વિદાબ ખનિજો (antistress minerals) : પ્રતિબળ(stress)ની અસર વિના થતી વિકૃતિના સંજોગો હેઠળ ઉદભવતાં ખનિજો. આલ્કલિ ફેલ્સ્પાર, નેફેલિન, લ્યુસાઇટ, ઍન્ડેલ્યુસાઇટ અને કૉર્ડિરાઇટ જેવાં ખનિજો ઊંચા વિરૂપક પ્રતિબળના પર્યાવરણમાં બની શકતાં નથી અથવા બને તો અસ્થિર રહે છે. આ જ કારણે તો તે વધુ વિરૂપતા પામેલા ખડકોમાં જોવા મળતાં નથી. એવું ધારવામાં આવેલું છે કે આવાં ખનિજોનો વિકાસ પ્રતિબળ હેઠળ અટકી જાય છે, તેથી વિકાસ ઘટાડાવાળાં ખનિજો વિદાબ ખનિજો કહેવાય છે; પરંતુ આ સંકલ્પનાની યથાર્થતા માટે શંકા સેવવામાં આવેલી છે, કારણ કે અસંખ્ય લાક્ષણિક વિદાબ ખનિજો ‘પ્રતિબળ’ના પર્યાવરણમાં પણ જોવા મળેલાં છે.
ગિરીશભાઈ પંડ્યા