વારાંગલ : આંધ્રપ્રદેશના ઉત્તર વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 19´થી 18° 36´ ઉ. અ. અને 78° 49´થી 80° 43´ પૂ. રે. વચ્ચેનો 12,846 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કરીમનગર, પૂર્વ અને અગ્નિ તરફ ખમ્મામ, દક્ષિણમાં ખમ્મામ અને નાલગોંડા તથા પશ્ચિમે મેડક જિલ્લા આવેલા છે. જિલ્લામથક વારાંગલ જિલ્લાના મધ્યભાગમાં પશ્ચિમ તરફ આવેલું છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ-સિંચાઈ : જિલ્લાનું ભૂપૃષ્ઠ સરેરાશ 265.5 મીટરની ઊંચાઈ ધરાવે છે, પરંતુ હનમકોંડાની આજુબાજુનો ભાગ 518 મીટરની ઊંચાઈવાળો છે. ટેકરીઓની એક હારમાળા પર્કાલ અને સિંગારેણીથી અગ્નિ તરફ ખમ્મામ જિલ્લામાં નીચલી ગોદાવરી ખીણની સરહદ પર અશ્વરાવપેઠ સુધી ચાલી જાય છે. એ જ રીતે બીજી એક હારમાળા અગ્નિ દિશાએથી શરૂ થઈને ઉત્તર તરફ આદિલાબાદ જિલ્લામાં ચિન્નૂર સુધી વિસ્તરેલી છે. વારાંગલથી વાયવ્યમાં 16 કિમી. અંતરે ચંદ્રગિરિ ટેકરીઓ અને 22 કિમી. અંતરે હસનપાર્થા લોહ-ટેકરીઓ આવેલી છે. ગોદાવરી નદી જિલ્લાની પૂર્વ સીમા પરથી પસાર થાય છે.

વારાંગલ જિલ્લો

વારાંગલથી પૂર્વમાં 45 કિમી. તથા નરસમપેઠથી પૂર્વમાં 11 કિમી. અંતરે ગુડુર તાલુકામાં પખાલ ગામની પખાલ નદી પર બાંધેલા 1.8 કિમી. લાંબા બંધ પાછળ પખાલ જળાશય આવેલું છે, તે જ્યારે ભરાઈ જાય છે ત્યારે લગભગ 34 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઊંડાઈ ત્યારે 10થી 13 મીટર જેટલી થાય છે. તેનો સ્રાવવિસ્તાર 269 ચોકિમી. જેટલો છે. આ બંધમાંથી લેવાતા જળની સિંચાઈ-ક્ષમતા આશરે 6,880 હેક્ટર ભૂમિને પૂરી પાડી શકાય એટલી છે. તેમાંથી સંગમ, જલબંધમ્, તુંગબંધમ્, પસનૂર અને મોટવીરારામ નહેરો દ્વારા સિંચાઈ અપાય છે. આ ઉપરાંત મુલુગ તાલુકામાં આવેલાં લકનાવરમ્, રામપ્પા સરોવર તેમજ ઘાનાપુર સરોવરોનાં જળનો પણ સિંચાઈ માટે ઉપયોગ થાય છે. જિલ્લાના નગરમ્, વર્ધનપેઠ, અર્જુનપાટલા, કટાક્ષપુરમમાં મોટાં તળાવો આવેલાં છે.

ખેતી-પશુપાલન : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ડાંગર જિલ્લાનો મુખ્ય કૃષિપાક છે. તે ઉપરાંત કઠોળનું વાવેતર પણ થાય છે. અહીં મોટેભાગે તો દૂધ મેળવવા તથા ખેતીનાં કામોમાં ઉપયોગમાં લેવા માટે પશુપાલન થાય છે. નદી, સરોવરો, તળાવોમાં પૂરતા પ્રમાણમાં માછલીઓનો ઉછેર થાય છે. મત્સ્યઉછેર માટે અહીંનાં 700 જેટલાં તળાવોની જાળવણી કરવામાં આવે છે. માછીમારી માટે જિલ્લામાં 96 મત્સ્ય સહકારી મંડળીઓ કાર્યરત છે. આ ઉપરાંત વારાંગલ ખાતે તે માટેની સહકારી માર્કેટિંગ સોસાયટી પણ છે.

ઉદ્યોગ-વેપાર : વારાંગલ ખાતે મોટા પાયા પરના તથા મધ્યમ કક્ષાના આશરે પાંચ ઉદ્યોગો છે. આ પૈકી રસાયણો અને ઔષધિઓના ઉદ્યોગો પણ છે; પરંતુ નાના પાયા પરના એકમો ઘણા ઓછા છે. વારાંગલ, જાનગાંવ, મહેબૂબાબાદ, કેશમુદ્રમ, ઘાનાપુર અને પાર્કલ ખાતે માર્કેટિંગની વ્યવસ્થા છે. આ ઉપરાંત બીજાં 13 કેન્દ્રોમાં પણ માર્કેટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. આ જિલ્લામાં ડાંગર, જુવાર, મકાઈ, ચોળા, મગ, ચણા, અડદ, મગફળી, તલ, એરંડા, કપાસ, મરચાં, કોથમીર અને ડુંગળીનું ઉત્પાદન થાય છે.

પરિવહન : રાજ્ય પરિવહનની બસો દ્વારા અવરજવરની સગવડ મળી રહે છે. વારાંગલ, હનુમકોંડા, નરસમપેઠ અને જાનગાંવમાં બસ ડેપો છે; પરંતુ આ જિલ્લામાં અંતરિયાળમાં આવેલાં ગામડાંમાં બસવ્યવસ્થા પૂરી પાડી શકાતી નથી. જોકે ખાનગી વાહનો અને ગાડાં અવરજવરની વૈકલ્પિક સગવડો પૂરી પાડે છે. વારાંગલ જિલ્લો વિજયવાડા-હૈદરાબાદ વિભાગ સાથે રેલમાર્ગથી જોડાયેલો છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 32,31,174 છે. સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ સમાન છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 80 % અને 20 % જેટલું છે. જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષાઓ તેલુગુ, ઉર્દૂ અને હિન્દી છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે; શીખ, જૈન અને બૌદ્ધની ઓછી છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 40 % જેટલું છે. જિલ્લામાં કાકતિયા યુનિવર્સિટી સહિત ઉચ્ચ શિક્ષણની 30 જેટલી કૉલેજો આવેલી છે. જિલ્લામાં નગરો ઉપરાંત 60 % ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સુવિધાઓ મળી રહે છે. દવાખાનાં, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોઉપકેન્દ્રો તથા કુટુંબનિયોજન કેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 37 મંડળોમાં વહેંચેલો છે; તેમાં કુલ 14 નગરો અને 926 (60 વસ્તીવિહીન) ગામડાં છે.

પ્રવાસન : વારાંગલ : જિલ્લાનું વહીવટી મથક તથા મહત્વનું શહેર. તે વિજયવાડાહૈદરાબાદ રેલમાર્ગ પર આવેલું છે. આ શહેર હૈદરાબાદથી મોટરમાર્ગે 148 કિમી.ને અંતરે છે. જૂના વખતમાં તે કાકતિયા સામ્રાજ્યનું પાટનગર હતું, ત્યારે તે ‘ઓરુકલ્લુ’ અથવા ‘એકશીલનગરમ્’ નામથી જાણીતું હતું. હજી આજે પણ તે તૈલંગાણા પ્રદેશનું સાંસ્કૃતિક મથક છે. આંધ્રના રાજમહેન્દ્રવરમની જેમ આ સ્થળ આદિકવિ નન્નામા દ્વારા તેલુગુ ભાષામાં લખાયેલ મહાભારતનું સ્થાનક ગણાય છે. તેલુગુ સાહિત્ય માટે આ સ્થળ એક સીમાચિહ્નરૂપ રહ્યું છે. અવિનાશી (અમર) ભાગવતના લેખક પોથાના જેવા મહાકવિએ તેલુગુ સાહિત્યને પ્રગતિના પંથે લઈ જવાનું કાર્ય અહીં કરેલું. વારાંગલ હૈદરાબાદથી બીજા ક્રમે આવતું શહેર છે, તે આંધ્રપ્રદેશના તૈલંગાણા વિસ્તારનું ઘણું મહત્વનું સ્થળ છે. વારાંગલ તેનાં ઐતિહાસિક સ્મારકો, કિલ્લાઓ, મંદિરો તેમજ સ્થાપત્યના અદ્ભુત નમૂનાઓ માટે ખૂબ જાણીતું છે. અહીં ઘણા યાત્રાળુઓ, ઇતિહાસવિદો અને પુરાતત્વવિદો પ્રવાસે આવે છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં સહસ્રસ્તંભ મંદિર, ભદ્રકાળી મંદિર, વારાંગલ કિલ્લો, રંગનાથ સ્વામીનું મંદિર, શંભુ લિંગેશ્વર (અથવા સ્વયંભૂ) મંદિર, પદ્માક્ષી મંદિર, પખાલ સરોવર, ઈંગર્થી, ઘાનાપુરમ્, કાઝીપેઠ, ઝફરગઢ, રામપ્પા મંદિર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં વારતહેવારે જાતજાતના મેળા તેમજ હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ઉત્સવો યોજાય છે.

ઇતિહાસ : જૂના વખતમાં વારાંગલ એક નગર હતું. હૈદરાબાદના દેશી રાજ્ય વખતે પણ વારાંગલનો કમિશનર વિભાગ હતો. આજના વારાંગલ જિલ્લાનું નામ પણ વારાંગલનગર પરથી જ અપાયેલું છે. નિઝામના શાસન વખતે કારંગલ વિભાગનો વિસ્તાર ઉત્તરમાં પેનગંગા નદીથી દક્ષિણમાં કૃષ્ણા નદી સુધી પથરાયેલો હતો. 1953ના ઑક્ટોબરની પહેલી તારીખ અગાઉ વારાંગલ આંધ્રપ્રદેશનો સૌથી મોટો જિલ્લો હતો. 1953માં તેમાંથી થોડાક તાલુકાઓને જુદા પાડી તેમાંથી ખમ્મામનો અલગ જિલ્લો રચવામાં આવ્યો છે. આજે આ જિલ્લો છ તાલુકાઓથી બનેલો છે.

ગિરીશભાઈ પંડ્યા