વિટ્રુવિયસ પોલ્લિયો માર્કુસ

February, 2005

વિટ્રુવિયસ પોલ્લિયો માર્કુસ (ઈ. પૂ. 46-30માં હયાત) : પ્રાચીન રોમનો સ્થપતિ અને લેખક. તે સિદ્ધાંતનિષ્ઠ હતો. તેના સમયમાં તે બહુ જાણીતો ન હતો. જુલિયસ સીઝરના સમયમાં આફ્રિકાના યુદ્ધમાં (ઈ.પૂ. 46) તેણે સેવા આપી હતી. બાંધકામના ક્ષેત્રે તેણે સીઝર અને ઑગસ્ટસ માટે કામ કર્યું હતું. તેણે ફેનો મુકામે બાસ્સિલિકાનું નિર્માણ કર્યું હતું, જે નાશ પામ્યું છે. ઉત્તરાવસ્થામાં તેણે De architectura નામે દસ ગ્રંથોમાં સ્થાપત્યને લગતું વિવરણ (treatise) લખ્યું હતું. આ પુસ્તકના 10 ગ્રંથો નીચે પ્રમાણેના વિષયોને આવરી લે છે : (1) સ્થપતિની તાલીમ અને તેનાં ધ્યેયો, (2) સ્થાપત્યનો ઉદ્ભવ અને તેની સામગ્રી, (3) પ્રમાણ, (4) ગ્રીક મંદિરની રચના, (5) અન્ય નાગરિક (civic) બાંધકામો, (6) રહેણાકનું સ્થાપત્ય, (7) ચૂનાના લેપથી બનાવેલ શિલ્પ-સ્થાપત્ય (સુધાકર્મ = stucco work) અને ચિત્રકલા, (8) પાણી અને તેના માટેની નહેરો, (9) ખગોળશાસ્ત્ર, (10) પ્રજા માટેનાં અને લશ્કર માટેનાં યંત્રો. આ ગ્રંથમાં વિટ્રુવિયસે તેના સમયની ઇમારતોનો ઉલ્લેખ નહિવત્ કર્યો છે. સ્થાપત્ય વિશેનો આ એકમાત્ર વિવરણગ્રંથ પ્રાચીન વારસામાંથી બચવા પામ્યો છે. તેની કેટલીક હસ્તપ્રતો જળવાઈ રહી છે. મધ્યયુગ દરમિયાન તેનો ઘણો વપરાશ થયો હતો. સૌપ્રથમ 1414માં સેંટ ગાલના સંગ્રહમાં સંગૃહીત તેની એક હસ્તપ્રત પ્રત્યે યોગિયો બ્રાસ્લિયોલિનીએ લોકોનું ધ્યાન દોર્યું. આ જાણકારી પછી દરેક પ્રગતિશીલ સ્થપતિ માટે આ ગ્રંથ એક આદર્શ બની રહ્યો. લિયૉન બેટિસ્ટા આલ્બેર્ટી અને ફ્રાન્સેસ્કો દી જિયૉર્જિયો  બંનેએ તેમનાં લખાણ અને બાંધકામ માટે આ ગ્રંથમાંથી ઘણું માર્ગદર્શન મેળવ્યું હતું. છેક વીસમી સદી સુધી સ્થાપત્યના ક્ષેત્રે આ ગ્રંથની અસર જોવા મળે છે. રોમમાં આશરે 1486માં તેનું મૂળ લખાણ છાપીને પ્રસિદ્ધ કરવામાં આવ્યું. 1511માં ફ્રા જિયૉકૉન્ડો દ્વારા તેનો ચિત્રમય પાઠ પ્રસિદ્ધ થયો. 1520માં રફાયેલના નિર્દેશથી તેનો ઇટાલી ભાષામાં અનુવાદ પ્રગટ થયો. 1521માં સિઝોરો સિઝારિયાનોની સમીક્ષા અને કેટલાંક ચિત્રો સહ તેનો અનુવાદ ફરીથી પ્રગટ થયો. આ પછી યુરોપની ઘણી ભાષાઓમાં આ ગ્રંથના અનુવાદ પ્રસિદ્ધ થયા. અંગ્રેજી અનુવાદ 1692માં પ્રગટ થયો હતો.

થૉમસ પરમાર