વાડિયા, અરદેસર (અરદેશર) ખુરશેદજી
January, 2005
વાડિયા, અરદેસર (અરદેશર) ખુરશેદજી (જ. 6 ઑક્ટોબર 1808, મુંબઈ; અ. 1877, રિચમંડ, ઇંગ્લૅન્ડ) : ભારતના પહેલા આધુનિક ઇજનેર, વહાણો બાંધવામાં માહેર એવા સમુદ્રી ઇજનેરીના નિષ્ણાત તથા છેક 1841માં લંડનની રૉયલ સોસાયટીના સભ્ય (Fellow of the Royal Society FRS) થનાર પહેલા હિંદી અને પહેલા ગુજરાતી. એમના પિતાનું નામ ખુરશેદજી રૂસ્તમજી (1788-1863) હતું. ‘વાડિયા’નો એક અર્થ ‘વહાણ બાંધનાર માણસ’ અને બીજો અર્થ ‘વહાણ વગેરેનું સુથારીકામ કરનાર પારસી ગજ્જર’ એવો થાય છે. તેથી વ્યવસાય ઉપરથી પારસીઓમાં આ નામની એક અટક પણ છે. આ ઉપરથી અનુમાન કરી શકાય કે અરદેસરના પૂર્વજો વહાણ બાંધવાની કામગીરી સાથે સંકળાયેલા હશે. સૂરતમાં 1685માં વહાણ બાંધવાનો ઉદ્યોગ ચરમ સીમાએ પહોંચ્યો હતો. અરદેસરના પૂર્વજ લવજી નસરવાનજી વાડિયા 1736માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આમંત્રણથી સૂરત છોડી, સુથારો સાથે કુલ 10 માણસો લઈને મુંબઈ ગયા હતા. એમના વંશજો છેક 1885 સુધી જહાજવાડાના વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા હતા. અરદેસરના પિતાએ પણ મુંબઈમાં મુખ્ય વહાણ બાંધનાર (master ship-builder) તરીકે 1844થી 1857 સુધી કુલ પંદરેક વર્ષ સેવા આપી હતી.
અરદેસરની કેળવણી અંગેની માહિતી ઉપલબ્ધ નથી. 1822માં, માત્ર ચૌદ વર્ષની વયે, તેઓ ‘ડોક યાર્ડ’માં એક શિખાઉ (apprentice) તરીકે રહ્યા. તે પછી 22 વર્ષની વયે મુંબઈની ટંકશાળામાં ગિલ્વેરી નામના મુખ્ય ઇજનેર પાસેથી એમણે યંત્રો અંગે ઘણી જાણકારી મેળવી અને ઘણુંબધું વાંચ્યું. એ કાળે આપણા લોકોને વરાળશક્તિ અંગે જાણકારી આપવાના ઇરાદાથી એમણે વરાળચાલિત દસ હૉર્સપાવરનું એક સમુદ્રી એન્જિન છેક ઇંગ્લૅન્ડથી મંગાવ્યું અને પોતે જ બાંધેલા 60 ટનના વહાણમાં, એક દેશી લુહારની મદદથી તે બેસાડ્યું. આ સ્ટીમરને એમણે ‘ઇન્ડસ સ્ટીમર’ એવું નામ આપીને 16 ઑગસ્ટ, 1833ના રોજ સિંધુ નદી પરથી સમુદ્રમાં તરતી મૂકી. મુંબઈમાં ખાનગી રાહે બનેલી આ પહેલવહેલી સ્ટીમર હતી અને એને બનાવનારની વય હતી માત્ર પચ્ચીસ વર્ષ ! પાછળથી તત્કાલીન મુંબઈ સરકારે જ આ આગબોટને ખરીદી લીધી હતી.
ત્યારપછી 10 માર્ચ, 1834ના રોજ એમણે પોતાનાં મઝગાંવ ખાતેનો બંગલો અને વાડી – બંનેને ‘ગૅસ’ના દીવાઓથી શણગાર્યાં. મુંબઈમાં ‘ગૅસ’ની દીવાબત્તી તેમણે જ દાખલ કરેલી. આ રોશની જોવા લોકોનાં ટોળાં ઉપરાંત તે વખતના મુંબઈના ગવર્નર, અર્લ ઑવ્ ક્લેર પણ ખાસ ગયા હતા.
ખાનગી સ્ટીમર અને ‘ગૅસ’ના દીવાની પહેલ કરનાર અરદેસરજીએ વરાળથી ચાલતો 1 હૉર્સપાવરનો ‘પંપ’ બનાવીને વળી ત્રીજી પહેલ કરી. આ ‘પંપ’ વડે કૂવામાંથી પાણી ખેંચ્યું અને તે વડે એક નાનો ફુવારો પણ ઉડાડ્યો. 15 એપ્રિલ, 1834ના ‘મુંબઈ ગૅઝેટ’માં આ બધું વિગતે જોવા મળે છે. ભારતમાં તૈયાર થયેલું આ સર્વપ્રથમ એન્જિન હતું.
આ બધું બનાવવા માટે એમણે પોતે જ એક ઢાળણશાળા (foundry) બનાવી હતી. અહીં જ વહાણો માટે જરૂરી એવી લોખંડની ટાંકીઓ પણ બનતી હતી.
એ કાળે મુંબઈમાં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન અને પાછળથી એ નામની શાળા અને કૉલેજનો આરંભ થયો. એમાં આર્લેબર નામે ગણિતના પ્રોફેસર હતા. તેમની ભલામણથી મુંબઈ સરકારે યંત્રશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર શીખવવા માટે અરદેસરની આ સંસ્થામાં નિમણૂક કરી.
વરાળથી ચાલતી સ્ટીમરો માટે અને તેના સમારકામ માટે ઇજનેરોની માગ વધશે એવા આશયથી એમણે આ ક્ષેત્રે વધુ અભ્યાસ કરવા ઇંગ્લૅન્ડ જવાનું ગોઠવ્યું, પણ એમાં વિલંબ થતાં, તેઓ થોડો સમય ચીન જઈ આવ્યા. આખરે 1829માં તેઓ ઇંગ્લૅન્ડ જવા રવાના થયા અને અઢી મહિનાના દીર્ઘ દરિયાઈ પ્રવાસ પછી વિલાયત પહોંચ્યા.
આ પ્રવાસ અંગે ‘મુંબઈથી ઇંગ્લૅન્ડ સુધીની સફર’ અને ‘ઇંગ્લૅન્ડમાં એક વર્ષ’ – એવાં બે પુસ્તકો પણ તેમણે લખ્યાં છે. નંદકુંવરબા રચિત ‘પૃથ્વીગોમંડળ પરિક્રમ’ તો છેક 1902માં પ્રસિદ્ધ થયું હતું, પરંતુ એ પહેલાં પણ ગુજરાતમાં કેટલાક મુસલમાન તથા પારસી લેખકોનાં પ્રવાસવર્ણનોનાં પુસ્તકો જોવા મળે છે. અરદેસરનાં પુસ્તકો આ બધાં પુસ્તકો કરતાં પહેલાં લખાયાં છે અને તેમાં ઘણી રસ પડે તેવી તત્કાલીન સમાજની માહિતીઓ જોવા મળે છે. આપણા સાહિત્યકારોએ અરદેસરજીનાં આ પ્રવાસપુસ્તકોની ભાગ્યે જ નોંધ લીધી છે.
એ કાળની પારસી કોમ જૂના રીતરિવાજોમાં ઘણી જ ચુસ્ત હતી અને અરદેસર પણ એમાં અપવાદ ન હતા. એટલે જ તેઓ પોતાની સાથે એક પારસી બાવરચી(રસોઇયા)ને પણ ઇંગ્લૅન્ડ લઈ ગયા હતા. પારસી ન હોય એવાના હાથનો રાંધેલો ખોરાક એમણે ક્યારેય ખાધો ન હતો. આ પ્રવાસમાં ચાલુ પગાર ઉપરાંત એમને દર મહિને રૂ. 300 આપવામાં આવતા હતા. આવી સગવડ અને આટલી રકમ સાચે જ બહુ મોટી વાત કહેવાય.
ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન અભ્યાસની સાથે સાથે એમણે ઘણા મહાનુભાવોની મુલાકાતો લીધી અને અનેક સંસ્થાઓના સભ્ય પણ થયા. આ બધો સમય તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વરાળયંત્રોના મુખ્ય ઇન્સ્પેક્ટર તરીકે નિમાયા હતા. પરંતુ કંપનીને મુંબઈ ખાતેના વરાળયંત્રના કારખાના માટે મુખ્ય ઇજનેર અને એન્જિનોના ઇન્સ્પેક્ટરની જરૂર જણાતાં એ અંગેની એક જાહેરખબર આપી, જેના આધારે અરદેસરજીએ એ હોદ્દા માટે અરજી કરી અને અન્ય અંગ્રેજ ઉમેદવારોની ઉપરવટ જઈને એમની નિમણૂક પણ થઈ. આમ પહેલી એપ્રિલ, 1841ના રોજ એમણે આ હોદ્દો સંભાળ્યો. આ હોદ્દાની રુએ એમના હાથ નીચે હવે સોએક જેટલા યુરોપિયનો તથા 200 જેટલા દેશી લોકો કામ કરતા હતા. આવા મહત્વના પદ પર અરદેસરજી જેવા દેશી માણસની પસંદગી – એ સૌપ્રથમ ઘટના હતી અને આરંભમાં એ અંગે ઘણો ઊહાપોહ પણ થયો હતો; પરંતુ અરદેસરજીની સુશીલ અને ન્યાયી વૃત્તિએ અને કામની નિપુણતાએ સૌનાં દિલ જીતી લીધાં હતાં. 1857ના જુલાઈની પહેલી તારીખે લગભગ પચાસ વર્ષની ઉંમરે અરદેસરે નિવૃત્તિ લીધી, ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરોની કૉર્ટે એમની જાહેરમાં મુક્ત કંઠે પ્રશંસા કરી; એટલું જ નહીં, પરંતુ આ કાળે ઘણું વધારે કહેવાય તેવું રૂ. 400નું ખાસ પેન્શન પણ બાંધી આપ્યું.
1837માં ઇંગ્લૅન્ડની રૉયલ એશિયાટિક સોસાયટીના સભ્ય અને 1840માં સોસાયટી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સ તથા બ્રિટિશ ઍસોસિયેશનના યંત્રવિભાગના સભ્ય થયા. 1850માં મુંબઈના મિકૅનિક્સ ઇન્સ્ટિટ્યૂટના તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. 1855માં તેમને ‘જે. પી.’(justice of the peace)ના પદ વડે નવાજવામાં આવ્યા. તે વખતે હિંદી નૌકાસૈન્યના મુખ્ય અધિકારીએ એમની ખૂબ પ્રશંસા કરેલી. 27 મે, 1841ના રોજ એમની સેવાઓ અને સંશોધનવૃત્તિને નવાજતું રૉયલ સોસાયટીનું સભ્યપદ એનાયત કરવામાં આવ્યું. આ સોસાયટીના પહેલાં અઢીસો વર્ષના ગાળામાં એના સભ્યોમાં, માત્ર અરદેસર એક જ ભારતીય હતા. (એ પછીનાં 77 વર્ષમાં બીજો કોઈ હિંદી ચૂંટાયો નથી. બીજા હિંદી તે શ્રીનિવાસ રામાનુજન્ આયંગર નામના પ્રખર ગણિતશાસ્ત્રી હતા, જે 1918માં ચૂંટાયા હતા.)
એમના પુત્ર રૂસ્તમજીએ ‘લવજી ફૅમિલી’ નામની એક આગબોટ બાંધી હતી. 80 ટનની આ આગબોટની બધી જ સામગ્રી એમની ફાઉન્ડરીમાં જ તૈયાર કરવામાં આવી હતી. આ આગબોટનું જલાવતરણ અરદેસરજીએ ફેબ્રુઆરી 1851માં કર્યું હતું.
તે જ વર્ષે સપ્ટેમ્બરમાં નાદુરસ્ત તબિયતને કારણે અરદેસર બીજી વાર ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાંથી અમેરિકા પણ જઈ આવ્યા. આમાં એમની મુખ્ય મુરાદ એ હતી કે નવી નવાઈની મહેનત બચાવનારી તથા સુખસગવડ વધારનારી વસ્તુઓનો અભ્યાસ કરવો અને તેમને ઘરઆંગણે લાવવી. એમની આ દૂરંદેશીભરી વિચારશ્રેણીને કારણે જ ‘ગૅસ’ની બત્તી, ‘પંપ’ વગેરે ઉપરાંત સીવવાનો સંચો, ફોટોગ્રાફી તથા ઇલેક્ટ્રૉપ્લેટિંગ જેવી શોધો અને સગવડો મુંબઈમાં પ્રથમ પ્રવેશ પામી.
વિદેશ પ્રવાસેથી તે 1852માં મુંબઈ પાછા ફર્યા, પણ 1859માં એ ત્રીજી વાર ઇંગ્લૅન્ડ ગયા. એ પછી 1861માં કરાંચીની એક કંપનીમાં તેઓ સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર નિમાયા, પણ બે વર્ષે તબિયત કથળતાં નિવૃત્તિ લઈ ફરી પાછા ઇંગ્લૅન્ડ ગયા અને રિચમંડમાં વસ્યા. આખરે ત્યાં જ 1877માં 69 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા.
આશ્ર્ચર્યની વાત એ છે કે અસાધારણ બુદ્ધિના તથા વિશિષ્ટ શક્તિના આ દેશપ્રેમી ઇજનેરની સિદ્ધિઓ બહુધા અજ્ઞાત જ રહી. એફ. આર. એસ. થનાર એ પહેલા ભારતીય હતા. એની જાણ પણ છેક 1943માં જ થઈ ! અરે, છેક 1884માં પ્રસિદ્ધ થયેલા ‘History of the Parsis’ નામના ડી. એફ. કરાકાએ લખેલા બે ભાગમાં વહેંચાયેલા દળદાર સંદર્ભ ગ્રંથમાં આ વાડિયા કુટુંબ ઉપર 17 જેટલાં પાનાંનું લખાણ છે ખરું, પરંતુ એમાં પણ ક્યાંય આ પારસી ઇજનેર અરદેસરજીનો ઉલ્લેખ સુધ્ધાં જોવા મળતો નથી ! ઇજનેર તરીકે મોટું ઐતિહાસિક મૂલ્ય-મહત્વ ધરાવતી આ વિભૂતિનું અર્વાચીન ભારતના ઘડવૈયામાં પાયાનું સ્થાન છે.
સુશ્રુત પટેલ