વિકિરણ-તીવ્રતા (Radiant Intensity)
February, 2005
વિકિરણ-તીવ્રતા (Radiant Intensity) : વીજચુંબકીય વર્ણપટની સંપૂર્ણ અવધિ (complete range) માટે સ્રોત (source) દ્વારા ઉત્સર્જિત થતી વીજચુંબકીય ઊર્જાની ચમકનો જથ્થો (quantitative expression for brilliance). સમદિગ્ધર્મી (isotropic) ઉત્સર્જક (radiator) દ્વારા પ્રતિ એકમ ઘન કોણ માટે ઉત્સર્જિત થતી ઊર્જાના જથ્થાને માપીને તે મેળવવામાં આવે છે. ત્રિ-પરિમાણીય અવકાશમાં બધી દિશાઓમાં સમદિગ્ધર્મી બિંદુવત્ સ્રોત એકસમાન ઊર્જા ઉત્સર્જિત કરે છે. વિકિરણ-તીવ્રતાનો સામાન્ય એકમ વૉટ/સ્ટેરેડિયન (Watt/steradian) અથવા W/sr અથવા WSr–1 છે. સૈદ્ધાંતિક બિંદુવત્ ઉદ્ગમસ્થાન માટે 1 WSr–1 વિકિરણ-તીવ્રતા 4πW જેટલી ઊર્જા સર્વે તરંગલંબાઈઓ માટે દર્શાવે છે. WSr–1નો SI એકમ-પદ્ધતિમાં સમતુલ્ય એકમ Kg.m2 s–3Sr–1 છે.
મિહિર જોશી