વાઈનલૅન્ડ, ડેવિડ જે. (Wineland, David J.) (જ. 24 ફેબ્રુઆરી 1944, મિલ્વૉકી, વિસ્કોન્સિન, યુ.એસ.એ.) : ક્વૉન્ટમ પ્રણાલીના વ્યક્તિગત રીતે માપન અને નિયંત્રણ માટે અભૂતપૂર્વ પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવવા માટે 2012નો ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે ડેવિડ જે. વાઈનલૅન્ડ અને સર્જ હરોચને પ્રાપ્ત થયો હતો.

ડેવિડ જે. વાઈનલૅન્ડ

વાઈનલૅન્ડે 1961માં સેક્રેમેન્ટો, કૅલિફૉર્નિયાની એન્સિના હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1965માં તેઓએ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1970માં હાર્વડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતક તથા પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. પીએચ.ડી. માટે નોર્મન ફૉસ્ટર રામ્સી તેમના માર્ગદર્શક હતા. થોડો સમય યુનિવર્સિટી ઑવ્ વૉશિન્ગટનમાં સંશોધનો હાથ ધર્યાં બાદ 1975માં તેઓ નૅશનલ બ્યુરો ઑવ્ સ્ટાન્ડર્ડ્સમાં જોડાયા, જ્યાં તેમણે આયન સ્ટોરેજ જૂથની શરૂઆત કરી. 2018માં તેઓ યુનિવર્સિટી ઑવ્ ઓરેગનના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં જોડાયા જ્યાં તેઓ નાઈટ સંશોધન પ્રાધ્યાપક (Knight Research Professor) તરીકે કાર્યરત છે. તેમણે ક્વૉન્ટમ પ્રકાશિકી અને સ્પેક્ટ્રોમિતીમાં મહત્વનાં સંશોધનો કર્યાં છે. 2005માં તેમણે ઍલ્યુમિનિયમ આયનના ઉપયોગ વડે ચોકસાઈયુક્ત પરમાણુ ઘડિયાળની રચના કરી.

વાઈનલૅન્ડ અમેરિકન ફિઝિકલ સોસાયટી તથા અમેરિકન ઑપ્ટિકલ સોસાયટીમાં ફેલો તરીકે ચૂંટાયા છે. નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝમાં પણ તેઓ સભ્યપદે ચૂંટાયા છે. 1990માં તેમને ડેવિસન–ગર્મર પુરસ્કાર પ્રાપ્ત થયો. 1996માં તેમને લેસર વિજ્ઞાન માટેનો આઇન્સ્ટાઇન પુરસ્કાર પ્રાપ્ત થયો. 1998માં તેમને રાબી પુરસ્કાર તથા 2010માં બેન્જામિન ફ્રેન્કલિન ચંદ્રક એનાયત થયા. 2014માં તેમને ગોલ્ડન પ્લેટ પુરસ્કાર, અમેરિકન એકૅડેમી ઑવ્ અચિવમેન્ટ તરફથી આપવામાં આવ્યો.

પૂરવી ઝવેરી