વિજયન્, ઓ. વી. (જ. 2 જુલાઈ 1931, પાલઘાટ, કેરળ) : મલયાળમ કથાલેખક અને કાર્ટૂન-કલાકાર. મદ્રાસ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. (1954); શરૂઆતમાં અધ્યાપક (1951-57). ત્યારબાદ ‘શંકર્સ વીકલી’માં કાર્ટૂન-કલાકાર તથા કટારલેખક તરીકે કામગીરી (1958-63). છેવટે અંગ્રેજી દૈનિક ‘ધ પેટ્રિયટ’માં કાર્ટૂન-કલાકાર. 1967થી કાર્ટૂન-આલેખન તથા લેખનની સ્વતંત્ર કારકિર્દી.

તેમને તેમની પ્રથમ નોંધપાત્ર નવલકથા ‘ખસાકિન્તે ઇતિહાસમ્’થી ખૂબ બહોળી ખ્યાતિ મળી. રવિ નામના પ્રતિનાયક જેવા મુખ્ય પાત્ર દ્વારા તેમાં અસ્તિત્વનાં મૂળ શોધવાનો તથા માનવીય સંબંધોના રહસ્યમય ઊંડાણનો તાગ મેળવવાનો પ્રયાસ કરાયો છે. આ કૃતિને ઓડાક્કુઝલ અને એસપીસીએસ ઍવૉર્ડ તથા બીજાં ઇનામ પણ મળ્યાં છે.

તેમની તે પછીની નોંધપાત્ર કૃતિ તે ‘ધર્મપુરમ્’ (1985). તેમાં સત્તાના તમામ ભયાનક આયામો પર જોરદાર પ્રહાર કરાયો છે. આ કૃતિમાં દેખીતી રીતે જ સભ્ય ભાષાનાં બધાં જ સ્વીકૃત ધોરણોનો ભંગ કરવામાં આવ્યો છે. આ કૃતિનો લેખકે પોતે જ ‘ધ સાગા ઑવ્ ધર્મપુરી’ (1988) નામે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.

1990માં તેમને છેલ્લામાં છેલ્લી નવલકથા ‘ગુરુસાગરમ્’ (1987) માટે કેરળ સાહિત્ય અકાદમી તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઍવૉર્ડ મળ્યા હતા.

તેમનાં અન્ય પ્રકાશનોમાં ‘મધુરમ્ ગાયતી’ (1990), ‘પ્રવચકાન્તે વાઝી’ (1996), ‘તાલમુરકલ’ (1997) એ નવલકથાઓ; ‘વિજયન્તે કથાકલ’ (1978) એ વાર્તાસંગ્રહ, ‘ઘોષા-યાત્રાયિલ તનિયે’ (1987) એ રાજકારણી નિબંધો ‘તથા ‘આફ્ટર ધ હૅંગિંગ ઍન્ડ અધર સ્ટૉરિઝ’ (પૅંગ્વિન ઇન્ડિયા, 1989) એ તેમની વાર્તાઓના અંગ્રેજી અનુવાદનો ગ્રંથ મુખ્ય છે. આ કૃતિને 1991ના વર્ષમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અનુવાદ-પુરસ્કાર મળ્યો હતો.

મહેશ ચોકસી