વિજયપાલ (૧) (૨) (૩)
February, 2005
વિજયપાલ (1) : રાજસ્થાનના પ્રતીહાર વંશનો રાજા. પ્રતીહારોની રાજધાની કનોજમાં હતી. વિજયપાલ ઈ. સ. 960માં ક્ષિતિપાલના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ બેઠો. દસમી સદીમાં પ્રતીહાર સામ્રાજ્યનું વિઘટન થયું અને માત્ર કનોજ તથા તેની આસપાસનો પ્રદેશ તેની સત્તા હેઠળ રહ્યો હતો. તે સમયના પ્રતીહાર સમ્રાટોની વધુ માહિતી મળતી નથી.
વિજયપાલ (2) : રાજપુતાનામાં (હાલનું રાજસ્થાન) જૂના ભરતપુર રાજ્યમાં બયાનામાં યદુ વંશનો રાજા. તેના રાજ્યમાં મથુરા જિલ્લાનો સમાવેશ થતો હતો. અગિયારમી સદીના પૂર્વાર્ધમાં યદુ વંશમાં રાજા જૈતપાલ થયો હતો. તેનો ઉત્તરાધિકારી વિજયપાલ હતો. ઈ. સ. 1044ના બયાનાના અભિલેખમાં રાજા વિજયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; તે આ વિજયપાલ હોઈ શકે. વિજયપાલનો ઉત્તરાધિકારી તાહનપાલ હતો.
વિજયપાલ (3) : ઉત્તર ભારતમાં બુંદેલખંડ(પાછળથી જેજાકભુક્તિ નામે ઓળખાયું)ના ચંદેલા વંશનો અગિયારમી સદીના પૂર્વાર્ધમાં થયેલો રાજા. તેના પિતા વિદ્યાધરનો તે ઉત્તરાધિકારી હતો. તેણે કલચુરિ વંશના રાજા ગાંગેય દેવને હરાવ્યો હતો. તે મહત્વની ઘટના હતી. વિજયપાલ ઈ. સ. 1050માં ગાદીએ બેઠો હતો. ચંદેલોની રાજધાની ખજૂરાહો હતી.
જયકુમાર ર. શુક્લ