વાડકર, હંસા (જ. 1923; અ. 23 ઑગસ્ટ 1972, મુંબઈ) : હિંદી અને મરાઠી ચલચિત્રોની અગ્રણી અભિનેત્રી. જે જમાનામાં ભારતીય સ્ત્રીઓ માટે ચલચિત્રોમાં અભિનય કરવાનો વિચાર પણ સમાજને ગમતો ન હતો તે જમાનામાં આ અભિનેત્રીએ મરાઠી અને હિંદી બંને ભાષાઓનાં લગભગ સાઠ જેટલાં ચલચિત્રોમાં અભિનય કરી નામના મેળવી હતી. તેમનું મૂળ નામ રતન સાળગાંવકર હતું. ચલચિત્રોમાં દાખલ થયાં તે પહેલાં ઘણી નાની ઉંમરમાં તેમણે નાટકોમાં કામ કર્યું હતું. માત્ર અગિયાર વર્ષની વયે તેઓ ચલચિત્ર-ક્ષેત્રે દાખલ થયાં. ત્યારબાદ ઘણાં વર્ષો સુધી તેઓ માત્ર ‘હંસા’ નામથી ઓળખાયાં, જે નામ તેમણે તેમનાં દાદીમાના નામ પરથી અપનાવ્યું હતું. તેમનાં દાદીમા પોતે નર્તકી હતાં, જેમની પરંપરા આગળ ધપાવવા માટે ‘રતન’ને બદલે તેમણે ‘હંસા’ નામ પસંદ કર્યું હતું.

બાળપણમાં નૃત્ય અને સંગીત શીખ્યા બાદ તેમણે બાળકલાકાર તરીકે શાલિની સિનેટોનમાં દાખલ થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આખરે મામા વરેરકરની પટકથા ધરાવતા મરાઠી ચલચિત્ર ‘વિજયાચી લગ્ને’ ચલચિત્રમાં અભિનય કરવાની તક તેમને મળી. ત્યારબાદ કરાંચી ખાતેના ‘ગોલ્ડન ઈગલ સ્ટુડિયો’ના ‘મૉડર્ન યુથ’ નામના ચલચિત્રમાં તેમને અભિનય કરવાની તક મળી. ત્યારબાદ કેટલાંક સામાન્ય સ્તરનાં ચલચિત્રોમાં કામ કર્યા પછી દિગ્દર્શક ફ્રાન્ઝ ઑસ્ટિને તેમને ‘દુર્ગા’ ચલચિત્રમાં અભિનય કરવાની તક આપી. થોડોક સમય ‘બૉમ્બે ટૉકિઝ’ સાથે રહ્યા બાદ ત્રણ વર્ષના ગાળા (1938-41) પછી તેઓ ફરી ‘પ્રભાત’ કંપનીમાં દાખલ થયાં, જેમાં ‘સંત સખુ’, વી. શાંતારામનું ‘લોકશાહીર રામજોષી’ તથા અનંત માને-દિગ્દર્શિત ‘સાંગત્યે એકા’નો સમાવેશ થયો હતો. આ બધાં મરાઠી ભાષામાં ઉતારેલાં ચલચિત્રો વ્યવસાયી રીતે ખૂબ જ સફળ નીવડ્યાં હતાં.

અંગત જીવનમાં તેમના સંબંધોએ હંસા વાડકરને હમેશાં ચર્ચામાં રાખ્યાં હતાં, જેનો ઉલ્લેખ તેમણે નીડરતાપૂર્વક તેમની આત્મકથા ‘સાંગત્યે એકા’માં કર્યો છે. તેમની આ આત્મકથા 1966માં મરાઠી સામયિક ‘માણુસ’માં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી, જે પછી 1970માં પુસ્તક રૂપે બહાર આવી. આ આત્મકથાના આધારે જ વિખ્યાત ચલચિત્ર-દિગ્દર્શક શ્યામ બેનેગલે ‘ભૂમિકા’ નામનું ચલચિત્ર 1970માં તૈયાર કર્યું હતું, જે ખૂબ લોકપ્રિય નીવડ્યું હતું. આ ચલચિત્રમાં સ્મિતા પાટીલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

હંસા વાડકરનાં નોંધપાત્ર ચલચિત્રો : ‘કુરુક્ષેત્ર’ (1933), ‘મૉડર્ન યુથ’ (1938), ‘દુર્ગા’ (1939), ‘સંત સખુ’ (1941), ‘અપના પરાયા’ (1941), ‘રામશાસ્ત્રી’ (1944), ‘લોકશાહીર રામજોષી’ (1947), ‘સંત જનાબાઈ’ (1949), ‘પુઢચે પાઉલ’, ‘પાટલાચા પોર’ (1951), ‘મી તુળસ તુઝ્યા અંગણી’ (1955), ‘સાંગત્યે એકા’ (1959), ‘માનિની’ (1961), ‘કાયહા ચમત્કાર’ (1964), ‘હી નાર રૂપસુંદરી’ (1966) અને ‘ધર્મકન્યા’ (1968).

હરસુખ થાનકી