વાપુંભા (કુંભી)

January, 2005

વાપુંભા (કુંભી) : દ્વિદળી વર્ગમાં આવેલા લેસિથિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Careya arborea Roxb. (સં. કુંભા, કટભી; મ. કિન્હઈ, કિણહી; હિં. કટણી, કરહી; ક. કરીય ક્લિગેં; તે. અરાયા ડુડ્ડીપ્પા, ત. આયમા; મલ. આલમ, પેલુ; અં. કુંબી) છે. તે વિશાળ, પર્ણપાતી, 18 મી.થી 36 મી. ઊંચું વૃક્ષ છે અને સમગ્ર ભારતમાં 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. હૂકર તેને ઇન્ડિયન ઓક તરીકે ઓળખાવે છે. કાનડા અને મલબારમાં તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. કોરોમંડલના પહાડોમાં તેનાં વૃક્ષો ખૂબ ઊંચાં હોય છે. તેનાં પર્ણો મોટાં, 15 સેમી.થી 30 સેમી. લાંબાં અને 7.5 સેમી.થી 15 સેમી. પહોળાં અને ભીલામાં જેવાં લીલાંછમ હોય છે. પર્ણો સુકાય ત્યારે લાલ રંગનાં બને છે. પુષ્પનિર્માણ માર્ચ-એપ્રિલમાં થાય છે. પુષ્પો પીળી છાંયવાળાં સફેદ અને 6.25 સેમી.થી 8.75 સેમી. વ્યાસવાળાં હોય છે. ફળ મોટાં 6.25 સેમી.થી 7.5 સેમી. વ્યાસવાળાં, ગોળ અને લીલાં હોય છે. તે સુગંધિત અને ખાદ્ય હોય છે.

તેનું રસકાષ્ઠ (sapwood) સફેદ અને અંત:કાષ્ઠ (heart wood) આછા લાલ રંગનું હોય છે; મોટાં વૃક્ષોમાં ઘેરા બદામી-લાલ રંગનું હોય છે. કાષ્ઠ ભારે (વિ.ગુ. 0.71; વજન 737 કિગ્રા./ઘમી.), સખત, મજબૂત, સુરેખકણયુક્ત (straight-grained), મધ્યમ બરછટ-પોતવાળું (coarse-textured) અને પાણીમાં પણ ટકાઉ હોય છે. તે ઉચ્ચતાપસહ (refractory) હોય છે અને તેને તિરાડો (cracks) પડે છે. તેને અત્યંત ઝડપી શુષ્કન (drying) સામે રક્ષણ આપવું જરૂરી છે. વલયન (girdling) સપાટી ઉપર પડતી તિરાડો અટકાવે છે. તેને વહેરવું મુશ્કેલ હોવા છતાં તેના પર ખરાદી-કામ કરવાથી તેની સપાટી લીસી અને ચળકતી બને છે. કાષ્ઠ પર પૉલિશ લાંબો સમય ટકી રહે છે.

તેના પ્રકાષ્ઠ(timber)નો ઉપયોગ કૃષિનાં સાધનો, કૅબિનેટ, બંદૂકના કૂંદાઓ, મકાનના થાંભલાઓ અને જાડા તખ્તાઓ બનાવવામાં થાય છે. પરિરક્ષિત (preservative) સારવાર આપ્યા પછી તેમની રેલવે-સ્લિપરો માટે ભલામણ કરવામાં આવે છે. સ્થિતિસ્થાપક હોવાથી તેનો પટ્ટીઓ બનાવવામાં ઉપયોગ થાય છે.

છાલ રેસાયુક્ત હોય છે અને બદામી કાગળ તથા જાડાં દોરડાં બનાવવામાં ઉપયોગી છે. છાલ કફ અને શરદીમાં શામક (demulscent) ગણાય છે. તેનો ઉપયોગ પ્રશામક (emollient) મર્દનદ્રવ (embrocation) બનાવવામાં થાય છે. તેની છાલ સર્પદંશ પર લગાડવામાં આવે છે. છાલનો ક્વાથ પણ પિવડાવવામાં આવે છે. તે ખાસ કરી શીતળામાં વિસ્ફોટી (eruptive), તાવમાં જ્વરહર (antipyretic) અને કંડૂરોધી (antipruritic) તરીકે વપરાય છે. પુષ્પના વજ્રપત્રો શ્ર્લેષ્મ ધરાવે છે; જેનો શામક તરીકે ઉપયોગ થાય છે. પ્રસવ પછી તેનાં પુષ્પ શક્તિ માટે વપરાય છે.

ફળો સંકોચક (astringent) ગુંદર ધરાવે છે. ફળનો કાઢો પાચનક્રિયા ઉત્તેજવા માટે વાપરવામાં આવે છે. પર્ણોનો ચાંદામાં ઉપયોગ થાય છે. તેનાં બીજ ઝેરી હોય છે.

પર્ણોમાં 19 % જેટલું ટેનિન હોય છે. તેમનો ચિરૂટ અને બીડી વાળવામાં ઉપયોગ થાય છે. તે રેશમના કીડાની પોષિતા વનસ્પતિ છે. ખરજ અને દાદર ઉપર વાપુંભાનાં પર્ણો વાટીને ચોપડવામાં આવે છે.

તેનો માછલીના ઝેર તરીકે ઉપયોગ થાય છે. તેની અંદરની છાલ જોડાને ઘસવાથી જળો ચોંટતી નથી.

આયુર્વેદ અનુસાર, મોટો ધોળો વાપુંભો તીખો, ઉષ્ણ, તૂરો અને કડવો છે તથા અજીર્ણ, નાડીવ્રણ, રક્તદોષ, પ્રમેહ, વિષ, કૃમિ, ધોળો કોઢ, કફ, ત્રિદોષ, વ્રણ અને શિરોરોગનો નાશ કરે છે. તેનાં ફળ ધાતુ અને કફ વધારનાર છે. તેનો રસ ગુરુ, વૃષ્ય, બલકર અને વાતનાશક છે. નાનો ધોળો વાપુંભો ઉષ્ણ અને તીખો છે તથા કોઢ, કફ, રક્તદોષ, મેદોરોગ, નાડીવ્રણ, વિષ, પ્રમેહ અને કૃમિનો નાશ કરે છે. કાળો વાપુંભો ઉષ્ણ અને તીખો છે તથા ગુલ્મ અને આધ્માનશૂળનો નાશ કરે છે. બાકીના ગુણ ધોળા વાપુંભા જેવા જ છે.

વૈદ્ય ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ