વારાહી કંદ : એકદળી વર્ગમાં આવેલા ડાયોસ્કોરિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dioscoria bulbifera Linn. syn. D. crispata Roxb; D. pulchella Roxb; D. sativa Thunb; D. versicolor Buch-Ham. (સં. વારાહી કંદ; હિ. વારાઈ કંદ; ગુ. વારાહી કંદ, વણાવેલ, ડુક્કરકંદ, કનક; બં. બનાલુ, કુકુરાલુ; મ. મણાકુંદ. કારુકારિન્દા, ગથાલુ; તે. ચેદુપડ્ડુડુમ્પા; ત. કોડીકીલંગુ, પન્નુકીલંગુ; મલ. કટ્ટુકાચીલ; અં. પોટેટોયામ, એરયામ) છે. તે એક મોટી અશાખી ડાબી બાજુએથી ચઢતી વળવેલ (twiner) છે. પર્ણો સાદાં, એકાંતરિક, અંડ-હૃદયાકાર (ovate-cordate) હોય છે. તેમની કક્ષમાં રહેલી કક્ષકલિકાઓ (axillary buds) ખોરાક સંગ્રહ કરી માંસલ બને છે. આવી કલિકાઓને પ્રકલિકાઓ (bulbils) કહે છે. તેમનું સર્જન વાનસ્પતિક (vegetative) પ્રજનન અર્થે થયેલું હોય છે. આ પ્રકલિકાઓ વિપુલ સંખ્યામાં ઉદભવે છે અને તેઓ વિવિધ આકારની હોય છે. કેટલીક જાતોમાં પ્રકલિકાની વૃદ્ધિને કારણે ગ્રંથિલ (tuber) નાના હોય છે. નાની પ્રકલિકાઓ ગાંઠ જેવી હોય છે; પરંતુ મોટી થતાં લીસી બને છે. ગ્રંથિલ એકાકી (solitary), ગોળાકારથી માંડી જમરૂખ આકાર (pyriform) હોય છે, સામાન્યત: તે નાના અને ગોળાકાર હોય છે; પરંતુ વાવેતર કર્યું હોય તો મોટા બને છે અને એક કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે. તેની છાલ જાંબલી-કાળી હોય છે અને ફરતે પુષ્કળ પ્રમાણમાં પોષક મૂળ ધરાવે છે. કેટલીક કૃષ્ટ (cultivated) જાતોમાં તે લીસો હોય છે. તેનો ગર લીંબુ જેવા પીળા રંગનો હોય છે; જેમાં જાંબલી રંગનાં ટપકાં હોય છે, તે પુષ્કળ પ્રમાણમાં શ્ર્લેષ્મી હોય છે.
આ જાતિ જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોની વતની છે અને આફ્રિકાના પશ્ચિમી કિનારાથી માંડી પૅસિફિકના ટાપુઓ સુધી થાય છે. તે સમગ્ર ભારતમાં થાય છે. હિમાલયમાં 1,800 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. ભારતના શુષ્ક પ્રદેશોમાં તે થતી નથી.
કંદને ડુક્કર ખાતાં હોઈ તેને ડુક્કરકંદ કહે છે. દુકાળ વખતે તેનો ઉપયોગ ખાવામાં થાય છે. વન્ય સ્વરૂપોમાં ગ્રંથિલ કડવાશ ધરાવે છે અને તે ઝેરી ગણાય છે. તેને રાખમાં રાખી ઠંડા પાણીમાં ઝબોળી રાખવાથી ખાઈ શકાય છે. પ્રકલિકાઓ ખાદ્ય છે અને તેમને ગળી શકાય છે. તેમની સુગંધ બટાટા જેવી હોય છે. તેમનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. ગ્રંથિલનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : ઍલ્બુમિનૉઇડો 7.36 %થી 13.31 %, ભસ્મ 3.31 %થી 7.08 %, લિપિડ 0.75 %થી 1.28 %, કાર્બોદિતો 75.11 %થી 81.39 %, રેસા 3.28 %થી 9.64 % અને P2O5 0.45 %થી 77 %.
ગ્રંથિલનો ઉપયોગ જાપાનમાં સ્ટાર્ચ બનાવવામાં થાય છે. ઝેરી આલ્કેલૉઇડો, બાષ્પશીલ ઍસિડો અને કૅલ્શિયમ ઑક્સેલેટને યોગ્ય ચિકિત્સા આપી, ગ્રંથિલમાંથી દૂર કરી તેમને ખાદ્ય સ્વરૂપમાં મેળવવામાં આવે છે. સ્ટાર્ચના કણો ચપટા અને ત્રિકોણાકાર હોય છે. વારાહી કંદનો સ્ટાર્ચ થોડાક કલાકો ગરમ કરવા છતાં જેમનો તેમ રહે છે. તે રીતે, તે મકાઈ અને ચોખાના સ્ટાર્ચ સાથે સામ્ય ધરાવે છે.
કાશ્મીરમાં વારાહી કંદનો ઉપયોગ ઊન ધોવામાં અને માછલીના ગલકાંટામાં ખોરાક ભેરવવામાં થાય છે. શુષ્ક અને ભૂકો કરેલા ગ્રંથિલનો ચાંદામાં ઉપયોગ થાય છે. તે મસા, મરડો અને ઉપદંશ(syphilis)માં પણ ઉપયોગી છે. પ્રકલિકાઓ વ્રણ અને સોજા પર લગાડવામાં આવે છે.
રસાયન તરીકે વારાહી કંદનું રુક્ષ ચૂર્ણ ગરમ દૂધમાં નાખી વલોવવામાં આવે છે. તેનાથી જે ઘી ઉપર આવે તેને મધ સાથે ખાવાથી એક માસમાં રસાયણનો ગુણ જણાય છે. વારાહીના ચૂર્ણને તેલ સાથે ઘૂંટી તેનો નાડીવ્રણ પર લેપ કરવામાં આવે છે.
વૈદ્ય ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ