વાઇનાઇલીડીન ક્લોરાઇડ (1, 1-ડાઇક્લોરોઇથિલીન) : રંગવિહીન, ઘટ્ટ (dense), બાષ્પશીલ, જ્વલનશીલ, હૅલોજનયુક્ત કાર્બનિક સંયોજન. સૂત્ર H2C = CCl2. તે સહબહુલકો બનાવવા માટે વપરાતું નીચા ઉત્કલનબિંદુવાળું (37o સે.) પ્રવાહી છે. 1-1,2ટ્રાઇક્લોરોઇથેન ઉપર આલ્કલીની પ્રક્રિયા દ્વારા અથવા તેના ઉષ્મીય વિઘટનથી મેળવાય છે.

ખૂબ  સહેલાઈથી બહુલીકરણ પામતું પ્રવાહી હોવાથી તેનો મુખ્ય ઉપયોગ સહબહુલકો બનાવવામાં થાય છે. આથી બજારમાં મળતા વાઇનાઇલીડીન ક્લોરાઇડમાં થોડા પ્રમાણમાં નિરોધક ઉમેરવામાં આવેલો હોય છે.

તે પાણીમાં અદ્રાવ્ય અને જલદીથી સળગી ઊઠે તેવું છે. આથી  તેના સંગ્રહ દરમિયાન આગ લાગવાનું જોખમ રહે છે. હવામાં તેનું પ્રમાણ 6-11.5 %થી વધુ હોય તો તે ધડાકો કરે છે. વળી સૂંઘવામાં આવતાં તે  વિષાળુ અસર કરે છે.

વાઇનાઇલ ક્લોરાઇડ અથવા એક્રિલોનાઇટ્રાઇલમાંથી વિવિધ બહુલકો બનાવવા માટે તેનું સહબહુલીકરણ કરવામાં આવે છે. અન્ય સહબહુલકો પણ હવે બનાવી શકાયાં છે. આસંજક તરીકે તેમજ સંશ્લેષિત રેસાઓના ઘટક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રિક મશીનરી સાફ કરવા માટે ઉપયોગી દ્રાવક એવો 1,1,1-ટ્રાઇક્લોરોઇથીન બનાવવા માટે પણ તે વપરાય છે.

જ. પો. ત્રિવેદી