વિક્રયપાત્ર અધિશેષ

February, 2005

વિક્રયપાત્ર અધિશેષ : કોઈ પણ વસ્તુના કુલ ઉત્પાદનમાંથી અંગત કે પરિવારના વપરાશ માટે આરક્ષિત કર્યા પછી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવતો વધારાનો જથ્થો અથવા  વિક્રય થતો અધિશેષ.

વિનિમયપ્રધાન વિકસિત અર્થતંત્રમાં માણસ, પ્રદેશ કે દેશ પોતે અન્યના મુકાબલે અધિક અનુકૂળતા ધરાવતો હોય તે ચીજ કે સેવા પેદા કરે છે, બજારમાં તે વેચે છે ને નાણાં કે નફો મેળવે છે અને ત્યાંથી આ આવકમાંથી પોતાને જરૂરી લાગે તે ચીજ કે સેવા ખરીદે છે. અહીં દરેકનું ઉત્પાદન લાંબા ગાળે વેચાણ માટે જ હોય છે. હા, બજારની પરિસ્થિતિ સાનુકૂળ ન હોય, પોતાની પેદાશના ભાવ પરવડે નહિ એટલી હદે નીચા હોય ને ચીજ સંઘરી શકાય એવી હોય ત્યારે ટૂંકા ગાળામાં બધું ઉત્પાદન બજારમાં ઠાલવતો નથી. અત્યંત આવદૃશ્યક હોય તેટલો માલ વેચી મોટાભાગનું ઉત્પાદન અનુકૂળ પરિસ્થિતિની આશાએ તે સંઘરે છે. અહીં બજારનો પુરવઠો = ઉત્પાદન – સંગ્રહ કરાયેલ માલ એ સૂત્રથી પરિસ્થિતિને વર્ણવી શકાય; પણ આ ટૂંકા ગાળાની વાત થઈ. લાંબા ગાળે તો બધું ઉત્પાદન બજારમાં આવે જ છે, પુરવઠો = ઉત્પાદન એ સ્થિતિ જ હોય છે. ભાવ વધે છે ને અન્ય પરિસ્થિતિ પૂર્વવત્ રહે છે ત્યારે સામાન્ય રીતે ઉત્પાદન ને પુરવઠો વધે છે. આને પુરવઠાનો નિયમ કહેવામાં આવે છે.

ભારત જેવા વિકાસશીલ દેશની પરિસ્થિતિ અહીં જુદી પડે છે. આ દેશોમાં ખેતી એ રાષ્ટ્રીય ઉત્પાદન ને રાષ્ટ્રીય આવકનો મહત્વનો સ્રોત છે. ખેતીના વ્યાપારીકરણની પ્રક્રિયા અહીં લાંબા સમયથી ચાલતી આવી છે, છતાં તે હજી પૂર્ણ થઈ નથી. ભારતમાં દાખલા તરીકે 1860થી આ પરિવર્તન આવતું રહ્યું છે. ખેડૂત રોકડિયા પાકો તો બજારમાં વેચવા માટે જ પેદા કરે છે, પરંતુ અનાજ-કઠોળ જેવા પાક તે સ્વવપરાશ માટે કે ઘરવપરાશ માટે પેદા કરે છે. બીજું, આજના ઉત્પાદનમાંથી જ ઘણી વાર તે ભવિષ્ય માટે જરૂરી બીજી જોગવાઈ પણ કરે છે. ત્રીજું ઉભડક કે કાયમી મજૂરને અને જમીનદાર કે જમીનમાલિકને તે ઉત્પાદનનો ચોક્કસ ભાગ રોજી ને સાથ તરીકે ચૂકવે છે. ખેડૂતના ઉત્પાદનમાંથી આ સર્વ બાદ કર્યા પછી જે ઉત્પાદન ફાજલ રહે તેને વિક્રયપાત્ર અધિશેષ (marketable surplus) તરીકે ઓળખવામાં આવે છે.

પરંતુ આ વિક્રયપાત્ર અધિશેષ જેટલું જ ઉત્પાદન ખેડૂત ખરેખર બજારમાં મૂકશે એમ ન કહી શકાય. ખેડૂત ખરેખર બજારમાં વેચે છે તે ઉત્પાદન માટે, વેચાણ માટે મુકાતો (વિક્રય થતો) અધિશેષ (marketed surplus) એ ખ્યાલ અર્થશાસ્ત્રમાં પ્રચલિત છે.

ખેડૂતનો વેચાણ માટે મુકાતો અધિશેષ તેના વિક્રયપાત્ર અધિશેષથી વધુ હોઈ શકે, ઓછો હોઈ શકે અથવા બંને અધિશેષ સમાન પણ હોઈ શકે. મોસમના કે વર્ષના અંતે ખેડૂતને રોકડ રકમની ભારે જરૂર પડે છે. લીધેલ લોનો પર વ્યાજ ને હપતા ચૂકવવાના હોય છે, જમીનમહેસૂલ ભરવાનું હોય છે ને બીજા વેરાય ચૂકવવાના હોય છે. વર્ષ દરમિયાન ઉધાર માલ લીધો હોય તે ઉધાર ખાતાને સરભર કરી નાખવાનું હોય છે. કેટલાક સામાજિક ખર્ચાઓ પણ આવી પડતા હોય છે. રોકડની આ જરૂરિયાતના દબાણ હેઠળ ખેડૂતને વિક્રયપાત્ર અધિશેષ કરતાં વધુ ઉત્પાદન બજારમાં વેચવું પડે છે. પાછળથી ઘરવપરાશને પહોંચી વળવા તેને બજારમાંથી આ જ ચીજ ખરીદવી પડે એમ પણ અહીં બને છે. અહીં વિક્રયપાત્ર અધિશેષ કરતાં વેચાણ માટે મુકાતો અધિશેષ વધુ હોય છે.

આથી ઊલટું બનવાનોય સંભવ છે. વિક્રયપાત્ર અધિશેષ કરતાં વેચાણ માટે મુકાતો અધિશેષ ઓછો હોય, ભાવ વધવાની ધારણા હોય ત્યારે ઉત્પાદન સંગ્રહવાનું ખેડૂત પસંદ કરે. અહીં જરૂર કરતાં વધુ ઉત્પાદન તે પોતાની પાસે રાખે છે. કેટલીક વાર અન્ય ચીજોની અવેજીમાં તેનો વપરાશ વધારે છે. અન્ય ખાણની અપેક્ષાએ ઘઉં ને ચણાના ભાવ ઘટે છે ત્યારે ઢોરોને આ બે ધાન્ય ખવડાવવા માંડે છે.

આમ, વેચાણપાત્ર અધિશેષ અને વેચાણમાં મુકાતો વિક્રય થતો અધિશેષ બે ભિન્ન ખ્યાલ છે, પરંતુ તે પરસ્પર સંકલિત છે. એક વધે છે ત્યારે બીજામાં પણ વધારો થાય એવો સંભવ છે – ભલે તેનું પ્રમાણ અલગ હોય.

ભારતમાં અન્નનો વેચાણ માટે મુકાતો અધિશેષ (marketed surplus) પાકવાર અને ખેડાણ-ઘટકના કદ અનુસાર અલગ અલગ છે. કુલ અન્ન-ઉત્પાદનના આશરે 30 %થી 35 % હિસ્સો દર વર્ષે મૂળ તેને પેદા કરનાર ગામોની બહાર વેચાય છે, એવો એક જૂનો અંદાજ છે.

હવે ચીજના ભાવ વધે કે ઘટે તેની વિક્રયપાત્ર અધિશેષ પર અને બજારમાં મુકાતા અધિશેષ પર કેવી અસર પડશે તેનો વિચાર પ્રસ્તુત છે.

સૈદ્ધાંતિક રીતે ઘઉંના ભાવ વધશે તો તેની ઘઉં પેદા કરનાર ખેડૂત પર બે અસર થશે. એક, તેને માટે અન્ય ધાન્યની સરખામણીમાં ઘઉં ઘરવપરાશ માટે ઓછા આકર્ષક બનશે, ઘઉંની અવેજીમાં તે અન્ય ધાન્ય વાપરશે. ઘઉંની તેથી માગ ઘટશે. આ થઈ અવેજી-અસર (substitution effect). બીજું, ઘઉંના ભાવ વધતાં ખેડૂતની આવક વધી છે. ઉત્પાદન યથાવત્ રહ્યું હોય ને ભાવ વધે તો તેની આવક વધે એ દેખીતું છે. આથી તે બધી જ ચીજ-સેવાઓનો વધુ ઉપયોગ કરવાનું વલણ દાખવશે ને તદનુસાર તેની ઘઉંની માગ વધશે. આ થઈ આવક-અસર (income-effect). ઘઉંના ભાવ વધ્યા તેની આ બે અસરના બળાબળ પર ખેડૂતની ઘઉં માટેની માગ વધશે કે ઘટશે તેનો આધાર છે. ખેડૂત માટે આવક-અસર બળવત્તર હશે તો તેની ઘઉંની માગ વધશે, સ્વવપરાશ માટે તે પોતાના ઉત્પાદનમાંથી વધુ ઘઉં પોતાની પાસે રાખશે. પરિણામે તેનો વિક્રયપાત્ર અધિશેષ ઘટશે. બધા ખેડૂતો આ પ્રમાણે વર્તશે તો બજારમાં પુરવઠો લાંબા ગાળે ઘટશે. આમ ભારત જેવા દેશમાં કૃષિક્ષેત્રે ભાવ વધે છે, ત્યારે તે ચીજનો બજારમાં આવતો પુરવઠો કેટલીક વાર ઘટતો જોવા મળે છે.

આથી ઊલટું, ચીજના ભાવ ઘટે છે ત્યારે તેનો બજાર-પુરવઠો સામાન્ય રીતે ઘટવો જોઈએ, પણ ખેતપેદાશના કિસ્સામાં કેટલીક વાર તે વધતો જોવા મળે છે. ઘઉંના ભાવ ઘટશે તો ઘઉં વધુ માગવાનું, ઘરવપરાશ માટે વધુ પ્રમાણમાં ઘઉં રાખવાનું વલણ ખેડૂત દાખવશે. અન્ય ચીજોની સરખામણીમાં ઘઉં આકર્ષક બન્યા છે એટલે તેમની અવેજીમાં ગ્રાહક ઘઉં લેશે. બીજી તરફ ખેડૂતની આવક ઘટી છે, કેમ કે ઉત્પાદન યથાવત્ રહ્યું છે ને ઘઉંના ભાવ ઘટ્યા છે. આથી ખેડૂતની ઘઉંની માગ ઘટશે, ઘરવપરાશ માટે તે ઓછા ઘઉં રાખશે ને બજારમાં વધુ ઘઉં મૂકશે. આવક-અસર બળવત્તર હશે તો આ ચીજના ભાવ ઘટે છે ત્યારે એકંદર અસરને કારણે ઉત્પાદનમાંથી ખેડૂત ઘરવપરાશ માટે ઓછા ઘઉં રાખશે ને બજારમાં તેનું વેચાણ વધારશે.

આમ ભાવ વધે છે ત્યારે ખેતપેદાશનો વિક્રયપાત્ર અધિશેષ ઘટે છે, બજારનો પુરવઠો ઘટે છે. ભાવ ઘટે છે, ત્યારે વેચાણપાત્ર અધિશેષ ને બજાર-પુરવઠો વધે છે.

આ સૈદ્ધાંતિક તારણનું સમર્થન કેટલાક અંકશાસ્ત્રીય સર્વેક્ષણ પણ કરે છે. નાના ને આજીવિકા માટે ખેતી કરનાર ખેડૂતો પોતાની આવકને ટકાવી રાખવા અને રોકડ અંગેની જરૂરિયાતને પહોંચી વળવા માટે ભાવ ઘટે છે ત્યારે વધુ વેચાણ કરવા મજબૂર બને છે. આને આફતજન્ય વેચાણ (distress selling) કહેવામાં આવે છે. ભાવ વધે છે ત્યારે તેઓ બજારમાં ઓછું વેચાણ કરે છે. ચીજના ભાવ અને વેચાણ માટે મૂકવામાં આવતો અધિશેષ (marketed surplus) સામસામી દિશામાં વધેઘટે છે.

ભાવ, ઉત્પાદન, વિક્રયપાત્ર અધિશેષ, વેચાણ માટે મુકાતો અધિશેષ – આ સર્વના આંતરસંબંધો વિશે કૃષિ-અર્થશાસ્ત્રમાં એકમલક્ષી ને સમગ્રલક્ષી અનેક અભ્યાસ થયા છે. ખેતપેદાશોની ને તેમાંય અન્નની ટૂંકા તેમજ લાંબા ગાળાની અછત દેશ અનુભવતો રહ્યો છે. આવા સમયે અછત ધરાવતી ચીજના ભાવ વધારવાનો ઉપાય સૂચવાય છે, તે સરળ ને લોકપ્રિય પણ છે. સાપેક્ષ ભાવ વધારવામાં આવશે તો ઉત્પાદન, વિક્રયપાત્ર અધિશેષ અને વેચાણ માટે મુકાતો અધિશેષ વધશે કે નહિ તે જાણવું અહીં ઉપયોગી અને રસપ્રદ થઈ પડે છે. સંશોધકો તે શોધવા પ્રયત્ન કરે છે. તેના આધારે ભાવનીતિની કાર્યસાધકતાનો ક્યાસ કાઢી શકાય છે.

અનુભવ એવો છે કે માત્ર ખેતપેદાશના કે અન્નના ભાવ વધારવાથી તેનું ઉત્પાદન વધતું નથી. પુરવઠો ને ઉત્પાદન વધારવાના માર્ગમાં રહેલ અવરોધો દૂર કરવા પડે છે. બીજું, ઉત્પાદન વધે છે ત્યારે વેચાણ માટે બજારમાં આવતો અધિશેષ વધે છે પણ પ્રમાણમાં વધતો નથી. તેથી તેને ઓછી આવક ધરાવનાર ગામડામાં વસતા માણસો સુધી પહોંચાડવાની જુદી જાહેર વ્યવસ્થા ગોઠવવી પડે છે.

આર્થિક વિકાસ થાય છે ત્યારે અન્ન માટે બજાર પર નિર્ભર હોય તેવી વસ્તીનું પ્રમાણ વધે છે. ગામડામાંથી માણસો શહેર તરફ ખસે છે. ઉદ્યોગ અને સેવાક્ષેત્ર વિકસે છે અને ખેતીમાં પણ અન્ન પેદા કરવાનું છોડીને ઘણા ખેડૂતો રોકડિયા પાક તરફ વળે છે. આ સર્વને બજારમાંથી અનાજ ખરીદવું પડે છે. તેમને જો અનાજ ન મળે તો તેઓ ગામડાં તરફ પાછા વળે, અન્ન પેદા કરવા તરફ પાછા વળે ને વિકાસની પ્રક્રિયામાં રુકાવટ આવે. આમ ન થાય તે માટે બજારમાં આવતો અન્નનો પુરવઠો (marketed surplus) વધવો જોઈએ.

વૈચારિક રીતે જોઈએ તો આ કાર્યમાં ખાસ મુશ્કેલી નડવી ન જોઈએ. ગઈ કાલ સુધી તો બીજાં ક્ષેત્રો તરફ ખસનાર આ પ્રજા ગામડામાં જ રહેતી હતી ને અન્ન પેદા કરનાર ક્ષેત્રમાંથી જ પોતાનું ભરણપોષણ કરતી હતી. બીજી રીતે કહીએ તો અન્ન પેદા કરનાર ખેડૂતો જ તેમના પરિવારના આ સભ્યોનો નિર્વાહ કરતા હતા. તેઓનું સીમાવર્તી ઉત્પાદન શૂન્ય કે નકારાત્મક રહેતું ત્યારેય તેમને કુટુંબના સભ્ય તરીકે નભાવવા પડતા હતા. આ પ્રચ્છન્ન બેકારોનો બોજો અન્ન પેદા કરનાર કૃષિક્ષેત્ર પર હતો. વિકાસની પ્રક્રિયાને કારણે તેઓ હવે શહેર તરફ, અન્ય વ્યવસાયો તરફ, રોકડિયા પાક તરફ વળે છે. ત્યારે આ પ્રચ્છન્ન બેકારોનો ભાર અન્ન પેદા કરનાર પ્રજા પર રહેતો નથી. અન્ન-ઉત્પાદન આથી વધે છે ને તે પેદા કરનાર માણસોના હાથમાં આશ્રિતો જતાં ફાજલ અનાજ આવે છે. પોતાનો અન્ન-વપરાશ ને જીવનધોરણ પૂર્વવત્ રાખે તોય પ્રચ્છન્ન બેકારોના નિર્વાહમાં પહેલાં વપરાઈ જતું અન્ન તેમની પાસે હવે ફાજલ રહે છે. આ પ્રચ્છન્ન બચતને, ફાજલ અનાજને બજારમાં લાવવામાં આવે તો વિકાસ સાધી શકાય છે. વેચાણ થતા અધિશેષનો પ્રશ્ન ઉકેલી શકાય છે.

પરંતુ વ્યવહારમાં પ્રશ્ન આટલો સરળ રહેતો નથી. એક તો પ્રચ્છન્ન બેકારોને અન્યત્ર ખસવા માટે કેટલીક વાર પ્રોત્સાહન આપવું પડે છે. ગામડામાં જીવતા હોય એ ધોરણે તેઓ બહાર ખસવાની તકલીફ ઉઠાવવા તૈયાર ન થાય એ બનવાજોગ છે. બીજું, તેઓ બહાર જાય તો અન્ન તેમને શહેરમાં પહોંચાડવાનું હોય છે ને તેના ખર્ચની ગણતરીયે મૂકવી પડે છે. ત્રીજું, ગામમાં રહેનાર વસ્તી અત્યાર સુધી પ્રચ્છન્ન બેકારોના બોજાને કારણે આર્થિક સંકડામણ વેઠતી હતી, હવે તે બોજો જતાં થોડી મોકળાશ અનુભવે ને જીવનધોરણ સુધારવા મથે, અન્નનો વપરાશ વધારે તેય સંભવિત છે. ચોથું, કુદરતી કારણને લીધે કે અન્ય કોઈ કારણે અન્નોત્પાદન ઘટે તો વેચાણ માટે આવતા અન્નનું પ્રમાણ ઘટે એવી શક્યતા છે. પાંચમું, વિકાસ માટે આવદૃશ્યક આયાત મેળવવા નિકાસ કરવાનું જરૂરી હોય છે. મંદી હોય ત્યારે વિકાસશીલ દેશોને ઔદ્યોગિક ચીજોની સરખામણીમાં ખેતીની ચીજોના ભાવ વધુ તૂટ્યા હોય છે એટલે ગણતરી બહારના પ્રમાણમાં અન્નની નિકાસ કરવી પડે છે. આ સર્વ કારણોને લીધે મરજિયાત રીતે ખેડૂતો દ્વારા વેચવામાં આવતું અન્ન અપૂરતું થઈ પડે છે. વિકાસને વરેલા રાજ્યે આ પરિસ્થિતિમાં જબરદસ્તીનો ઉપયોગ કરવો પડે છે. ફરજિયાત ખેતીના સામૂહિકીકરણનો ને અન્નપ્રાપ્તિનો સોવિયેત રશિયાનો અનુભવ આ વાતનો સાક્ષી છે. આ નીતિ ખેતી-ઉત્પાદન પર અવળી અસર ધરાવનાર થઈ પડી હતી.

અન્નનો વિક્રયપાત્ર અધિશેષ નર્સ્કે જેવા કેટલાક અર્થશાસ્ત્રીઓના વિકાસ-અર્થશાસ્ત્રમાં ચાવીરૂપ મહત્વ ધરાવે છે. પ્રચ્છન્ન બેકારને પ્રચ્છન્ન બચતનો ઉપયોગ વિકાસની પ્રક્રિયામાં કરવાની તેઓ ભલામણ કરે છે. વકીલ-બ્રહ્માનંદ મૉડેલમાં પણ ખેતીના વિક્રયપાત્ર અધિશેષનું મહત્વ સ્વીકારવામાં આવ્યું હતું. પરંતુ તે વધારવા માટે ખેતીને ને અન્નોત્પાદનને યોજનામાં અગ્રિમતા આપવાની જરૂર પર તેમણે ભાર મૂક્યો હતો. વળી આ ખેડૂતવર્ગને ફાજલ અન્નોત્પાદન બજારમાં લાવવાનું મન થાય તે માટે વપરાશની ઔદ્યોગિક ચીજો પેદા કરી બજારમાં મૂકવાની વ્યૂહરચનાય તેમના મૉડેલના ભાગરૂપ હતી.

બદરીપ્રસાદ ભટ્ટ