વરદરાજન્, એમ. (જ. 1912, વેલમ, તા. તિરુપટ્ટુર, તામિલનાડુ; અ. 1974) : તમિળ લેખક. કૌટુંબિક સંજોગોને કારણે ક્લાર્કની નોકરી સ્વીકારી. ‘તમિળ વિદ્વાન’નો અભ્યાસ પાસ કરી પ્રથમ ક્રમ તથા તિરુપનાન્દલ મટ્ટ ઍવૉર્ડ મેળવ્યા. એમ.ઓ.એલ.ની ડિગ્રી મેળવી પછૈયાપ્પા કૉલેજ, ચેન્નાઈ ખાતે તમિળના પ્રાધ્યાપક નિમાયા. ત્યાં 1939થી ’61 સુધી કામ કર્યું. પછી ચેન્નાઈ યુનિવર્સિટી ખાતે તમિળના પ્રાધ્યાપક અને છેલ્લે મદુરાઈ કામરાજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા.

મૂળભૂત રીતે તેઓ તમિળ ભાષાના વિદ્વાન હતા. તેમનાં રસ-રુચિ અનેક રીતે વૈવિધ્યપૂર્ણ અને વિશાળ હતાં, તેમની ભાષાશૈલી ભાષાશાસ્ત્ર, પ્રાચીન તમિળ સાહિત્ય અને સાહિત્યિક વિવેચના જેવા વિષયોમાં પણ સરળ, સુગમ અને પ્રવાહી રહેતી. તેમણે સંખ્યાબંધ કૃતિઓ આપી છે. તેમણે અનેક પ્રશિષ્ટ-પ્રાચીન ગ્રંથોને લોકભોગ્ય બનાવ્યા છે. ગાંધીજી, ટાગોર, બર્નાર્ડ શૉ જેવા મહાપુરુષો વિશે સંક્ષિપ્ત જીવનકથા પણ લખી છે. તેમણે સમકાલીન તામિલ જીવન અને સંસ્કૃતિમાં ઊંડો રસ લઈને અનેક કૃતિઓ રચી છે. એ રીતે તેઓ તામિલ પ્રજાની યુવાપેઢીમાં લોકપ્રિય પ્રતિભા બની શક્યા છે. કથા-સાહિત્ય વિશેનું તેમનું પ્રભુત્વ, તેમની આયાસરહિત સુગમ ગદ્ય-શૈલી અને વિદ્યાજગતની તેમની પ્રતિષ્ઠાને પરિણામે તેમનાં લખાણો તથા પ્રવચનોનું વિદ્યાર્થીજગતમાં ઘેલું લાગ્યું હતું અને તેઓ અનેકોના આરાધ્ય બની રહ્યા હતા.

તેમના વિપુલ સાહિત્યમાં 13 નવલકથાઓ, 2 વાર્તાસંગ્રહો, 6 નાટકો, 11 નિબંધસંગ્રહો, કેન્દ્રીય સાહિત્ય અકાદમી માટે અંગ્રેજીમાં તૈયાર કરેલ તમિળ સાહિત્યનો ઇતિહાસ, 4 જીવનકથાઓ અને વિવેચન તથા ભાષાવિજ્ઞાનની અનેક કૃતિઓનો સમાવેશ થાય છે. તેમની કૃતિઓને અનેક પુરસ્કાર મળેલા છે. તેમાં તેમની નવલકથા ‘અગલ વિલાક્કુ’ (અર્થન લૅમ્પ) (1958)ને મળેલ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1961ના વર્ષના પુરસ્કારનો સમાવેશ થાય છે.

સાંપ્રત સાહિત્યસર્જનનો અસ્વીકાર કે તેની અવગણના કરનાર વિદ્યાજગત તથા પ્રશિષ્ટ તમિળ સાહિત્યથી ઓછેવત્તે અંશે વિમુખ રહેલ સમકાલીન સાહિત્ય-જગત વચ્ચે હેતુલક્ષી સેતુ રચવાનો સૌપ્રથમ ખંતીલો પુરુષાર્થ તેમણે કર્યો, જે તમિળ સાહિત્યને તેમના મહત્વના યોગદાનરૂપ છે.

મહેશ ચોકસી