વસુબંધુ : બૌદ્ધ ધર્મના મહત્ત્વના વિદ્વાન. તેઓ ગાંધાર(હાલના પેશાવરનો ભાગ)માં જન્મ્યા હોવાની માન્યતા છે. અહીં ચીનના વિદ્વાન યુઅન-શ્વાંગે વસુબંધુના મૃત્યુના ઉલ્લેખવાળી તકતી જોઈ હતી. તેથી વસુબંધુનો સમય સાતમી સદીનો ગણવામાં આવે છે. તેમનો સમય 280-360નો પણ માનવામાં આવે છે (ભટ્ટાચાર્ય બી., ધી ઇન્ડિયન બુદ્ધિસ્ટ આઇકોનોગ્રાફી, પૃ. 12). જોકે આ સમયગાળો સ્વીકાર્ય નથી. તેમના ભાઈ આસંગ હતા. વસુબંધુ સર્વાસ્તિવાદ સંપ્રદાયના પ્રથમ વૈભાષિક તત્ત્વજ્ઞાની હતા. પરંતુ પછીથી તેઓ તેમના ભાઈ આસંગ દ્વારા પરાજિત થયા બાદ મહાયાન સંપ્રદાયની યોગાચાર શાખામાં ભળ્યા હતા. વૈભાષિક સાથેના સંબંધને કારણે શાસ્ત્રનિષ્ણાત મનોરથ(આશરે ઈ. સ. 500)ના તેઓ મિત્ર બન્યા હતા. અન્ય વૈભાષિક વિદ્વાન સંગભદ્ર(લગભગ 489)ના સમકાલીન હતા. આથી વસુબંધુનો સમય પાંચમી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. વસુબંધુ બુદ્ધમિત્રના શિષ્ય હતા અને ગુપ્તવંશના બાલાદિત્યના આશ્રિત હતા. વસુબંધુ મહાન વિદ્વાન અને લેખક હતા. યોગાચારમાં સામેલ થયા બાદ વિજ્ઞાનવાદના ક્ષેત્રે તેમણે ઘણું પ્રદાન કર્યું, જેમાં ‘વિજ્ઞાપ્તિમાત્રતા સિદ્ધિ’ મહત્ત્વની રચના છે. વિજ્ઞાનવાદના તત્ત્વજ્ઞાનને તેઓ જે રીતે સમજ્યા છે તેની માહિતી તેમણે ‘વિશંતિકા’ અને ‘ત્રિશિંકા’ કારિકામાં જણાવી છે. તેઓ માત્ર ટીકાકાર અને તત્ત્વજ્ઞાની જ નહિ, પરંતુ તર્કશાસ્ત્રી પણ હતા. તેમના સમયમાં તર્કશાસ્ત્રને વાદના વિજ્ઞાનના એક ભાગ તરીકે સમાવવામાં આવ્યું. આથી તર્કશાસ્ત્ર વિશે તેમણે જે કંઈ ગ્રંથો લખ્યા તેમાં ‘વાદ’ શબ્દ જોડવામાં આવ્યો; જેમ કે, વાદહૃદય, વાદવિધિ, વાદવિધાન વગેરે. ચીની ભાષામાં તેમના જે ગ્રંથો અનુવાદિત થયા તે રોન્કિ રોન્શિકિ અને રોન્શિ છે. નાલંદા વિદ્યાપીઠમાં માનવંતા મઠાધિપતિ તરીકે તેમણે લાંબી સેવા આપી હતી. તેમના શિષ્યસમુદાયમાં ગુણમતિ, સ્થિરમતિ, દિઙ્નાગ, સંઘદાસ, ધર્મદાસ, ધર્મપાલ અને વિમુક્તસેનનો સમાવેશ થાય છે.
થૉમસ પરમાર