વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ)

January, 2005

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) : જૈન ધર્મનું મહાવીર વિશેનું એક પુરાણ. વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) એક પૌરાણિક મહાકાવ્ય છે. તેમાં પુરાણ-પુરુષ મહાવીરના ચરિતનું આલેખન થયું છે. મહત્વનાં જૈન પુરાણોમાં તેની ગણના થાય છે. આ પુરાણો-મહાકાવ્યોમાં અનેક ચમત્કારો અને અલૌકિક તેમજ અતિપ્રાકૃતિક ઘટનાઓની સાથે સાથે ધાર્મિક, દાર્શનિક, સૈદ્ધાન્તિક તેમજ આચારવિષયક માન્યતાઓ તથા ધર્મોપદેશ આદિનો સમાવેશ થાય છે. પ્રાચીન કાળથી જ ભગવાન મહાવીરનું પાવન ચરિત કવિઓ માટે એક સરસ લોકપ્રિય વિષય રહ્યો છે. આચારાંગ વગેરે અર્ધમાગધી આગમગ્રંથોને આધારે શ્ર્વેતાંબર કવિઓએ અને ‘તિલોયપણ્ણત્તિ’ આદિ શૌરસેની આગમોને આધારે દિગંબર કવિઓએ સમયે સમયે વિવિધ ભાષાઓમાં મહાવીરચરિતની રચનાઓ કરી છે. વર્ધમાનચરિત એ વિબુધ શ્રીધરે રચેલું અપભ્રંશ મહાકાવ્ય કે પુરાણ છે.

વિબુધ શ્રીધરના સર્વાંગી જીવન વિશેની માહિતી મેળવવા પૂરતી સામગ્રી ઉપલબ્ધ નથી. ‘ચંદપ્પહચરિઉ’, ‘પાસણાહચરિઉ’, ‘સંતિજિણેસરચરિઉ’, ‘વડ્ઢમાણચરિઉ’, ‘સુકુમાલચરિઉ’, ‘ભવિસયત્તકહા’ – આ છ અપભ્રંશ કૃતિઓ તથા ‘ભવિષ્યદત્ત પંચમી કથા’, ‘વિશ્વલોચન કોષ’ તથા ‘શ્રુતાવતાર કથા’ – આ ત્રણ સંસ્કૃત કૃતિઓ વિબુધ શ્રીધરના નામે ચઢેલી છે. કવિએ પોતાની રચનાઓની આદિ અને અન્ત્ય પ્રશસ્તિમાં માત્ર એટલી જ માહિતી આપી છે કે તે ગોલ્હ અને વિલ્હા(પિતા-માતા)ના પુત્ર હતા. તેમણે વોદાઉવ નિવાસી જાયસ (જયસ્વાલ) કુળના નરવર અને સોમઈ(સુમતિ)ના પુત્ર નેમિચન્દ્ર(પત્ની વીવા)ની પ્રેરણાથી અસુહર ગામે રહીને વર્ધમાનચરિતની 1134માં જેઠ માસની સુદ પાંચમે રવિવારે રચના પૂરી કરી હતી.

વર્ધમાનચરિતમાં 24 તીર્થંકરોની સ્તુતિ તથા કવિના આશ્રયદાતા સાહુ નેમિચંદ્રની પ્રશસ્તિ પછી કથાવસ્તુનો પ્રારંભ થયો છે. કવિએ 10 સંધિઓમાં વર્ધમાનચરિતનું સાંગોપાંગ વર્ણન કર્યું છે. આ ગ્રંથની મૂળ કથા અત્યન્ત સંક્ષિપ્ત છે. તે પ્રમાણે કુંડલનરેશ રાજા સિદ્ધાર્થને ત્યાં શ્રાવણ સુદ છઠ્ઠને દિવસે વર્ધમાનનો ભારે સમારોહ સાથે ગર્ભ-કલ્યાણક ઊજવાયો. ચૈત્ર સુદ તેરસે તેમનો જન્મ થયો. દીક્ષા લીધા પછી વૈશાખ સુદ દસમીએ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કારતક વદ અમાસને દિવસે પાવાપુરીમાં તેઓ મોક્ષ પામ્યા. વર્ધમાનચરિતની મૂળ કથાનો વસ્તુત: નવમી સંધિથી પ્રારંભ થાય છે અને દસમી સંધિમાં તેમને નિર્વાણ પ્રાપ્ત થાય છે. બાકીની પ્રથમ આઠ સંધિઓમાં નાયકના ભવાંતરોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત વર્ધમાનચરિતની કથાનો મૂળ સ્રોત આચાર્ય ગુણભદ્રકૃત ઉત્તરપુરાણના 74મા પર્વમાં ગ્રથિત મહાવીરચરિત્ર તેમજ મહાકવિ અસંગકૃત વર્ધમાનચરિત્ર છે. જોકે શ્રીધરે આ આધારગ્રંથોનો ઉલ્લેખ નથી કર્યો, પણ તુલનાત્મક અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે તેમણે આ બંને વર્ધમાન ચરિત્રોમાંથી મૂળ કથાનક લીધું છે. બ્યાવર, ઝાલરા પાટણ અને દૂણીના જૈન શાસ્ત્રભંડારોમાંથી પ્રાપ્ત ત્રણ હસ્તપ્રતોને આધારે ડૉ. રાજારામ જૈને આનું સંપાદન કર્યું છે અને ઈ. સ. 1975માં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા તેનું પ્રકાશન થયું છે.

વર્ધમાનચરિતના અધ્યયન પરથી જાણી શકાય છે કે તેમણે મહાકવિ કાલિદાસ, ભારવિ, હરિશ્ર્ચન્દ્ર, વીરનંદિ અને અસંગ આદિ કવિઓના ગ્રંથોનું અધ્યયન કરવા ઉપરાંત એમના કેટલાક અંશો પણ ગ્રહણ કર્યા છે. નગર, વન, નદી, પર્વત, સંધ્યા, ચન્દ્રોદય, રાત્રિ, અંધકાર, પ્રભાત, સૂર્ય આદિનું સુંદર વર્ણન છે. મુખ્ય રસ શાન્તરસ છે. શૃંગાર, વીર, ભયાનક, રૌદ્ર આદિ ગૌણ રસ છે. પજ્ઝટિકા, અડિલ્લા, ધત્તા, દુવઈ, મલયવિલસિમા, ચામર, ચન્દ્રાનન, રડ્ડા આદિ વિવિધ અપભ્રંશ છન્દોનો પ્રયોગ કર્યો છે.

શબ્દાલંકારો તો અપભ્રંશ-ભાષાની આગવી વિશેષતા છે. કવિએ અનેક સ્થળે અનુપ્રાસનું સુંદર આયોજન કર્યું છે. તેમણે રસાનુભૂતિમાં સહાયક થાય તેવી રીતે યમક, શ્લેષ, ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, ભ્રાન્તિમાન્, અતિશયોક્તિ, દૃષ્ટાન્ત, વિભાવના, અર્થાન્તરન્યાસ, સ્વભાવોક્તિ આદિ અલંકારોનો પ્રયોગ કર્યો છે.

વિબુધ શ્રીધર મુખ્યત્વે અપભ્રંશ કવિ છે, પણ તેમણે પોતાની પ્રાય: બધી કૃતિઓની પ્રશસ્તિમાં આશ્રયદાતાને આશીર્વાદ રૂપે સંસ્કૃત શ્લોક પણ આપ્યા છે. વર્ધમાનચરિતમાં આવા નવ શ્લોક છે; જે માલિની, વસન્તતિલકા, ઉપેન્દ્રવજ્રા આદિ છંદમાં છે. શ્લોકોની ભાષા, છન્દોવૈવિધ્ય આદિ જોતાં એ સ્પષ્ટ થાય છે કે કવિ સંસ્કૃતના સારા જ્ઞાતા હતા.

કાનજીભાઈ પટેલ