કિરીટાવરણ (corona) : સૂર્યના ખગ્રાસ ગ્રહણ વખતે જ જોઈ શકાતું એવું પાણીનાં નાનાં ટીપાંઓ વડે થતા પ્રકાશના વક્રીભવનને કારણે સૂર્યબિંબથી બહારના ભાગે આવેલા આવરણનું અદભુત દૃશ્ય. મોતી જેવી ચમક દાખવતા આછી વિકિરણતાવાળા આ કિરીટાવરણનો વ્યાપ ઘણો મોટો છે. જુદા જુદા ખગ્રાસ ગ્રહણ વખતે દેખાતું કિરીટાવરણ ભિન્ન પ્રકારનું જોવા મળે છે. સૂર્યથી લાખો માઈલ સુધી દૂરના અવકાશમાં વિસ્તરતું કિરીટાવરણ સૂર્યબિંબની નજદીકમાં તેજસ્વી હોય છે, પણ તેનાથી દૂર જતાં, તેની તેજમાત્રા ઘટતી જાય છે.

કિરીટાવરણના બે ઘટક છે : K અને F. K ઘટક મુક્ત ઇલેક્ટ્રૉનના સમૂહનો બનેલો છે અને તેનું આણ્વિક તાપમાન 3 લાખથી 10 લાખ અંશ જેટલું હોય છે. F ઘટક બહારનો ભાગ છે, જે કિરીટાવરણના છેવાડેના અવકાશી રજકણો સાથે મળી, સૂર્યપ્રકાશના પરાવર્તન દ્વારા પૃથ્વી પર મેરુજ્યોતિ (Aurora) ઉત્પન્ન કરે છે.

કિરીટાવરણનું રૂપ સૂર્યકલંકની અધિક કે અલ્પ સંખ્યા પર આધાર રાખે છે. મહત્તમ કલંક સમયે તે સૂર્યબિંબની ચારે બાજુ સપ્રમાણ હોય છે. લઘુતમ કલંક વખતે તે વિષુવવૃત્તીય ભાગે લાંબી તેજશિખાવાળું બને છે. તે સમયે ધ્રુવપ્રદેશ તરફનો એનો વિસ્તાર ટૂંકો થઈ જાય છે. તેજશિખાઓ ઘણી વાર 15 લાખ કિમી. સુધી વિસ્તરે છે. ગ્રહણ સિવાયના દિવસે, કિરીટાવરણનો અભ્યાસ કોરોનોગ્રાફની મદદથી કરી શકાય છે.

વિદ્યુતમાં, ઊંચા વિભવે આવેલા વાહક તારની સપાટી નજીકના વિદ્યુત્રોધી (insulating) સ્તરમાંના ભંજન(breakdown)ને કારણે, વાહકમાંથી થતા વિદ્યુતભાર(electric discharge)ને પણ કોરોના કહે છે. વિદ્યુત્રોધી સ્તર વિનાના ખુલ્લા કે ઉઘાડા વાહક તારનો કોરોના દૃશ્ય (visible), શ્રાવ્ય (audible) તથા ઓઝોન વાયુ જેવી ગંધવાળો હોય છે. ઘનાત્મક (positive) તથા ઋણાત્મક (negative) વાહક તાર માટે મળતા કોરોનાના પ્રકાર જુદા હોય છે. જે ક્રાંતિક (critical) વિભવે કોરોના ઉદભવે છે તેનું મૂલ્ય જાડા વાહક તાર કરતાં પાતળા વાહક તાર માટે નીચું હોય છે. વધુ ઊંચાઈએ (નીચાં વાતાવરણદબાણે) તેમજ ઉચ્ચ આર્દ્રતા(humidity)એ પણ ક્રાંતિક વિભવનું મૂલ્ય નીચું હોય છે.

છોટુભાઈ સુથાર

એરચ મા. બલસારા