050 મિમી. વરસાદ પડે છે. જમીન રેતાળ અને ખડકાળ છે. દરિયાકિનારે નાળિયેરી ઊગે છે. થોડી ખેતી પણ થાય છે. અહીં ફૉસ્ફેટનો જથ્થો વિપુલ પ્રમાણમાં મળે છે અહીંથી પુષ્કળ પ્રમાણમાં મીઠું પણ મેળવાય છે. લોકો હસ્તકલા વડે નાળિયેરના રેસા, કાચલી વગેરેની વિવિધ વસ્તુઓ બનાવતાં શીખ્યા છે. મચ્છીમારી અન્ય ઉદ્યોગ છે. આ ઉપરાંત સાબુ, ખોરાકી ચીજો, રાચરચીલું, ચામડાંની ચીજવસ્તુઓ તથા ચર્મપોશાકો તેમજ પ્રવાસન ઉદ્યોગ વિકસ્યાં છે. અહીંથી કોપરાં, માછલી, કેળાંની નિકાસ થાય છે.
સામોઆના લોકો તેરમી સદીમાં હોડીઓ વાટે આવીને અહીં વસ્યા છે. તેઓ માઇક્રોનેશિયન અને પોલિનેશિયન જાતિસમુદાયના છે. થોડાક યુરોપિયનો પણ વસ્યા છે. મુખ્ય શહેર તરાના છે. કુલ રસ્તા 480 કિમી.ના છે અને રેલવે 1.6 કિમી. લાંબી છે.
બ્રિટિશ સંશોધકે આ ટાપુસમૂહની શોધ કરી હતી. 1877માં પશ્ચિમ પૅસિફિક પ્રદેશના કમિશનર નીચે આ પ્રદેશ હતો. 1975માં ગિલ્બર્ટ અને ઍલિસ ટાપુઓ કિરીબતીથી અલગ થયા. 1977માં આ પ્રદેશને આંતરિક સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું હતું. 12 જુલાઈ 1979થી આ દેશ સ્વતંત્ર થયો છે.
પ્રમુખ અને વિધાનસભા શાસન કરે છે. પ્રમુખની નિયુક્તિ વિધાનસભા કરે છે. પ્રમુખ રાજ્ય અને સરકારના વડા છે. વસ્તી 1,21,749 (2021).
શિવપ્રસાદ રાજગોર