વિક્રમાદિત્ય બીજો (શાસનકાળ : ઈ. સ. 733-745) : દખ્ખણમાં વાતાપી (બાદામી)ના ચાલુક્ય વંશનો રાજા. વિજયાદિત્યના અવસાન બાદ તેનો કુંવર વિક્રમાદિત્ય બીજો ગાદીએ બેઠો. તે સત્યાશ્રય, શ્રી પૃથ્વીવલ્લભ જેવા શાહી ખિતાબો ધરાવતો હતો. તેના શાસનકાળમાં પલ્લવો સાથેની દુશ્મનાવટ ચાલુ રહી હતી. તેણે પલ્લવોના રાજ્ય ઉપર એકાએક હુમલો કર્યો અને પલ્લવ રાજા નંદીવર્મન્ બીજાને હરાવી તેના પાટનગર કાંચીમાં પ્રવેશ કર્યો, પરંતુ તે નગરને કંઈ નુકસાન કર્યું નહિ. ઊલટું ત્યાંના રાજસિંહેશ્વર મંદિર તથા બીજાં મંદિરોને ઘણું દાન કર્યું. તેણે ત્યાંથી સંગીતનાં વાજિંત્રો, હાથીઓ, ધ્વજો અને ઝવેરાત કબજે કર્યાં. ત્યારબાદ તેણે પાંડ્ય, ચોલ, કેરલ તથા કલભ્ર કુળના તથા અન્ય રાજાઓને હરાવી, દક્ષિણે સમુદ્રના કિનારે એક વિજયસ્તંભ સ્થાપ્યો. કાંચીના પલ્લવ રાજા સામેના આક્રમણમાં યુવરાજ કીર્તિવર્મન્ બીજો પણ જોડાયો હતો.
આ રાજાના રાજ્ય-અમલ દરમિયાન અરબોનું જોરદાર આક્રમણ થયું. તે સમયે લાટપ્રદેશ (દક્ષિણ ગુજરાત) ચાલુક્ય સામ્રાજ્યનો ભાગ હતો. ત્યાંના હાકેમ અવનિ જનાશ્રય પુલકેશીએ અરબોને હરાવી પાછા કાઢ્યા. તેના ફળસ્વરૂપે દક્ષિણ ભારત અરબોના આક્રમણમાંથી બચી ગયું. આ સિદ્ધિ બદલ રાજા વિક્રમાદિત્યે પુલકેશીને ‘દક્ષિણાપથ સ્વધારણ’ અને ‘અનિવર્તક-નિવર્તયિત્રી’ ખિતાબો આપ્યા. થોડાં વર્ષો પછી રાષ્ટ્રકૂટ રાજા દંતિદુર્ગે લાટનો પ્રદેશ ચાલુક્યો પાસેથી જીતી લીધો.
વિક્રમાદિત્ય વિદ્વાનોનો આશ્રયદાતા હતો અને મંદિરો બાંધવાનો તેને શોખ હતો. તે બ્રાહ્મણોને દાન આપવા માટે જાણીતો છે. તેની હૈહય કુળની બે રાણીઓએ પટ્ટદકલમાં બે શિવમંદિરો બંધાવ્યાં હતાં.
જયકુમાર ર. શુક્લ