વામદેવ : એક વૈદિક ઋષિ. ઋગ્વેદના ચોથા મંડળમાં 58 સૂક્તો છે. તેમાંથી ત્રણ સૂક્તો-અનુક્રમે 42થી 44-ને બાદ કરતાં બાકીના 55 સૂક્તોના દ્રષ્ટા ઋષિ વામદેવ ગૌતમ છે. પોતાની ગર્ભાવસ્થામાં જ એમને આત્માનુભૂતિ થઈ હતી. આ અવસ્થામાં તેમણે ઇન્દ્ર સાથે તત્વજ્ઞાન વિશે સંવાદ કર્યો હતો. આત્માનુભૂતિની સ્થિતિમાં એ કહેતા – ‘મેં જ સૂર્યને પ્રકાશ આપ્યો છે. મનુ મારું જ રૂપ હતા.’ વિશેષત: પુનર્જન્મ-વિષયક તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તેઓ સર્વશ્રેષ્ઠ છે. એમનો સિદ્ધાન્ત ‘જન્મત્રયી’ છે. મનુષ્યને ત્રણ જન્મો છે : (1) ગર્ભાધાન સમયે (2) માતૃયોનિમાંથી નિષ્ક્રમણ સમયે (3) દેહત્યાગ સમયે. વામદેવને પોતાના બે પૂર્વજન્મ જ્ઞાત હતા : મનુ અને સૂર્ય. આનું સામ્ય ડૉ. આર. ડી. રાનડેને મરાઠી સંત તુકારામ સાથે જણાય છે. તુકારામને પોતાનો પૂર્વજન્મ શુકદેવજીનો હોય તેવી પ્રતીતિ હતી. વૈદિક સૂક્તોના દ્રષ્ટા ઋષિ વામદેવ ગૌતમ ઉપરાંત અન્ય વામદેવ નામધારી વ્યક્તિઓ આ પ્રમાણે છે :

(1) અંગિરસ અને સુરૂપાના પુત્ર. આ ઋષિએ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ભાગ લીધેલો. સ્યમનાપંચકમાં શ્રીકૃષ્ણને મળેલા.

(2) અથર્વન્ અંગિરસના પુત્ર. આ ઋષિ તપસ્યામગ્ન પરશુરામને મળવા ગયેલા.

(3) દશરથપુત્ર રામના સભાસદ ઋષિ.

(4) શિવના અવતાર. તેમને પાંચ મુખ હતા. સોમે બૃહસ્પતિ-પત્ની તારાનું અપહરણ કર્યું ત્યારે સોમ સાથે યુદ્ધ કરેલું. પાર્વતીને શિવસહસ્રનો પાઠ આપ્યો.

(5) કુશદ્વીપના રાજા હતા. હિરણ્યરેતસના પુત્ર હતા.

(6) મોદાપુરના રાજા હતા. અર્જુને ઉત્તર દિશામાં દિગ્વિજય કર્યો ત્યારે તેમને પરાસ્ત કરેલા.

(7) એકાદશ રુદ્રોમાં તેમનો સમાવેશ છે.

(8) એક બ્રહ્મર્ષિ હતા. એમનો અશ્વ પરીક્ષિતનો પુત્ર શલ, માગીને લઈ ગયો હતો. ‘વામ્ય’ નામનો આ અશ્વ અતિવેગી હતો.

રશ્મિકાન્ત મહેતા