વસુમિત્ર : મગધના શૂંગ વંશના સમ્રાટ પુષ્યમિત્રનો પૌત્ર તથા અગ્નિમિત્રનો પુત્ર. કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકમાં જણાવ્યા મુજબ પુષ્યમિત્રે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે ઘોડાના રક્ષણ વાસ્તે મોકલવામાં આવેલ લશ્કરનો સેનાપતિ વસુમિત્ર હતો. યજ્ઞના આ ઘોડાને યવનોએ અટકાવ્યો. તેથી સિંધુ નદીના દક્ષિણ કાંઠે થયેલી લડાઈમાં વસુમિત્રે યવનોને પરાજય આપ્યો અને યજ્ઞનો ઘોડો સલામતીપૂર્વક લાવવામાં આવ્યો. આ યવન સેના રાજા મિનેન્દરની હોવાનો સંભવ છે. આ બનાવ પુષ્યમિત્રના રાજ્યકાલ(લગભગ ઈ. પૂ. 185-149)ના અંતભાગમાં બન્યો હોવાનું જણાય છે.

જયકુમાર ર. શુક્લ