વિદેશી મૂડીરોકાણ

February, 2005

વિદેશી મૂડીરોકાણ : દેશમાં વિદેશી નાગરિકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં મૂડીરોકાણો. આ રોકાણોને ખાનગી વિદેશી મૂડીરોકાણો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણો બે સ્વરૂપે થાય છે : (1) પ્રત્યક્ષ મૂડીરોકાણો (direct investment) : આ રોકાણો સામાન્ય રીતે કોઈક ઉત્પાદન કે આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કરવામાં આવે છે. આજે આ પ્રકારનાં રોકાણો મુખ્યત્વે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. તેઓ પોતાની શાખા કે પેટાકંપની વિદેશોમાં સ્થાપે છે અથવા જે તે દેશની કંપની સાથે સહયોગ સાધીને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરે છે.

(2) પરોક્ષ મૂડીરોકાણો (portfolio investment) : આ પ્રકારનાં રોકાણો જે તે દેશમાં બહાર પાડવામાં આવેલાં બૉન્ડ અને શૅર જેવી નાણાકીય અસ્કામતો ખરીદીને કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે વિદેશી નાગરિકો પણ આપણા દેશમાં નાણાકીય અસ્કામતોમાં રોકાણ કરી શકે, પરંતુ મોટાભાગનાં પરોક્ષ મૂડીરોકાણો વિદેશી નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

ઉપરના બે સ્વરૂપે થતાં વિદેશી મૂડીરોકાણો કરવા પાછળના ઉદ્દેશો નોખા નોખા છે. પ્રત્યક્ષ મૂડીરોકાણો કરવાની પાછળ વિવિધ હેતુઓ હોઈ શકે; દા. ત., વિદેશી કંપની પોતાની પેદાશ કે સેવા માટે દેશનું બજાર મેળવવા ઇચ્છતી હોય, ભારતમાં મોટરકારનું ઉત્પાદન કરતી કેટલીક પેઢીઓનો એ એક ઉદ્દેશ છે. કોકા કોલા અને પેપ્સી જેવાં પીણાંનું ઉત્પાદન કરતી પેઢીઓ પોતાની પેદાશો માટેનું બજાર વિસ્તારવા માટે વિવિધ દેશોમાં ગઈ છે. કેટલાક દાખલાઓમાં જે તે દેશમાં ઉત્પાદનખર્ચ જો ઓછું થતું હોય તો તેનો લાભ લેવા માટે વિદેશી પેઢીઓ પ્રવેશે છે. આવા દાખલાઓમાં વસ્તુ એક દેશમાં ઉત્પન્ન કરીને તેની અન્ય દેશોમાં નિકાસ કરવાનો ઉદ્દેશ પણ હોઈ શકે. ભારતમાં મોટરકારના વિવિધ છૂટા ભાગોનું જે ઉત્પાદન વિદેશી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે તેના કેટલાક ભાગની નિકાસ કરવામાં આવે છે. કેટલાક દાખલાઓમાં પોતાના દેશમાં ઓછો નફો ભરવો પડે તે માટે આવી વિદેશી કંપનીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મોટાભાગના દાખલાઓમાં પ્રત્યક્ષ મૂડીરોકાણોનો ઉદ્દેશ વિશેષ નફો કમાવાનો હોય છે તે સાચું, પણ કેટલાક દાખલાઓમાં વસ્તુ માટેના આંતરરાષ્ટ્રીય બજારનો મોટો હિસ્સો કબજે કરીને એક પ્રકારનું આર્થિક સામ્રાજ્ય ઊભું કરવાનો ઉદ્દેશ પણ હોય છે.

પરોક્ષ મૂડીરોકાણોની પાછળનો ઉદ્દેશ વધુ વળતર મેળવવાનો જ હોય છે. પોતાના દેશમાં મળનાર વ્યાજની તુલનામાં વિદેશોમાં કરવામાં આવતાં રોકાણો પર જો વધુ વળતર મળવાની ગણતરી હોય તો તેનો લાભ લેવા માટે વિદેશોમાં રોકાણો કરવામાં આવે છે. એ જ રીતે વિદેશોમાં શૅરોમાં રોકાણ કરીને જો મૂડીલાભ થવાની કે વધુ ડિવિડન્ડ મળવાની ધારણા હોય તો શૅરોમાં રોકાણ કરવામાં આવે છે. આ પ્રકારનાં રોકાણોમાં હૂંડિયામણના દરમાં થતા ફેરફારો અંગેની અપેક્ષાઓ કે ધારણાઓ બહુ મહત્વનો ભાગ ભજવે છે; દા. ત., ભારતમાં 2003ના વર્ષમાં વિદેશી ચલણના બજારમાં રૂપિયો મજબૂત થતાં અને રૂપિયાની મજબૂતાઈ ટકી રહેશે એવી ધારણા હોવાથી વિદેશી નાણાકીય સંસ્થાઓએ મોટા પ્રમાણમાં રોકાણો કર્યાં.

આજે વિકાસશીલ દેશો વિદેશી ખાનગી મૂડીરોકાણોને આકર્ષવા માટે સ્પર્ધામાં ઊતર્યા હોય એવી સ્થિતિ જોવા મળે છે. આનું કારણ સ્પષ્ટ છે : દેશમાં થતાં પ્રત્યક્ષ વિદેશી ખાનગી મૂડીરોકાણોથી દેશને વિવિધ સ્વરૂપે લાભો મળી શકે છે. વિદેશી મૂડીરોકાણોથી દેશમાં ઉત્પાદન, રોજગારી અને આવકમાં વધારો થાય છે, વિદેશી કંપનીઓમાં સામાન્ય રીતે કામદારોને વધારે વેતન ચૂકવવામાં આવતું હોય છે. વિદેશી મૂડીરોકાણોની સાથે ઘણીવાર દેશમાં ઉપલબ્ધ ન હોય એવી ટૅક્નૉલૉજી સાંપડે છે. કેટલાક દાખલાઓમાં વિદેશી મૂડીરોકાણોને પરિણામે દેશની નિકાસોમાં વધારો થાય છે.

પરોક્ષ સ્વરૂપે થતાં મૂડીરોકાણોથી દેશને મૂડીરોકાણ માટે વિશેષ મૂડી પ્રાપ્ત થાય છે. એનો ઉપયોગ દેશના  નાગરિકો મૂડીરોકાણ વધારવા માટે કરી શકે. આવાં મૂડીરોકાણો દેશમાં વિત્તીય અસ્થિરતા સર્જવાની ક્ષમતા ધરાવે છે. પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં 1997માં જે વિત્તીય કટોકટી સર્જાઈ હતી તેમાં આ પ્રકારનાં પરોક્ષ વિદેશી મૂડીરોકાણોએ બહુ મોટો ભાગ ભજવ્યો હતો.

બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વિદેશોમાં કરવામાં આવતાં મૂડીરોકાણો સામે તેમના પોતાના દેશમાં તેમજ વિદેશોમાં કેટલીક ટીકાઓ કરવામાં આવતી હોય છે. સ્વદેશમાં થતી ટીકાઓના બે મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. તેને પરિણામે દેશમાં રોજગારીની તકો ઘટે છે અને આવી કંપનીઓ દેશમાં જેટલો કર તેમણે ભરવો જોઈએ એના કરતાં ઓછો કર ભરે છે.

વિકાસશીલ દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા કરવામાં આવતાં મૂડીરોકાણો સામે અવિશ્વાસની નજરે જોવામાં આવે છે. તેમને આર્થિક શાહીવાદ તરીકે કેટલાક ઓળખાવે છે. આવી કંપનીઓ તેમની આર્થિક તાકાતનો ઉપયોગ કરીને દેશના શાસકોને ખરીદી લે છે અને અઢળક નફો કમાય છે. વળી એ નફાને પોતાના દેશમાં ઘસડી જઈને તેઓ ગરીબ દેશની આવકને ઘટાડે છે, એવી ટીકા પણ કરવામાં આવે છે.

વિકસિત તેમજ વિકાસશીલ દેશોમાં ખાનગી વિદેશી મૂડીરોકાણો સામેની આ બધી ટીકાઓ છતાં 1970 પછીનાં વર્ષોમાં અને વિશેષ કરીને 1990 પછીનાં વર્ષોમાં વિદેશી મૂડીરોકાણોમાં પ્રચંડ વધારો થયો છે. 1990ના વર્ષમાં કુલ 202 અબજ ડૉલરનાં પ્રત્યક્ષ મૂડીરોકાણો થયાં હતાં, જે વધીને 2000ના વર્ષમાં 1,167 અબજ ડૉલરનાં થયાં હતાં. આ પ્રત્યક્ષ ખાનગી વિદેશી રોકાણોનો 70 %થી અધિક ભાગ વિકસિત દેશોમાં જ જાય છે; દા. ત., 2000ના વર્ષમાં દુનિયામાં થયેલા પ્રત્યક્ષ ખાનગી વિદેશી મૂડીરોકાણોમાં વિકસિત દેશોનો હિસ્સો 86 %થી અધિક હતો. બીજા છેડે દુનિયાના અલ્પતમ વિકસિત દેશોના ભાગે માત્ર 0.6 % જેટલાં જ મૂડીરોકાણો આવ્યાં હતાં.

ભારતમાં 1991માં નવી આર્થિક નીતિ અપનાવવામાં આવી એ પછી ખાનગી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ વિદેશી મૂડીરોકાણોમાં મોટો વધારો થવા પામ્યો છે. 1990-91ના વર્ષમાં ભારતમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણો 9.7 કરોડ ડૉલરનાં અને પરોક્ષ વિદેશી રોકાણો 60 લાખ ડૉલરનાં થયાં હતાં. 2000-2001ના વર્ષમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણો 234 કરોડ ડૉલરનાં અને પરોક્ષ વિદેશી રોકાણો 276 કરોડનાં થયાં હતાં. અલબત્ત, આ મૂડીરોકાણોમાં વર્ષોવર્ષ મોટી વધઘટ થતી રહી છે. પરંતુ દુનિયામાં થતાં પ્રત્યક્ષ ખાનગી મૂડીરોકાણોમાં ભારતનો હિસ્સો અલ્પ છે. 2000ના વર્ષમાં તે ફક્ત 0.2 % હતો.

સૂર્યકાન્ત શાહ, રમેશ ભા. શાહ