વાડિયા, જગદીશ કૌર (જ. 10 જૂન 1944, સિયાલકોટ, હાલ પાકિસ્તાન) : પંજાબી લેખિકા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.; રાજ્યવહીવટમાં એમ.એ.; એમ.લિટ. અને પંજાબી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી. તેમણે કપૂરથલામાં જિલ્લા ભાષા-અધિકારી તરીકે સેવાઓ આપી હતી. અત્યાર સુધીમાં તેમણે 13 ગ્રંથો આપ્યા છે. ‘સપન સવેર’ (1993); ‘શબ્દૉ દે વારિસ’ (1993) તેમના કાવ્યસંગ્રહો છે. ‘પંજાબી નવલ દા પ્રિતમ નાનકસિંગ’ (1988); ‘પંજાબી નવલ વિચ રાજનિતક અંશ’ (1981)  એ બંને તેમના વિવેચન-ગ્રંથો છે. આ ઉપરાંત તેમણે બાળસાહિત્ય પણ પ્રગટ કર્યું છે. વળી ખલિલ જિબ્રાનની કૃતિઓ તેમણે પંજાબીમાં અનૂદિત કરી છે.

તેમના આ સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1991માં વિશ્વ પંજાબી પ્રચારક કેન્દ્ર, દિલ્હી તરફથી ‘પંજાબી હીરા’ અને 1993માં પંજાબી વિકાસ સંગઠન, દિલ્હી તરફથી ‘પંજાબ રતન’ના ખિતાબો પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા