વરતમાન : ગુજરાતનું આદિ વર્તમાનપત્ર. પ્રારંભ 4-4-1849 અથવા 2-5-1849. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક અને ગુજરાતી ભાષાની મોટી સેવા કરનાર ઍલેક્ઝાન્ડર ફૉર્બ્સના પ્રયાસોથી શરૂ થયેલા ગુજરાતના આ સૌપ્રથમ સમાચારપત્ર ‘વરતમાન’(વર્તમાન)નો એક પણ અંક આજે ઉપલબ્ધ નહિ હોવાથી તેને લગતી પૂરતી માહિતી મળતી નથી, અને તેથી જ તેનો પ્રારંભ ચોક્કસ કયા દિવસે થયો તે વિશે અલગ અલગ તારીખો ઉપલબ્ધ છે; જેમ કે, મગનલાલ વખતચંદ નામના એક વિદ્યાભ્યાસુએ 1851ની સાલમાં ‘અમદાવાદનો ઇતિહાસ’ નામે એક પુસ્તક પ્રકટ કર્યું હતું, તેમાં ઉલ્લેખ છે કે ‘વરતમાન’નો પ્રારંભ બીજી મે 1849માં થયો હતો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ’માં પણ ‘વરતમાન’ વિશેની છૂટીછવાઈ માહિતી ઉપલબ્ધ છે. ઓગણીસમી સદીના પાંચમા દાયકામાં ‘વરતમાન’ સમાચારપત્ર છપાવાનું શરૂ થયું ત્યારે હાલના કરતાં પરિસ્થિતિ ઘણી જુદી હતી. દેખીતી રીતે સાક્ષરતાનું પ્રમાણ નહિવત્ હોવાથી લોકોમાં વાચનનું પ્રમાણ પણ ઓછું જ હતું. આ બાબતે ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ લખનાર ડૉ. રતન માર્શલ નોંધે છે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના એ દિશામાં કદમ ભરવાના સાહસનું શ્રેય ગુજરાતના હિતચિંતક ઍલેક્ઝાન્ડર ફૉર્બ્સને ફાળે જાય છે.

‘વરતમાન’ વિશે ‘અમદાવાદનો ઇતિહાસ’ પુસ્તક ઉપરાંત કવિ ન્હાનાલાલ દલપતરામે પણ નોંધ લીધી છે. તેમના જણાવ્યા મુજબ આ સમાચારપત્રનો પ્રારંભ ચોથી એપ્રિલ 1849ના રોજ થયો હતો. જોકે આના પરથી એટલું તો સાબિત થાય જ છે કે ગુજરાતનું આ પ્રથમ સમાચારપત્ર ઓગણીસમી સદીના પાંચમા દાયકામાં પ્રકટ થતું હતું. તેનું છાપકામ લિથો પ્રેસમાં (શિલા છાપખાનું) થતું. આ પત્ર બુધવારે છપાતું હોવાથી તે ‘બુધવારિયું’ તરીકે પણ ઓળખાતું. પત્રનું સંચાલન તંત્રીને સોંપાયું હતું, પરંતુ તેનું વહીવટી સંચાલન તેમજ નીતિ નક્કી કરવાની જવાબદારી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રીની હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના કારકુન અમરેશ્વર કુબેરદાસને તંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને ભોગીલાલ ભોલાનાથ તથા છોટમલાલ તેમાં લખતા તેવું કવિ ન્હાનાલાલે ‘વરતમાન’ વિશે ‘કવીશ્વર દલપતરામ’ પુસ્તકમાં લખ્યું છે. ફૉર્બ્સ પણ લખતા, પરંતુ એક ફોજદારી કેસનો અહેવાલ છપાતાં નારાજ થયેલી તત્કાલીન સરકારે સરકારી અમલદારો પર આવાં જાહેરપત્રોમાં લખવા પર પ્રતિબંધ મૂકતાં ઍલેક્ઝાન્ડર ફૉર્બ્સે ‘વરતમાન’માં લખવાનું બંધ કરવું પડ્યું હતું.

અમદાવાદ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રકટ કરેલા તળગુજરાતના સૌ પહેલાં ગુજરાતી વર્તમાનપત્રનું જૂનામાં જુનું અસ્તિત્વ ધરાવતું ખાતું

છ રૂપિયાનું વાર્ષિક લવાજમ ધરાવતા આ સમાચારપત્રના એ જમાનામાં 125 જેટલા ગ્રાહક હતા અને અમદાવાદી પ્રજાને વાંચતા કરવામાં આ પત્રનું નોંધપાત્ર યોગદાન  હતું.

અલકેશ પટેલ