વાઇનાઇલ ક્લૉરાઇડ : કાર્બનિક હેલોજન સંયોજનોના સમૂહનો રંગવિહીન, જ્વલનશીલ, વિષાળુ વાયુ. તે ક્લોરોઇથિલીન અથવા ક્લોરૉઇથિન તરીકે પણ ઓળખાય છે. સૂત્ર H2C = CHCl. તે ખૂબ અગત્યનો એકલક (monomer) છે. વાઇનાઇલ પ્રકારનાં સંયોજનોમાં હેલોજન પરમાણુ અસંતૃપ્ત કાર્બન સાથે જોડાયેલો હોય છે. આ પ્રકારનાં સંયોજનો તેમનામાંના કાર્બન-હેલોજન બંધના સ્થાયિત્વ માટે નોંધપાત્ર છે.

ઇથિલીનના ડાઇક્લૉરાઇડમાંથી હાઇડ્રોજનક્લોરાઇડ(HCl)નો અણુ દૂર કરીને તે બનાવી શકાય છે, પરંતુ તે ઝડપથી બહુલીકરણ (polymerisation) પામે છે.

એસિટિલીન ઉપર હાઇડ્રોજન ક્લૉરાઇડની પ્રક્રિયા દ્વારા તથા ઇથેનનું ઊંચા તાપમાને ક્લોરિનીકરણ (chlorination) કરવાથી પણ તે મળે છે.

વાઇનાઇલ ક્લોરાઇડ પાણીમાં સાધારણ દ્રાવ્ય પણ આલ્કોહૉલ અને ઈથરમાં દ્રાવ્ય છે. તેનું સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે છે. તે ઈથર જેવી વાસવાળો પદાર્થ છે. તેની વિ. ઘ. 0.9121, ગ. બિં. – 153.8o સે., ઉ. બિં.  13.9 o સે. છે. હવા સાથેનું તેનું મિશ્રણ સ્ફોટક છે. સામાન્યત: પ્રવાહી તરીકે તે વપરાય છે. તેનું બહુલીકરણ થતું રોકવા તેમાં નિરોધક (inhibitor) તરીકે ફીનૉલ ઉમેરવામાં આવે છે. લાંબો સમય તેના સંપર્કમાં રહેવાથી કૅન્સર થઈ શકે છે.

ઉદ્યોગમાં બહુલકીય (polymeric) પદાર્થો (દા.ત., પ્લાસ્ટિક, સંશ્લેષિત રેસાઓ વગેરે) બનાવવા માટેના એકલક તરીકે તે બહોળા પ્રમાણમાં વપરાય છે. તેનો ઉપયોગ પૉલિવિનાઇલ ક્લોરાઇડ તથા સહબહુલકો (copolymers) બનાવવા, કાર્બનિક સંશ્લેષણમાં તેમજ પ્લાસ્ટિક માટેના આસંજકો બનાવવામાં પણ થાય છે.

જ. પો. ત્રિવેદી