વિદેહ : ‘ઐતરેય બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે હિંદના પૂર્વીય પ્રદેશોમાં આવેલ રાજ્ય. એની સરહદ ‘સદાનીરા’ નદી (ગ્રીકોએ જેને ‘કોન્ડોચેટસ’ નદી તરીકે ઓળખાવી છે એ વર્તમાન ‘ગંડક’ નદી) સુધી હતી. પ્રાચીન વિદેહ રાજ્ય અર્વાચીન તિરહૂત પ્રદેશની જગ્યાએ આવેલું હતું. હાલના ઉત્તર બિહાર અને એની નજીકના વિસ્તારનો એમાં સમાવેશ થતો હતો. ‘મિથિલા’ (નેપાળની તરાઈમાં આવેલું અર્વાચીન જનકપુર) તેનું પાટનગર હતું. વજ્જી સંઘનાં બે મુખ્ય રાજ્યોમાં એક ‘વિદેહ’ અને બીજું ‘મગધ’ હતું.

‘ગાંધાર જાતક’માં જણાવ્યા પ્રમાણે ‘વિદેહ’ રાજ્ય લગભગ 1,350 કિલોમિટર લાંબું રાજ્ય હતું, જેમાં 1,600 સમૃદ્ધ ગામો હતાં. દરેક ગામમાં એક પ્રમાણે 1,600 નર્તિકાઓ હતી. એ વ્યાપારનું મોટું કેન્દ્ર હતું અને શ્રાવસ્તી નગર સાથે રસ્તાથી જોડાયેલું હતું. શ્રાવસ્તીના વેપારીઓ ગાંધાર તથા બનારસનો માલ વેચવા ત્યાં આવતા હતા. એના ઉદભવ વિશે કેટલીક વાતો પ્રચલિત છે. ‘શતપથ બ્રાહ્મણ’માં કહેવામાં આવ્યું છે કે માધવે એની સ્થાપના કરી હતી. એની પૂર્વમાં કૌસિકી, પશ્ચિમમાં સદારૂરા, ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં ગંગા નદી આવેલાં હતાં. ‘મહાગોવિન્દ સુત્ત’માં જણાવવામાં આવ્યું છે કે રેણુ નામના રાજાએ એની સ્થાપના કરી હતી અને માંધાત્ નામના રાજાએ પૂર્વ વિદેહમાંથી એના અનુયાયીઓને લાવીને અહીં વસાવ્યા હતા. આ અનુયાયીઓને કયા રસ્તેથી લાવવામાં આવ્યા હશે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી.

દંડીએ એના ‘કાવ્યાદર્શ’ ગ્રંથમાં મહારાષ્ટ્રના ‘વિદર્ભ’(વર્તમાન ‘બીડર’)ને ‘વિદેહ’ રાજ્ય તરીકે ઓળખાવ્યું છે. એ પૂર્વે ‘મહાભારત’માં પણ દમયન્તીના રાજ્ય તરીકે તેનો ઉલ્લેખ થયો છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી