વિટ્ટોરિની ઑલિયો (જ. 23 જુલાઈ 1908, સિરાક્યૂસ, સિસિલી; અ. 13 ફેબ્રુઆરી 1966, મિલાન, ઇટાલી) : ઇટાલીના સાહિત્યકાર. નવલકથા, અનુવાદ અને વિવેચનક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ઇટાલીના નવ્યવાસ્તવવાદ(Neoclassicism)ની, ફાસીવાદ-(fascism)ના હૂબહૂ ચિત્રણવાળી નવલકથાઓના લેખક તરીકે તેમણે સામ્યવાદ-વિરોધી રાષ્ટ્રીય સરમુખત્યારશાહી વખતની નિરંકુશસત્તાવાદી રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક વેદનાને અભિવ્યક્ત કરી છે. વીસમી સદીના વિશ્વયુદ્ધ પછીના માનવસંઘર્ષની આ કથાઓ હૃદયંગમ છે.
પિતા રેલવેમાં નોકરી કરતા હતા. 17 વર્ષની ઉંમરે ઑલિયોને શાળા છોડવી પડી હતી. ત્યારપછી રેલવેના બાંધકામમજૂર તરીકે નોકરી લેવી પડેલી. જોકે ત્યાંથી ફ્લૉરેન્સ જઈને તેમણે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કર્યો. પ્રૂફવાચક તરીકે કામ કરતાં ‘સોલેરિયા’ સામયિકમાં તેઓ વાર્તાઓ પ્રસિદ્ધ કરતા. 1941 સુધી વિલિયમ સારોયાન, ડી. એચ. લૉરન્સ, એડ્ગર ઍલન પો, વિલિયમ ફૉકનર, ડેનિયલ ડેફો, અર્નેસ્ટ હેમિંગ્વે, ટી. એસ. એલિયેટ, ડબ્લ્યૂ. એચ. ઑડન અને લૂઈ મૅક્નીસ જેવા અમેરિકા અને ઇંગ્લૅન્ડના લેખકોની કેટલીક કૃતિઓના અનુવાદ તેમણે ઇટાલિયન ભાષામાં કર્યા.
ઑલિયોની પ્રથમ નવલકથા ‘ધ રેડ કાર્નેશન (મૂળ કથા 1933-35, અનુ. 1952)માં એક કિશોરના અંગત, બૌદ્ધિક અને લૈંગિક સંબંધની સમસ્યાઓની વાતના બહાને ફાસીવાદનો ઝેરી અને રાજકીય પરિસ્થિતિનો આબેહૂબ ચિતાર રજૂ થયો છે. ‘કૉન્વર્સેશન ઇન સિસિલી’(1941: અનુ. 1948)માં લેખકે ફાસીવાદ વિરુદ્ધની તેમની લાગણી વ્યક્ત કરી છે. આ નવલકથાની કથાવસ્તુ કરતાં તેના નાયકની ફાસીવાદ સામેની તીવ્ર લાગણીની અભિવ્યક્તિ તરફ વિશેષ ભાર મુકાયો છે. જે સામયિકમાં તે હપતે-હપતે પ્રસિદ્ધ થતી હતી તેના પર તત્કાલીન ફાસીવાદી સરકારે અંકુશ મૂક્યો હતો. એક વાર તો તે સામયિકના એક અંકને સમૂળગો રદબાતલ કરી, તેની તમામ નકલો જપ્ત કરી લેવામાં આવી હતી. આ નવલકથાના પ્રકાશન નિમિત્તે લેખકને 1943માં જેલવાસ વેઠવો પડેલો. જોકે જેલમાંથી મુક્તિ મળ્યા બાદ પણ ઑલિયોના ક્રાંતિકારી વિચારોમાં સહેજ પણ ફેર પડ્યો ન હતો.
વિશ્વયુદ્ધ પછી ઑલિયોએ ‘ઇલ પૉલિટેક્નિકો’ (1945-47) સામયિક શરૂ કર્યું હતું. પાછળથી ઇલ ‘મેનાબૉ’ના સંપાદક તરીકે પણ તેઓ રહ્યા હતા. ઇટાલીના એક પ્રકાશનગૃહના ‘વિદેશી સાહિત્ય’ વિભાગના અધ્યક્ષ તરીકે તેમણે નોકરી કરેલી.
‘મૅન ઍન્ડ નૉન-મૅન’ (1945); ‘ધ ટ્વાઇલાઇટ ઑવ્ ધી એલિફન્ટ’ (1951); ‘વિમેન ઑન ધ રોડ’ (1961) તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમાંની છેલ્લી બે રૂપકકથાઓ (allegories) છે. ‘પબ્લિક ડાયરી’ (1957) અને મરણોત્તર પ્રગટ થયેલ ‘ધ ટુ ટેન્શન્સ : નોટ્સ ફૉર ઍન આઇડિયૉલોજી ઑવ્ લિટરેચર’ (1967) વિવેચનગ્રંથો છે.
વિ. પ્ર. ત્રિવેદી