વિદેશી સહાય (foreign aid) : વિકાસશીલ દેશોના આર્થિક વિકાસ માટે કે કુદરતી – માનવસર્જિત આપત્તિઓમાં સહાય માટે વિકસિત દેશોની સરકારો અને અન્ય સંગઠનો દ્વારા ઉદાર શરતોએ આપવામાં આવતાં ધિરાણો અને અનુદાનો. બજારતંત્ર દ્વારા જે ધિરાણો પ્રાપ્ત ન થઈ શકે તેનો સમાવેશ સામાન્ય રીતે વિદેશી સહાયમાં કરવામાં આવે છે. વિદેશી સહાયના સ્વરૂપે અપાતાં નાણાંમાં સહાયનું તત્વ વિવિધ સ્વરૂપે જોવા મળે છે; દા. ત., આવી લોનો વ્યાજના ખૂબ નીચા દરે આપવામાં આવે, કેટલાક દાખલાઓમાં વ્યાજનો દર અડધા ટકા જેટલો ઓછો પણ હોઈ શકે. લોન ભરપાઈ કરવા માટેનો સમયગાળો 15-20 વર્ષ કે તેથી વધુ લાંબો હોઈ શકે. લોન પરના વ્યાજ તથા મુદ્દલની ચુકવણી ત્રણ-ચાર વર્ષ પછી શરૂ કરવાની ઉદારતા દાખવવામાં આવે. ધિરાણો વિદેશી ચલણમાં આપવામાં આવ્યાં હોય, પરંતુ તેની ચુકવણી અંશત: કે પૂર્ણતયા દેશના ચલણમાં કરવાની હોય. કેટલાક દાખલાઓમાં સહાય વસ્તુ સ્વરૂપે આપવામાં આવે છે; દા. ત., 1954થી 1971નાં અઢાર વર્ષોમાં અમેરિકાએ ભારતને ઘઉં અને અન્ય કેટલીક ખેતપેદાશો આરંભમાં રૂપિયામાં ચુકવણીની શરતે પૂરી પાડી હતી, પરંતુ પાછળથી એ લેણી રકમ માંડી વાળવામાં આવી હતી. એ રીતે એ અન્નસહાય મહદંશે અનુદાન રૂપે જ ભારતને સાંપડી હતી. 1954થી 1971 દરમિયાન ભારતને આ માર્ગે કુલ 5,006 કરોડ ડૉલરની સહાય સાંપડી હતી. તેમાં ઘઉંની આયાતોનો હિસ્સો 387 કરોડ ડૉલરનો (77 ટકા) હતો. આ કાર્યક્રમ નીચે ભારતે 18 વર્ષોમાં થઈને 5.2 કરોડ ટન ઘઉંની આયાતો કરી હતી. [અમેરિકાની એ અન્નસહાય તેના પીએલ 480 (પબ્લિક લૉ 480) નીચે ભારતને આપવામાં આવી હતી.] 1961-70ના દસકામાં અમેરિકાની એ અન્નસહાયના અભાવમાં દેશમાં ભૂખમરો રોકવાનું મુશ્કેલ બની ગયું હોત. ભારતમાં તથાકથિત શ્વેતક્રાંતિના મૂળમાં 1969-70માં શરૂ કરવામાં આવેલો ‘ઑપરેશન ફ્લડ-1’ નામનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ માટેનું ભંડોળ ‘વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ’ના અન્વયે પ્રાપ્ત થયું હતું. એ કાર્યક્રમ નીચે દેશને 1.27 લાખ ટન દૂધનો પાઉડર અને 39,696 ટન ‘બટર ઑઇલ’ ભેટ આપવામાં આવ્યાં હતાં. એના વેચાણમાંથી પ્રાપ્ત થયેલી આવકમાંથી દેશમાં ડેરી-વિકાસનો એક સુગ્રથિત કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી ગરીબ કે વિકાસશીલ દેશોના આર્થિક વિકાસનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં મુકાયો હતો. તત્કાલીન અર્થશાસ્ત્રીય વિચારણા પ્રમાણે વિકાસશીલ દેશોના ઝડપી આર્થિક વિકાસ માટે એ દેશોમાં થતાં મૂડીરોકાણોમાં મોટો વધારો થવો જોઈએ, પરંતુ તેમાં બે અવરોધોનો સામનો કરવાનો હતો. એક, મૂડીરોકાણમાં વધારો થઈ શકે તે માટે દેશમાં થતી બચતોમાં વધારો થવો જોઈએ, પરંતુ આ દેશોમાં લોકોની આવક ઘણી ઓછી હોવાથી બચતોમાં વધારો કરવાનું મુશ્કેલ હતું. બીજું, આ દેશોમાં મૂડીરોકાણો વધારવામાં આવે તેના પરિણામ રૂપે તેમની આયાતોમાં વધારો થાય. આ આયાતોની ચુકવણી માટે તેમની પાસે વિદેશી ચલણ હોવું જોઈએ. તેઓ જો તેમની નિકાસોમાં વધારો કરી શકે તો જ તેઓ વધુ વિદેશી ચલણ કમાઈ શકે, પરંતુ મોટાભાગના વિકાસશીલ દેશોની નિકાસોમાં વધારો થઈ શકે તેમ નથી એ વિશે અર્થશાસ્ત્રીઓમાં વ્યાપક સંમતિ પ્રવર્તતી હતી. વિકાસશીલ દેશોમાં મૂડીરોકાણ વધારવા સામેના આ બંને અવરોધોનો એકમાત્ર ઉકેલ વિકાસશીલ દેશોને સહાય આપવામાં રહેલો છે એવું પ્રતિપાદન એ સમયે કેટલાક અર્થશાસ્ત્રીઓએ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તારાજ થયેલા પશ્ચિમ યુરોપના દેશો અમેરિકાની સહાયથી ઝડપથી બેઠા થયા હતા એ અનુભવ પણ વિકાસશીલ દેશોને સહાય આપવાના કેસને સમર્થન આપતો જણાતો હતો. એક નૈતિક સ્વરૂપની ભૂમિકા ઉપર પણ વિદેશી સહાયનો કેસ રજૂ કરવામાં આવ્યો હતો. ડાબેરી કે ઉદ્દામવાદી વિચારધારાને વરેલા વિચારકોના મત પ્રમાણે વિકસિત દેશો વિકાસશીલ દેશોનું શોષણ કરીને સમૃદ્ધ બન્યા છે. વિકાસશીલ દેશોની ગરીબી એ શોષણનું પરિણામ હોવાથી તેમની ગરીબી દૂર કરવામાં સહાયભૂત થવાની વિકસિત દેશોની ફરજ છે. અન્ય કેટલાક વિચારકો અને અર્થશાસ્ત્રીઓએ વિશ્વસ્તરે સમાનતાનો આગ્રહ રાખીને નવી આર્થિક વ્યવસ્થા સર્જવા પર ભાર મૂક્યો હતો. આ બધા વૈચારિક પ્રવાહોના ફળ રૂપે અને વિકાસશીલ દેશોના દબાણ નીચે વિકસિત દેશોએ તેમની રાષ્ટ્રીય આવકના એક ટકા જેટલી સહાય વિકાસશીલ દેશોને કરવી જોઈએ એવો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો હતો, જોકે ભાગ્યે જ કોઈ વિકસિત દેશે એ લક્ષ્યાંક પ્રમાણે સહાય આપી છે. અહીં એ ઉમેરવું જોઈએ કે લગભગ 1990 સુધી વિદેશી સહાય પાછળનું એક પ્રેરક પરિબળ ઠંડા યુદ્ધનું રાજકારણ પણ હતું. આર્થિક સહાયનો ઉપયોગ રાજકીય અને લશ્કરી હેતુઓ માટે પણ કરવામાં આવ્યો હતો અને આજે પણ એવો ઉપયોગ કેટલાક દાખલાઓમાં થઈ રહ્યો છે.
1960 પછીના દસકામાં વિદેશી સહાયનો મોટો ગણી શકાય એવો પ્રવાહ વિકાસશીલ દેશો તરફ વહ્યો હતો. 1980 પછી વિદેશી સહાયની અસરકારતા વિશે સંશયો પેદા થયા; એટલું જ નહિ, વિદેશી સહાયની સમસ્યાઓ પણ દેખાવા લાગી. સંખ્યાબંધ દેશો વિદેશી સહાયના રૂપમાં મળેલી લોનો અને તેના પરનું વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ નીવડ્યા. એ ઘટનાઓ ‘ઋણની કટોકટી’ તરીકે ઓળખાઈ. વિદેશી સહાયને પરિણામે દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે કે કેમ એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે કરવામાં આવેલા અભ્યાસોનાં પરિણામો મિશ્ર જણાયાં હતાં. વિદેશી સહાયના પરિણામે અનેક દેશોનો આર્થિક વિકાસ ઝડપી બન્યો ન હતો. આમાંથી એ ફલિત થતું હતું કે વિદેશી સહાયને ઉત્પાદક રીતે સમાવવાની ક્ષમતા બધા વિકાસશીલ દેશો ધરાવતા નથી. તેમને અપાતી સહાય વેડફાઈ જાય છે અને તે તેમના માટે બોજારૂપ થઈ પડે છે.
વિકાસશીલ દેશોને સહાય આપતા દેશોમાં ‘ઑર્ગેનિઝેશન ફૉર ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડિવેલપમેન્ટ’(OECD)ના 24 દેશો મોખરે છે. 2001ના વર્ષમાં આ દેશોએ કુલ 5233.6 કરોડ ડૉલરની ચોખ્ખી (net) સહાય આપી હતી, જે તેમની રાષ્ટ્રીય આવકના 0.22 % થતી હતી. 1990ના વર્ષમાં આ દેશોએ તેમની રાષ્ટ્રીય આવકના 0.33 % સહાય આપી હતી.
સહાય મેળવતા દેશોના દૃષ્ટિબિંદુથી સહાયનું ચિત્ર 2001માં આ પ્રમાણે હતું : જેમને અલ્પતમ વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે એ દેશોને માથાદીઠ 19.8 ડૉલરની અને સહરાની નીચેના આફ્રિકાના દેશોને 20.6 ડૉલરની સહાય આપવામાં આવી હતી. પૂર્વ એશિયાના દેશોને માથાદીઠ 3.9 ડૉલરની અને દક્ષિણ અમેરિકા તથા કેરિબિયન દેશોને માથાદીઠ 11.4 ડૉલરની સહાય આપવામાં આવી હતી. દક્ષિણ એશિયાના દેશોમાં સહાયનું ચિત્ર રસપ્રદ છે : ભારતને માથાદીઠ 1.7 ડૉલરની સહાય આપવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાનને 13.2 ડૉલરની માથાદીઠ સહાય આપવામાં આવી હતી, બાંગ્લાદેશને 7.2 ડૉલરની અને નેપાળને 16.1 ડૉલરની માથાદીઠ સહાય આપવામાં આવી હતી. દક્ષિણ એશિયાના દેશોને અપાતી સહાયના ઉપર્યુક્ત આંકડાઓ સ્પષ્ટ રીતે સૂચવે છે કે વિકસિત દેશો આર્થિક સહાય રાજકીય અને લશ્કરી હેતુઓને નજર સમક્ષ રાખીને આપે છે. આર્થિક સહાયની પાછળ આર્થિક ગણતરીઓ પણ પડેલી છે. દ્વિપક્ષી ધોરણે અપાતી સહાય મોટાભાગના દાખલાઓમાં શરતી હોય છે; દા.ત., અમેરિકા કે જાપાનની સરકાર પાકિસ્તાન કે થાઇલૅન્ડને સહાય આપે ત્યારે ઘણી વાર એવી શરત મૂકવામાં આવે છે કે એ નાણાંનો ઉપયોગ અમેરિકા કે જાપાનમાંથી ખરીદી કરવા માટે જ થઈ શકશે. આનો લાભ સહાય આપતા દેશોના કેટલાક ઉદ્યોગોને વિકાસવૃદ્ધિના રૂપમાં મળે છે. આને કારણે આવી શરતી સહાયમાં ‘સહાય’નું તત્વ પણ ઘટી જવા પામે છે; કેમ કે, સહાય મેળવનાર દેશ અન્ય દેશોમાંથી પ્રસ્તુત ચીજો નીચા ભાવે મળતી હોય તોપણ ખરીદી શકતો નથી.
ભારતને 2001-2002ના વર્ષમાં કુલ 514.97 કરોડ ડૉલરની સહાય મળી હતી. તેમાં લોન રૂપે મળેલી સહાય 443.87 કરોડ ડૉલરની (86 %) અને અનુદાનના રૂપમાં મળેલી સહાય 71.10 કરોડ ડૉલરની (14 %) હતી. આ મંજૂર થયેલી સહાયમાંથી એ વર્ષે 360.34 કરોડ ડૉલરની સહાયનો (70 %નો) ભારત ઉપયોગ કરી શક્યું હતું. ભારતને મળેલી વિદેશી સહાય ભારતની રાષ્ટ્રીય આવકના 0.4 % હતી, જે દક્ષિણ એશિયાના અન્ય દેશો માટે તેમની રાષ્ટ્રીય આવકના એક ટકા કરતાં વધારે હતી. આમ, ભારતના એકંદર આર્થિક વિકાસ માટે વિદેશી આર્થિક સહાય હવે એક ગૌણ બાબત બની ગઈ છે.
રમેશ ભા. શાહ