વસુનન્દિશ્રાવકાચાર

January, 2005

વસુનન્દિશ્રાવકાચાર : જૈન ધર્મના ઉપાસકના આચાર વિશેનો ગ્રંથ. શ્રાવક એટલે જૈન ગૃહસ્થ, જૈન ઉપાસક. શ્રાવકાચાર એટલે જૈન ગૃહસ્થનો આચારધર્મ. વસુનન્દિએ (ઈ. સ. 1100 લગભગ) આ વિષય ઉપર રચેલી કૃતિનું નામ છે ‘વસુનન્દિશ્રાવકાચાર’. તેને ‘ઉપાસકાધ્યયન’ પણ કહેવામાં આવે છે. તે 546 પ્રાકૃત ગાથાઓમાં નિબદ્ધ છે. તેમાં અગિયાર પ્રતિમાઓના આધારે શ્રાવકધર્મનું નિરૂપણ છે. પ્રતિમાનો અર્થ છે પ્રતિજ્ઞાવિશેષ, નિયમવિશેષ, વ્રતવિશેષ. અગિયાર પ્રતિમાઓ આ પ્રમાણે છે : (1) દર્શનપ્રતિમા – દર્શન એટલે સમ્યગદૃદૃષ્ટિ, સમ્યક્ શ્રદ્ધા. આની સાથે આ ભૂમિકામાં સાત વ્યસનોનો ત્યાગ અને રાત્રિભોજનત્યાગ પણ જણાવ્યો છે. સાત વ્યસનો છે  દ્યૂત, મદ્ય, માંસ, વેશ્યા, મૃગયા, ચૌર્ય અને પરદારગમન. (2) વ્રતપ્રતિમા – ગૃહસ્થના બાર વ્રતોનું નિરૂપણ; (3) સામાયિકપ્રતિમા. (4) પૌષધોપવાસ પ્રતિમા; (5) સચિત્તત્યાગ પ્રતિમા – સ્થાવર જીવો સંબંધી હિંસાવૃત્તિને વિશેષ રૂપે નિયંત્રિત કરવા લીલાં શાકભાજી, ફળ, કંદમૂળ તથા ઉકાળ્યા વિનાના પાણીનો ત્યાગ; (6) દિવામૈથુનત્યાગ; (7) બ્રહ્મચર્ય; (8) આરંભત્યાગ – ઘરગૃહસ્થી સંબંધી કામધંધામાંથી મન વાળી લેવું અને તેનો ભાર પુત્રાદિને આપી દેવો; (9) પરિગ્રહ-ત્યાગ; (10) અનુમતિત્યાગ – પુત્રાદિને કામધંધા સંબંધી અનુમતિ કે સલાહસૂચન આપવાનું છોડી દેવું; (11) ઉદ્દિષ્ટત્યાગ – પોતાના માટે બનાવેલા ભોજનનો ત્યાગ. ભિક્ષાવૃત્તિનો સ્વીકાર. આ પ્રતિમાના બે ભેદનો નિર્દેશ. પ્રતિમાઓના નિરૂપણ પછી વસુનન્દિએ વિનય, વૈયાવૃત્ત્ય, પૂજા અને ધ્યાન વિશે પણ વાત કરી છે. કૃતિના અંતે મુનિજીવનની પ્રશંસા કરી છે.

કૃતિની પ્રશસ્તિમાં કર્તાએ પોતાની ગુરુપરંપરા આ પ્રમાણે આપી છે : કુંદકુંદામ્નાયમાં ક્રમશ: શ્રીનંદિ, નયનંદિ, નેમિચન્દ્ર અને વસુનન્દિ થયા. તેમણે એ પણ કહ્યું છે કે : મેં મારા ગુરુ નેમિચન્દ્રના પ્રસાદથી આ આચાર્યપરંપરાગત ઉપાસકાધ્યયનને વાત્સલ્ય અને આદરભાવથી ભવ્ય જીવો માટે રચ્યું છે. ગ્રંથના પ્રારંભે તેમણે એ પણ કહ્યું છે કે વિપુલાચલ પર્વત ઉપર ઇન્દ્રભૂતિએ શ્રેણિકને જે ઉપદેશ આપ્યો હતો તેને જ ગુરુપરિપાટીથી કહેનાર આ ગ્રંથને સાંભળો. આ પ્રસંગમાં એ વાત ધ્યાનાર્હ છે કે સાતમા અંગ આગમ ‘ઉપાસકદશા’- (‘ઉવાસગદસાઓ’)માં આપણને શ્રાવકની આ જ અગિયાર પ્રતિમાઓનું પ્રરૂપણ મળે છે. ભેદ એટલો જ છે કે ત્યાં આ વિષય આનંદ શ્રાવકના કથાનક અંતર્ગત આવ્યો છે; જ્યારે અહીં તે સ્વતંત્રપણે નિરૂપાયો છે. પ્રસ્તુત કૃતિમાંની 295-301 ગાથાઓ ‘શ્રાવકપ્રતિક્રમણસૂત્ર’માં જેમની તેમ મળે છે. આ કૃતિની અનેક ગાથાઓ દેવસેનકૃત (વિ. સં. 990) ‘ભાવસંગ્રહ’ના આધારે રચાઈ લાગે છે.

નગીન જી. શાહ