ઈરાન

ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ પશ્ચિમ એશિયાનો સૌથી મોટો દેશ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો મોટો જથ્થો ધરાવતો આ દેશ વ્યૂહાત્મક ર્દષ્ટિએ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તે 25o ઉ. અ. અને 39o 30´ ઉ. અ. અને 44o પૂ.રે. તથા 63o પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 16,48,000 ચો.કિમી. અને વસ્તી 7,50,78,000 (2010) છે. વાયવ્યથી નૈર્ઋત્ય સુધીની પહોળાઈ 1920 કિમી. છે. ઉત્તરમાં કાસ્પિયન સમુદ્ર ઉપરાંત રશિયાની સાથે ઈરાનને લાંબી સરહદ છે. દક્ષિણમાં 3,180 કિમી. જેટલો લાંબો દરિયાકિનારો છે, જેમાં ઈરાની અખાત, હોરમુઝની સામુદ્રધુની તેમજ અમાનના અખાતનો સમાવેશ થાય છે. ઈરાનની પશ્ચિમે તુર્કસ્તાન તથા ઇરાક અને પૂર્વમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન આવેલાં છે.

‘ઈરાન’ શબ્દનો અર્થ ‘આર્યોની ભૂમિ’ થાય છે. આ દેશનો એક પ્રાંત ફાર્સ છે. તેના ઉપરથી ‘ફારસ’ અને ‘ફારસી’ શબ્દો બન્યા છે. પર્શિયા તરીકે તે હાલ ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં તેનું ‘પારસ’ દેશ નામ મળે છે. તેના વતની પારસીઓ હતા.

ભૌગોલિક દૃષ્ટિએ ઈરાન એક વિશાળ ઉચ્ચ પ્રદેશ છે અને તેની સરેરાશ ઊંચાઈ 1,220 મીટર છે. તેની ચારેય બાજુ પર્વતોની હારમાળા આવેલી છે. ઉત્તરમાં એલ્બુર્ઝ, પશ્ચિમે ઝાગ્રોસ અને દક્ષિણે મકરાણ પર્વતમાળાઓ છે. એલ્બુર્ઝનું સૌથી ઊંચું શિખર 5,604 મી. ઊંચું છે. કાસ્પિયન સમુદ્ર અને ગિરિમાળા વચ્ચેનું સાંકડું ફળદ્રૂપ મેદાન છે. ઇરાકને સ્પર્શતા યુફ્રેટિસ-ટાઇગ્રિસના મેદાનનો થોડો ભાગ ઈરાનમાં આવેલો છે. ઈરાની અખાતના પૂર્વ કિનારાનું વેરાન મેદાન 914.40 મીટર ઊંચું છે. ટેકરીઓની ખીણ અને તળેટીની જમીન ફળદ્રૂપ છે. 2,60,000 ચોકિમી. જેટલો ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર રણપ્રદેશ છે. વસવાટ માટે અયોગ્ય પ્રદેશનું પ્રમાણ કુલ વિસ્તારના 50 ટકાથી વધુ છે. દસ્ત-ઇ-ક્વીરનો રણપ્રદેશ વણખેડાયેલો છે. રણમાં રેતી ઉપરાંત છૂટા પથ્થરો જોવા મળે છે. તેની કેટલીક જમીન ખારાશવાળી છે. આ દેશ ભૂકંપ-પટ્ટામાં આવેલો હોવાથી ત્યાં અવારનવાર ભૂકંપ થતા રહે છે.

પર્વતોથી ઘેરાયેલા આ પ્રદેશની આબોહવા વિષમ છે. ઉનાળામાં સરેરાશ તાપમાન 27oથી 32o સે. રહે છે; પણ કેટલાક વિસ્તારમાં આ તાપમાન 50o સે. જેટલું થાય છે. રાત્રિના તાપમાનમાં 11oથી 17o સે. જેટલો ઘટાડો થાય છે. શિયાળો પણ સખત હોય છે. ઉત્તર ઈરાનમાં શિયાળામાં કાસ્પિયન સમુદ્રના કાંઠા સિવાય અન્યત્ર બરફ પડે છે. શિયાળાનું તાપમાન સરેરાશ 11oથી 14o સે. રહે છે, પણ ઉચ્ચ પ્રદેશમાં પારો શૂન્ય અંશ સે. કરતાં પણ નીચો જાય છે. તહેરાન, ટેબ્રીઝ, શીરાઝ અને જાસ્કનું શિયાળાનું તાપમાન અનુક્રમે 2o સે.8o સે. 9o સે. અને 19o સે. રહે છે. દક્ષિણનો ભાગ ઉત્તરના ભાગ કરતાં ઓછો ઠંડો હોય છે. સમગ્ર ઈરાનમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. ઝાગ્રોસ અને ઐઝરબૈજાન પર્વતમાળા અને કાસ્પિયન સમુદ્રના કાંઠાના વિસ્તારમાં 635-1,650 મિમી. વરસાદ પડે છે. તહેરાનમાં 234, મેશદમાં 231, જાસ્કમાં 119, ઇસ્ફહાનમાં 112 અને ઝહેદાનમાં 79 મિમી. વરસાદ પડે છે, તે ખેતી માટે પૂરતો નથી. મોટા ભાગનો વરસાદ નવેમ્બરથી માર્ચમાં પડે છે; પણ ઝાગ્રોસ, એલ્બુર્ઝ અને કાસ્પિયન કાંઠાના પ્રદેશમાં ઉનાળામાં વરસાદ પડે છે. એલ્બુર્ઝ અને ઝાગ્રોસનાં 1,200 કે તેથી વધુ મીટર ઊંચાં શિખરો ઉપર ચારથી પાંચ માસ બરફ રહે છે. બરફ પીગળવાથી મળતા પાણીનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે.

નકશો

એલ્બુર્ઝ પર્વતના ઉત્તર ઢોળાવ ઉપર તથા કાસ્પિયન સમુદ્રના કાંઠા નજીક જંગલોમાં ઓક, બીચ, લિન્ડેન, એલ્મ અને પહોળાં પાનવાળાં લીલાં વૃક્ષો સતત જોવા મળે છે. આ સિવાય અન્યત્ર પર્વતો ઉપર ઘાસ અને બળતણ માટે ઉપયોગી કાંટાળાં વૃક્ષો જોવા મળે છે. કુલ જમીનના એક અષ્ટમાંશ ભાગમાં જંગલો છે. આ જંગલોમાં વરુ, શિયાળ, હરણ, ચિત્તા, જંગલી ઘેટાં, બકરાં વગેરે જોવા મળે છે. વળી ઘેટાં, બકરાં, ગધેડાં, ઘોડા અને ઊંટ પાળેલાં પશુઓ પણ છે.

કુલ જમીનના 10 ટકા વિસ્તારમાં ખેતી થાય છે. 20 ટકા જમીન ચરાણ તરીકે વપરાય છે. ખેતીની જમીન પૈકી 40 ટકા જમીનને સિંચાઈનો લાભ મળે છે. ઘઉં, જવ, ચોખા, મકાઈ, બીટકંદ, શેરડી, તમાકુ તથા દ્રાક્ષ, બદામ, પિસ્તાં વગેરે ફળો મુખ્ય પાક છે. અનાજનું ઉત્પાદન ઓછું છે, તેથી તેની આયાત થાય છે. શીરાઝ ગુલાબના બગીચાઓ માટે જાણીતું છે. ત્યાંથી ગુલાબજળની નિકાસ થાય છે.

ઈરાનની મુખ્ય ખનિજ પેદાશો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ છે. પેટ્રોલિયમના ઉત્પાદનમાં ઈરાન વિશ્વમાં સાઉદી અરબસ્તાન, કુવૈત અને રશિયા પછી ચોથા અને કુદરતી વાયુના જથ્થાના ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે આવે છે. તે રોજનું 36,25,000 અબજ બૅરલ જેટલું તેલ ઉત્પન્ન કરે છે. આ જથ્થો 30થી 40 વરસ સુધી ચાલશે તેવો અંદાજ છે. આ ઉપરાંત, કોલસો, તાંબું અને લોખંડની ખનિજો છે પણ તેને ખોદી કઢાઈ નથી. પેટ્રોલિયમની ભારત, જાપાન, યુ.એસ. અને પશ્ચિમ યુરોપના દેશોમાં નિકાસ થાય છે.

ખેતીવાડી અને પશુપાલન મુખ્ય ધંધો છે. ખેતીનો હિસ્સો કુલ રાષ્ટ્રીય ઊપજ(GNP)ના સાતમા ભાગ જેટલો છે, પણ કુલ કાર્યપ્રવૃત્ત લોકો પૈકી ત્રીજા ભાગના લોકો ખેતીમાં અને ઉદ્યોગોમાં રોકાયેલા છે. પેટ્રો-રસાયણ અને શુદ્ધીકરણ, મોટરકાર, સિમેન્ટ, કાપડ, મશીનટુલ વગેરેના ઉદ્યોગો વિકસેલા છે. તે ભારતમાંથી કાચા લોખંડ અને પેલેટની આયાત કરે છે. ઈરાનનો ગાલીચા અને રેશમી ધાબળાનો ગૃહ-ઉદ્યોગ ખૂબ જાણીતો છે. ઈરાની અખાત અને કાસ્પિયન સમુદ્રમાં 200 જાતની માછલીઓ છે. આમાંની 150 પ્રકારની ખાઈ શકાય છે. તેનું ઉત્પાદન 2 લાખ ટન છે અને તેની નિકાસ થાય છે. 1949થી 1979 દરમિયાન ઈરાનનો આયોજિત વિકાસ સાધવા પ્રયત્નો થયા હતા. 1979 પછી મહત્ત્વના ઉદ્યોગો, બૅંક તથા વીમા-કંપનીઓનું રાષ્ટ્રીયકરણ થયું છે. ખેતી તથા પસંદગીના ઉદ્યોગોમાં તેલની આવક રોકી અર્થતંત્રને આત્મનિર્ભર કરવા પ્રયત્ન થઈ રહ્યા છે.

ઈરાનના મૂળ વતનીઓ કોકેસિયન જાતિના હતા. ઈ. સ. પૂ. 2000-1500 આસપાસ ઇન્ડો-આર્યન જાતિના લોકોએ તેમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મીડ લોકો પણ અહીં આવ્યા હતા. આ ઉપરાંત ગ્રીક, આરબ, તુર્ક તેમજ મોંગોલ જાતિના લોકોએ પણ વત્તાઓછા પ્રમાણમાં પ્રવેશ કર્યો છે. ઉચ્ચ પ્રદેશોમાં કુર્દ, બખ્તિયાર, તાર્તાર, તુર્કમૅન જેવી જાતિઓ વસે છે. કુર્દ અને તુર્કમૅન લોકો સુન્ની છે, બાકીના 90 ટકા મુસ્લિમો શિયા છે.

ઇસ્ફહાનની મસ્જિદનો ભવ્ય પ્રાર્થના-ખંડ

ઈરાની લોકો શિષ્ટાચાર અને સંસ્કારિતા માટે જાણીતા છે. પશ્ચિમ ભારત સાથે તેમનો પ્રાચીન કાળમાં ઘનિષ્ઠ સંબંધ હતો, જે મુઘલ કાળમાં પણ ચાલુ હતો. ભારતમાંથી આબાદાન અને બીજાં શહેરોમાં કુશળ કારીગરો, ડૉક્ટરો, ઇજનેરો વગેરે ગયા છે. ભારતમાં વસતા પારસીઓનું મૂળ વતન ઈરાન છે. હાલ ત્યાં કેટલાક ઝોરોસ્ટ્રિયન, યહૂદી તથા ખ્રિસ્તી લોકો વસે છે. દેશની માન્ય ભાષા ફારસી છે, પણ 25 ટકા લોકો તુર્કી ભાષા બોલે છે. શિક્ષિત લોકો અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને ચીની ભાષાઓ જાણે છે. રાજધાની તહેરાન સિવાય અન્યત્ર આરોગ્યવિષયક સગવડો ઓછી છે. ક્ષય, ટાઇફૉઇડ, ઊંટાટિયું, સ્કારલેટ ફીવર જેવા રોગો વિશેષ થાય છે. આ શહેરના કામદાર વર્ગને સમાજકલ્યાણ-પ્રવૃત્તિઓનો લાભ મળે છે. દર ચોકિમી. દીઠ વસ્તીની ગીચતા 27 છે. 50 ટકા લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોવા છતાં શાળાની સગવડ ન હોવાને કારણે તથા મા-બાપના અજ્ઞાનને લીધે ઘણાં બાળકો શિક્ષણના લાભથી વંચિત રહે છે. 15 વરસ નીચેનાંનું પ્રમાણ 45 ટકા જેટલું છે. દર વરસે 2.8 ટકા વસ્તીનો વધારો થાય છે. બાળમૃત્યુનું પ્રમાણ દર હજારે 112 છે.

તહેરાન રાજધાનીનું શહેર છે. 2016માં તેની વસ્તી 86.9 લાખ હતી. બીજાં મહત્વનાં શહેરો ઇસ્ફહાન, તબ્રિઝ, મશેદ, શીરાઝ, આબાદાન વગેરે છે. ક્યુમ મહત્વનું ધાર્મિક કેન્દ્ર છે. મેશદ શિયાપંથી મુસ્લિમોનું ધાર્મિક સ્થળ છે. ભૂતકાળમાં હોરમઝ, બંદર અબ્બાસ અને બુશાયર મહત્વનાં બંદરો હતાં. હાલ આબાદાન, ખોરમાન શાહ, શાહપુર અને અબ્બાસ મહત્વનાં બંદરો છે.

ઈરાનની ફારસી ભાષા તેના લાલિત્ય માટે જાણીતી છે. આ ભાષામાં નિઝામી, ફિરદૌસી, શેખ સાદી અને ઉમ્મર ખય્યામ જેવા કવિઓ થઈ ગયા. ફિરદૌસીનું ‘શાહનામા’ અને ઉમ્મર ખય્યામની ‘રુબાયતો’ જાણીતાં છે. બહાઈ સંપ્રદાય અને સૂફીવાદના જન્મસ્થાન તરીકે પણ ઈરાન પ્રસિદ્ધ છે. પરસેપૉલિસનાં પ્રાચીન ખંડેરો તેના સ્થાપત્યની શાખ પૂરે છે. ઈરાની સ્થપતિઓએ મુઘલકાળ દરમિયાન તાજમહેલ જેવી બેનમૂન કૃતિઓની રચનામાં ફાળો આપ્યો હતો. સલ્તનતકાળ (1407-1572) દરમિયાન ગુજરાતમાં કવિઓ, ફકીરો, અમીરો વગેરે ઈરાનથી આવ્યા હતા.

પ્રાચીન ઈરાન

ઈરાનમાં મળતા સૌથી પ્રાચીન અવશેષો ઈ. સ. પૂ. 1 લાખ વર્ષના એટલે કે અંત્ય પ્રાચીન પાષાણયુગના છે. તે પછી ઈ. સ. પૂ. 8000 વર્ષ પૂર્વેના આદિમાનવનાં હાડપિંજરો કાસ્પિયન સમુદ્ર નજીકની ગુફાઓમાંથી મળ્યાં છે, જે નૉર્ડિક જાતિનાં જણાય છે. ઉત્તર ઈરાનમાંથી ઈ. સ. પૂ. 3000 વર્ષ પૂર્વેની, માનવ-ખોપરીઓ મળી છે તે સ્પેન, ઇટાલી, ગ્રીસ અને અરબસ્તાનના માનવ સાથેનું તેમનું સામ્ય સૂચવે છે. આ સ્થાનિક લોકો ‘કાસ્પિયન’ કહી શકાય અને તેમનો કોકેસસ પર્વતવાસી લોકો સાથે સંબંધ હતો. હાલના ‘બુર’ જાતિના ઈરાનીઓ આ જાતિના છે. ઈ. સ. પૂ. 8000-5000 દરમિયાન ઈરાનનો આદિમાનવ શિકારી હતો. ત્યારબાદ તેણે પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો હતો અને ઈ. સ. પૂ. 4000થી ખેતી પ્રારંભિક દશામાં હતી. ઈ. સ. પૂ. 5000થી 3000ના ગાળા દરમિયાન ઈરાનના ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ ભાગમાં સ્થાયી વસવાટવાળાં ગામો હતાં. સિઆલ્ક, જેઓય ટેપેહ (Geoy Tepeh), ટેપેહ હિસ્સાર અને સુસા આ કાળનાં મહત્વનાં સ્થળો છે. આ નાની વસાહતોમાં માટીની ઝૂંપડીઓની હાર વાંકીચૂકી સાંકડી ગલીઓને કિનારે આવી હતી. ટૂંટિયું વાળેલી સ્થિતિમાં દફનાવેલાં શબો ઓરડાના ભોંયતળિયા નીચેથી અથવા જુદાં કબ્રસ્તાનોમાંથી મળી આવ્યાં હતાં. કબરમાં ઘરેણાં, વાસણો અને સાધનો શબ સાથે મૂકેલાં હતાં. આ પ્રથા સૈકાઓ સુધી ચાલુ રહી હતી. મેસોપોટેમિયાની જેમ અહીંથી મોટાં ઈંટોવાળાં મકાનો તથા ત્રાંબા અને કાંસાની વસ્તુઓ, હાથબનાવટનાં માટીનાં ચિત્રિત વાસણો વગેરે મળે છે. વાસણો ઉપર પશુપક્ષીઓની આકૃતિઓ દોરેલી જોવા મળે છે. શિકાર અને ધાર્મિક ક્રિયાઓ કરતા માનવીઓનાં ચિત્રો પણ મળે છે. મેસોપોટેમિયાની પૂર્વ સરહદે ઝાગ્રોસ પર્વતમાળાના વિસ્તારમાં રહેતા લોકોની વિગત મેસોપોટેમિયામાંથી મળી આવતી માટીની તકતીઓ ઉપરના લેખોમાંથી મળે છે. અહીં ઈ. સ. પૂ. 3000માં ઈલામના લોકો આવ્યા હતા. 2,000 વર્ષ સુધી તેમની સંસ્કૃતિ ટકી હતી, ત્યારબાદ જંગલી કેસાઇટ (Kassite) ઘોડેસવારોનું ઉત્તર ભાગ ઉપર આક્રમણ થયું હતું. બૅબિલોનિયન લોકો સાથે ભળી જઈને તેમણે દક્ષિણ મેસોપોટેમિયા ઉપર થોડા સૈકાઓ સુધી રાજ્ય કર્યું હતું. સુસા તેમની રાજધાની હતી. ઈ. સ. પૂ. 4000થી ઈ. સ. પૂ. 2400 દરમિયાન કેટલાંક સાંસ્કૃતિક કેન્દ્રોની વિગત મળે છે તે નીચે મુજબ છે :

પ્રાચીન ઈરાન : ઈ. સ. પૂ. 4000-2400. ઈરાનમાંની પ્રાચીન વસાહતોને સાંસ્કૃતિક ર્દષ્ટિએ ઇરાક(મેસોપોટેમિયા)ની વસાહતો જેવી કે ઉરૂક ઉબેદ, હલફ અને જેમદેત-નસ્ર (Jemdet Nasr) સાથે વિશેષ સંબંધ રહ્યો છે. ઇરાકની વસાહતોમાં ઉરૂક અને ઉબેદ ખેતીપ્રધાન લોકોની વસાહતો હતી. તેમની પ્રવૃત્તિ જીવનનિર્વાહ પૂરતી મર્યાદિત હતી. જેમદેત-નસ્ર સમયમાં આર્થિક જીવનનો વિકાસ અને સાથે વસાહતનું વિસ્તૃતીકરણ અસ્તિત્વમાં આવ્યું. ઈરાનની વસાહતોના ઉપરના સ્તરોમાંથી મળેલા અવશેષોમાં સિંધુ સંસ્કૃતિ અને બલૂચિસ્તાનની સંસ્કૃતિનાં માટીનાં વાસણો પરત્વે થોડું સામ્ય જોવા મળે છે. પણ ઈરાની વસાહતોમાં સભ્ય સંસ્કૃતિનો અભાવ જોવા મળે છે. ક્યાંય શહેરીકરણની પ્રક્રિયા શરૂ થઈ હોય તેવું જણાતું નથી. ઈરાનની પ્રાગ્-ઐતિહાસિક વસાહતોને તેનાં માટીનાં વાસણોના રંગના આધારે બે ભાગમાં વહેંચી શકાય : લાલ રંગનાં વાસણો અને રાખોડી રંગનાં વાસણો. (buff ware) લાલ રંગનાં વાસણોવાળી ઉત્તર અને ઈશાન ઈરાનની વસાહતો છે. તેમાં સિઆલ્ક હિસ્સાર અને અનાઉનો સમાવેશ થાય છે, જ્યારે રાખોડી રંગનાં વાસણોની વસાહત મુખ્યત્વે પશ્ર્ચિમ અને દક્ષિણ ઈરાનમાં હશે. તેમાં તેપે ગિયાન, તાલે બાકુન અને સુસાનો સમાવેશ થાય છે. અનાઉની વસાહત અસ્ખાબાદ પાસે ઉત્તર ઈરાનમાં આવેલી છે. અનાઉમાંથી 4 સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. અનાઉની પ્રથમ સંસ્કૃતિમાં ખેતીપ્રધાન પ્રાથમિક અવસ્થાની સંસ્કૃતિ છે અને અન્ય સંસ્કૃતિઓનું પાછળથી વિસ્તૃતીકરણ થયેલ જોવા મળે છે. તેમાં ગામડાના શાંત જીવન અને કંઈક અંશે વિકસિત આર્થિક વ્યવસ્થાનાં દર્શન થાય છે. અનાઉનું સમયાંકન ઈ. સ. પૂ. 3400-1800 છે.

તાલ-એ-બાકુન : દક્ષિણ ઈરાનમાં શિરાઝ શહેરની પૂર્વમાં આવેલી વસાહત. પ્રાથમિક જીવનનિર્વાહ કરતી સંસ્કૃતિની વસાહત છે. તેનાં કેટલાંક માટીનાં વાસણો બલૂચિસ્તાનના ક્વેટામાંથી મળેલાં વાસણો જોડે સામ્ય ધરાવે છે.

શીરાઝ નગરનું પ્રભાવક પ્રવેશદ્વાર

તેપે ગિયાન : પશ્ચિમ ઈરાનમાં નેહાવે શહેર પાસે આવેલી વસાહત. પ્રાથમિક ખેતીપ્રધાન આર્થિક વ્યવસ્થામાંથી સંસ્કૃતિએ સ્થિર જીવનનો વિકાસ સાધ્યો.

તેપે સિઆલ્ક : મધ્ય ઈરાનમાં ઇસ્ફહાનથી ઉત્તરે આવેલી વસાહત. તેપે સિઆલ્કના છ સમયગાળા (periods) મળી આવ્યા છે. સિઆલ્કના પ્રથમ ત્રણ ગાળાઓ પ્રાથમિક ખેતીપ્રધાન સંસ્કૃતિના છે. બાકીના ત્રણ ગાળાઓ દરમિયાન સંસ્કૃતિ વિકાસ પામે છે, વસાહતનો વિસ્તાર વધે છે, રોજબરોજના વપરાશની વસ્તુઓમાં વધારો થયેલો છે. મકાનો અને આભૂષણો ઉપરાંત મૃત્યુ પામેલાઓને દાટવા માટે કબ્રસ્તાનનો ઉપયોગ જોવા મળે છે. સિઆલ્કનું સમયાંકન ઈ. સ. પૂ. 3700-800.

તેપે હિસ્સાર : તે ઉત્તર ઈરાનના દામઘાન શહેરની નજીક આવેલ છે. પ્રાથમિક ખેતીપ્રધાન વસાહતમાં પાછળથી સંસ્કૃતિનો વિકાસ જોવા મળે છે, સમયાંકન ઈ. સ. પૂ. 3400-2900.

તુ રંગ તેપે અને શાહતેપે : ઉત્તર ઈરાનના અસ્તરાબાદ શહેર નજીક આવેલ છે. શાહતેપેમાં ત્રણ સમયગાળા મળેલા છે; તેમાંથી પ્રથમ ગાળો ઈ. સ. પૂ. 2400માં શરૂ થયો, જ્યારે તુ રંગ તેપેની સંસ્કૃતિ શાહતેપેના બીજા ગાળા સાથે સામ્ય ધરાવે છે. પ્રાથમિક ખેતીપ્રધાન સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે.

સુસા : પશ્ચિમ ઈરાનમાં આવેલી મહત્વની વસાહત. સુસાને ચાર સાંસ્કૃતિક વિભાગોમાં વહેંચવામાં આવી છે. સુસા પ્રાથમિક તબક્કાની વસાહત હોઈ તેને હિસ્સાર અને સિઆલ્ક જોડે સંબંધ છે. સમયાંકન : ઈ. સ. પૂ. 3400-2400.

પ્રાચીન ઈરાન સાથે ભારતનાં સિંધુ સંસ્કૃતિનાં કેન્દ્રોનો બલૂચિસ્તાન દ્વારા ઘનિષ્ઠ સંબંધ હતો. સુસા અને પરસેપોલિસ અગત્યનાં હતાં. ભારતીય અને મેસોપોટેમિયાની મુદ્રાઓ ઈરાનનાં કેટલાંક સ્થળોમાંથી મળી છે.

ઈ. સ. પૂ. 1500 આસપાસ આર્યો ઈરાનમાં આવ્યા હતા. પ્રથમ સહસ્રાબ્દી દરમિયાન મીડ, સોગડિયન, સિથિયન, શંક, પાર્થિયન અને બૅકટ્રિયન વગેરે લોકો આવ્યા હતા. આ ટોળીઓ પૈકીના મીડ અને પારસ જાતિના લોકો ઝાગ્રોસ પર્વતમાળાની ખીણોમાં વસ્યા હતા અને સ્થાનિક લોકો સાથે ભળી ગયા હતા. એકબટાનાની આસપાસમાં વસતા મીડ લોકોની એકબટાના રાજધાની હતી, પારસ જાતિના લોકો તેની દક્ષિણે ઈરાની અખાતના પ્રદેશમાં વસ્યા હતા. મીડ લોકોનું શાસન ઈ. સ. પૂ. 728થી 550 સુધી ટક્યું હતું. સાયરસ બીજો મહાન રાજા તરીકે પ્રખ્યાત હતો. તેની 2 પેઢીના શાસન પછી (ઈ. સ. પૂ. 625-585) આકેમેનિડ વંશનો દરાયસ થઈ ગયો. (521-485). તેણે ગ્રીસ ઉપર ચડાઈ કરી હતી, પણ ગૅલિપૉલીના દરિયાઈ યુદ્ધમાં તેની હાર થઈ હતી. ઈ. સ. પૂ. 492માં મૅરેથોન પાસે એથેન્સવાસી ગ્રીકોએ દરાયસને સખત હાર આપી હતી. ત્યારબાદ ઈ. સ. પૂ. ચોથી સદીમાં મેસિડોનિયાના ગ્રીક બાદશાહ ઍલેક્ઝાંડરે ગ્રીકોને સખત હાર આપી હતી.

ઈ. સ. પૂ. સાતમી સદીમાં જરથુષ્ટ્રે (ઈ. સ. પૂ. 628-551) ‘ઝોરોસ્ટ્રિયન’ ધર્મની સ્થાપના કરી હતી. આ ધર્મ આકેમેનિડ રાજવંશનો રાજધર્મ હતો અને પાર્થિયન અને સાસાનિયન વંશના અમલ દરમિયાન તે પૂર્ણ કળાએ પહોંચ્યો હતો. આ ધર્મનું પુસ્તક ‘અવેસ્તા’ છે અને તેની ભાષા વેદની પ્રાચીન ભાષાને ખૂબ મળતી આવે છે. તેઓ અગ્નિ, સૂર્ય અને વરુણના પૂજક છે. તેમનો દેવાધિદેવ અહુરમઝદ છે. 641માં આરબોનું આક્રમણ થયા બાદ તેઓ ખોરાસાનના પહાડી પ્રદેશમાં  વસ્યા હતા. 100 વરસ પછી તેઓ હોરમઝમાં 15 વર્ષ રહ્યા અને ત્યાંથી તેઓ દીવ અને સંજાણમાં વસ્યા. એ રીતે, ભારતમાં તેમના આગમનની સાલ ઈ. સ. 936 છે.

ઇતિહાસ

તેના લાંબા ઇતિહાસ દરમિયાન ઈરાન જુદા જુદા વંશો અને સામ્રાજ્યોની સત્તા તળે આવ્યું છે. ઈ. સ. પૂ. 549ના અરસામાં તેની ઉપર આકેમેનિડ વંશના મહાન સમ્રાટ સાયરસે રાજ્ય કર્યું હતું. ત્યારબાદ ઈ. સ. પૂ. 330ના ગાળામાં તે મહાન સિકંદરના વિશાળ સામ્રાજ્યનું ભાગ બન્યું. સિકંદરના મૃત્યુ પછી સેલ્યુસિડ તથા પાર્થિયન સામ્રાજ્યો સ્થપાયાં. ત્યારપછી ઈ. સ. 224ના અરસામાં ઈરાનના જ વતની સાસાનિયન વંશે સત્તા હાથમાં લીધી અને ઈ. સ. 641 સુધી રાજ્ય કર્યું. આ અરસામાં ઇસ્લામને વરેલા આરબોએ ઈરાન ઉપર કબજો જમાવ્યો અને તેને ખલીફાના વિકસતા સામ્રાજ્યનો ભાગ બનાવ્યો. અગિયારમી અને બારમી સદીમાં સેલજુક તુર્કોએ ઈરાનને જીતી લીધું. તેરમી સદીમાં ચંગીસખાનની સરદારી નીચે અને ચૌદમી સદીમાં તૈમુરની ચઢાઈ દ્વારા મુઘલ લોકોએ ઈરાનને જીત્યું. સોળમી સદીમાં શાહ ઇસ્લામે (1502-24) સફાવિદ વંશની સ્થાપના કરી, જેના અમલ તળે સમગ્ર દેશ એકસૂત્ર થયો અને શિયા પંથ રાષ્ટ્રીય ધર્મ બન્યો. શાહ અબ્બાસે તેમના અમલ દરમિયાન ઑટોમન સામ્રાજ્યના પ્રદેશો જીતી લીધા. ત્યારબાદ અફશાહ વંશના નાદિરશાહે તેનું સામ્રાજ્ય સ્થાપ્યું. છેલ્લે, 1750થી 1925 સુધી કાજર્સ વંશ સત્તા ઉપર રહ્યો. ઓગણીસમી સદી દરમિયાન ઈરાન બે મહાસત્તાઓ – ઉત્તરમાંથી રશિયા અને પશ્ચિમમાં ભારત બાજુથી બ્રિટન એમ બેવડા દબાવ નીચે આવી ગયું.

1907માં ઇંગ્લૅન્ડ તથા રશિયાએ કરેલી સંધિ અનુસાર ઈરાનના ભાગલા પાડી ઉત્તરમાં રશિયાએ તથા દક્ષિણમાં બ્રિટને પોતપોતાનાં વગવર્તુળો (spheres of influence) સ્થાપ્યાં તથા મધ્ય ભાગને તટસ્થ પ્રદેશ તરીકે રહેવા દીધો.

1908માં ઈરાનમાં પેટ્રોલ મળતાં વિદેશી સત્તાઓનાં દબાણ વધતાં રહ્યાં, જેની સામે કાજર્સ વંશ દેશનું સફળ સંચાલન કરવામાં નિષ્ફળ નીવડ્યો. પહેલા વિશ્વયુદ્ધ (1914-1918) પછી રેઝાશાહ પહેલવી પ્રબળ નેતા તરીકે બહાર આવ્યા અને 1925માં ઈરાનની મજલિસે (સંસદે) તેમને ગાદીનશીન કર્યા. રેઝાશાહે લશ્કરને સુસંકલિત કર્યું, આંતરિક સુવ્યવસ્થા ઊભી કરી, રૂઢિચુસ્ત શિયા ધર્મગુરુઓની પકડને નિર્બળ કરી નવા ઉદ્યોગો સ્થાપ્યા અને કાનૂની વ્યવસ્થાનું પુનર્નિર્માણ કર્યું. આ બધા સુધારાઓ તેલની રૉયલ્ટીની વધતી જતી કમાણીને લીધે શક્ય બન્યા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમની જર્મનીતરફી નીતિના કારણે બ્રિટન-રશિયાના સંયુક્ત દબાણ નીચે રેઝાશાહને ગાદી છોડવી પડી અને તેમના 22 વર્ષના પુત્ર મુહમ્મદ રેઝાશાહ પહેલવીને ગાદી મળી. મુહમ્મદ મુસ્સાદિકના નેતૃત્વ નીચે મજલિસે શાહની સત્તાને પડકારી તથા તેલ-ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું. 1953માં શાહ ઈરાન છોડી ગયા, પરંતુ પશ્ચિમનાં રાષ્ટ્રોના ટેકાથી પાછા ફર્યા. મુસ્સાદીકને દેશદ્રોહી ગણવામાં આવ્યા અને શાહ સરમુખત્યાર બન્યા. ઈરાનને તેલના નફાના 50 % મળે (1970થી 55 %) તેવી સમજૂતી વિદેશી સત્તાઓ સાથે 1954માં કરવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ પછી ઈરાન અને અમેરિકા એકમેકની નજીક રહ્યાં. 1959માં ઈરાન સેન્ટો(Central Treaty Organization)ના લશ્કરી કરારનું સભ્ય બન્યું. આ પહેલાં 1949માં ઈરાનના સામ્યવાદી પક્ષ તુદેહને ગેરકાયદે ઠરાવવામાં આવ્યો.

1963માં શ્વેત-ક્રાન્તિના નેજા તળે શાહે ઈરાનને આધુનિક રાષ્ટ્ર બનાવવાની નીતિનો પ્રારંભ કર્યો; જેમાં જમીનસુધારણા, સ્ત્રી-સ્વાતંત્ર્ય તથા ઝડપી આર્થિક વિકાસનો સમાવેશ થતો હતો. આ સુધારા સામે રૂઢિચુસ્ત વર્તુળો તથા શિયા ધર્મગુરુઓ તરફથી વિરોધનો વંટોળ ઊભો થયો; પરંતુ સત્તાધારી સરકારે મજબૂતાઈથી તથા લશ્કરના બળથી તેમજ ગુપ્તચર સંસ્થા ‘સાવક’ની સહાયથી વિરોધને ડામી દીધો.

ઈરાનમાં વિશાળ પ્રમાણમાં થતી ડાંગરની ખેતી

1977-78 દરમિયાન શાહ સામેનો વિરોધ ઉગ્ર બન્યો, રૂઢિચુસ્ત તેમજ પ્રગતિશીલ વલણ ધરાવતા પક્ષોએ એકીસાથે ચળવળ શરૂ કરી અને સારાયે દેશમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ. નવેમ્બર, 1978માં શાહે સમગ્ર દેશને લશ્કરી શાસન તળે મૂકી દીધો; પરંતુ તેમની સામેનો પ્રચંડ વિરોધ શમ્યો નહિ અને તેનું સંચાલન પૅરિસમાં રહેતા આયાતોલ્લા ખોમિની (અંધશ્રદ્ધા ધરાવતા ઇસ્લામી ધર્મગુરુ) દ્વારા થવા લાગ્યું. 6 જાન્યુઆરી, 1979ના દિવસે શાહે લશ્કરી શાસન ઉઠાવી લીધું અને થોડા દિવસ પછી દેશ છોડી ગયા. 1 ફેબ્રુઆરીના રોજ ખોમિની ઈરાન પહોંચ્યા જ્યાં તેમને લોકો તરફથી ઉમળકાભેર આવકાર મળ્યો. 22 ફેબ્રુઆરીના રોજ ઈરાનને ઇસ્લામિક પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવામાં આવ્યું. શાહના મળતિયાઓ તથા ગુપ્તચર સંસ્થા ‘સાવક’ના કાર્યકર્તાઓને મારી નાખવામાં આવ્યા અગર જેલમાં પૂરવામાં આવ્યા. ખોમિનીએ આધુનિકીકરણની બધી જ કારવાઈ થંભાવી દીધી અને ઈરાનનું નવું સંસદીય બંધારણ રચવામાં આવ્યું. એમાં એકગૃહી સંસદ અને ચૂંટાયેલા પ્રમુખની જોગવાઈ થઈ. ‘શરિયત’ એટલે કે મુસ્લિમ કાનૂન લાગુ પાડવામાં આવ્યો અને ધાર્મિક વડાઓની બહુમતીવાળી સમિતિ નીમવામાં આવી. ખોમિની આજીવન રાષ્ટ્રપ્રમુખ નિમાયેલા.

ખોમિનીની સરકારને અમેરિકા સાથે શરૂઆતથી જ અણબનાવ થયો, કારણ કે અમેરિકાએ શાહને ખૂબ પ્રમાણમાં લશ્કરી મદદ કરી હતી. ઈરાનના વિદ્યાર્થીઓએ નવેમ્બર, 1979માં અમેરિકાની એલચી કચેરીનો કબજો લઈ તેના અમલદારોને બાનમાં લીધા હતા, જેને કારણે બંને દેશો વચ્ચે તંગદિલી ઊભી થઈ હતી. તેમનો છુટકારો જાન્યુઆરી, 1981માં કરવામાં આવ્યો હતો.

જાન્યુઆરી, 1980માં અબુલ હસન બની સદરને પંતપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા; પરંતુ સંસદમાં બહુમતી ધરાવતા ઇસ્લામિક પ્રજાસત્તાકના રૂઢિચુસ્તો તેમની ઉપર ચાંપતી નજર રાખી તેમની સત્તામાં ઘટાડો કરતા રહ્યા. જૂન, 1981માં તેમને દૂર કરવામાં આવ્યા. તેમની જગાએ મુહમ્મદ અલી રજાઈને નિયુક્ત કરવામાં આવ્યા. તેમના અમલ તળે ઇસ્લામ-વિરોધીઓને, ડાબેરીઓ તેમજ મવાળ પક્ષના સૌને મારી નાખવામાં આવ્યા. હિંસક તોફાનો ચાલુ રહ્યાં, જેમાં રજાઈ પણ મૃત્યુ પામ્યા. ખોમિનીએ કહ્યું કે આવાં મૃત્યુ અને કટોકટીથી ઇસ્લામી ક્રાન્તિ અટકશે નહિ. સમાજવાદી વલણ ધરાવતા પક્ષોના 1,500 જેટલા સભ્યોને મારી નખાયા; 1981માં આ બધાને કારણે આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિ ઊભી થઈ અને દેશમાં અરાજકતા વ્યાપી.

સપ્ટેમ્બર, 1980માં ઇરાક સાથે સરહદનો ઝઘડો થતાં ઇરાક-ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, જે લગભગ 8 વર્ષ ચાલુ રહ્યું. (1980-88)

ઇસ્લામી પ્રજાસત્તાકનું જે બંધારણ 1979માં અપનાવવામાં આવ્યું તેમાં સર્વોચ્ચ રાજકીય સત્તા ફકીહ (Faqih) એટલે આગળ પડતા ધાર્મિક, આધ્યાત્મિક નેતા કે ધર્મગુરુમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. ધાર્મિક વડાના હાથમાં વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે. તેઓ લશ્કરના સર્વોચ્ચ વડા છે અને યુદ્ધ અને શાન્તિનો અધિકાર ધરાવે છે. ઉચ્ચ કક્ષાના અમલદારોની નિમણૂક પણ તેઓ જ કરે છે.

દેશની ધારાકીય સત્તા 270 સદસ્યો સાથેની એકગૃહી મજલિસને સોંપાઈ છે. તેની મુદત 4 વર્ષની રાખવામાં આવી છે. પ્રધાનોની નિમણૂક મજલિસ કરે છે અને તેઓ સૌ તેને જવાબદાર રહે છે. વિદેશો સાથેની સંધિ કે કરાર મજલિસ મંજૂર કરે છે. કારોબારીની સત્તા પ્રધાનોની કાઉન્સિલના હાથમાં રહેલી છે અને વડાપ્રધાનની નિમણૂક પ્રમુખ કરે છે. કારોબારી અને મજલિસે પસાર કરેલા કાયદાને પ્રમુખની મંજૂરી આવશ્યક છે. તે ઇસ્લામની વિરુદ્ધ છે કે નહિ તે નક્કી કરવા પ્રમુખ કાયદાને ન્યાયાલય ઉપર મોકલી શકે છે.

આ ઉપરાંત એક વાલી પરિષદ (Council of Guardians) રાખવામાં આવી છે. તેમાં અગિયાર સભ્યોમાંથી છ સભ્યોની નિમણૂક પ્રમુખ કરે છે. બીજા પાંચ સભ્યો ન્યાયાધીશો હોય છે. મજલિસે પસાર કરેલા ખરડાઓ બંધારણીય છે કે નહિ તેમજ તેમાં ઇસ્લામ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે કે નહિ તે આ વાલી પરિષદ નક્કી કરે છે.

દેશના મુખ્ય રાજકીય પક્ષોમાં નૅશનલ ડેમૉક્રેટિક ફ્રન્ટ મુસ્સાદિકના સમયથી અસ્તિત્વમાં છે. બીજા બે પક્ષો, ઇસ્લામિક રિપબ્લિકન પક્ષ અને મુસ્લિમ પીપલ્સ રિપબ્લિકન પક્ષ સંપૂર્ણ રીતે ઇસ્લામને વરેલા છે. ઈરાનના સામ્યવાદી પક્ષ – તુદેહને 1949થી ગેરકાયદે ઠેરવવામાં આવ્યો છે. અન્ય પક્ષોમાં ફેદાઇયાન માર્કસવાદી વિચારસરણી તરફ ઢળતો છે, જ્યારે મુજાહેદ્દીન ઇસ્લામતરફી વિચારો ધરાવે છે.

ઈરાનમાં વાણીનું અને લેખનનું સ્વાતંત્ર્ય નહિવત્ છે. સત્તાધારીઓએ સેંકડો પત્રકારોને જેલમાં ધકેલી દીધા છે અને વિરોધી વર્તમાનપત્રો બંધ કર્યાં છે. 1979માં પસાર કરવામાં આવેલા કાયદા દ્વારા રાજકીય અને ધાર્મિક નેતાઓનાં અપમાન કરતાં વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈરાનના સત્તાધારી વર્ગની અસહિષ્ણુતાનો જાણીતો દાખલો તે સલમાન રશદીના પુસ્તક ‘સેતાનિક વર્સીઝ’ ઉપર પ્રતિબંધ મૂકવા ઉપરાંત લેખકને જ્યાં હોય ત્યાં દેહાંતની સજા ફરમાવતો ફતવો ખોમિનીએ બહાર પાડેલો છે.

ઈરાન મૂળભૂત રીતે કેન્દ્રીકૃત ખેતીપ્રધાન અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે, પરંતુ તેની મોટા ભાગની આવક પેટ્રોલિયમ-પેદાશની છે. એંશીના દસકાના પૂર્વાર્ધમાં ઈરાનને ગંભીર આર્થિક સમસ્યાનો સામનો કરવાનો આવ્યો હતો. 1979ની ઇસ્લામી ક્રાન્તિ પછી ઈરાનને લગભગ 30% જેટલી અંદાજપત્રીય ખાધ આવી હતી. બેરોજગારી પણ વધવા પામી હતી. આ ઉપરાંત 1980માં ઇરાક દ્વારા ઈરાન પર આક્રમણ થતાં અર્થવ્યવસ્થા છિન્નભિન્ન થઈ ગઈ હતી. 1979થી 1982 સુધીમાં પેટ્રોલિયમ-ઉત્પાદન ચોથા ભાગનું થઈ ગયું અને સરકારની મહેસૂલી આવક 1979 કરતાં અડધી થઈ ગઈ હતી.

1949માં શરૂ કરવામાં આવેલા આયોજિત આર્થિક વિકાસનો 1979માં અંત આવ્યો. ઇસ્લામિક પ્રજાસત્તાકે બધા મુખ્ય ઉદ્યોગો, બૅન્કો તથા વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું અને કૃષિક્ષેત્રે તથા પસંદ કરેલા કેટલાક ઉદ્યોગોમાં મોટા પાયે રોકાણ કર્યું, જેથી આર્થિક સ્વાયત્તતા હાંસલ થઈ શકે; પરંતુ આર્થિક રીતે ડામાડોળ અને અસ્થિર રાજકીય પરિસ્થિતિ તેમજ ઇરાક સાથેના યુદ્ધને કારણે નિર્ધારિત આર્થિક ધ્યેયો હાંસલ થઈ શક્યાં નથી.

ઑઇલ-રિફાઇનરી ખાતે બાળી નાખવામાં આવતો બિનઉપયોગી ગૅસ

4 જૂન, 1989ના રોજ આયાતોલા ખોમિનીનું અવસાન થતાં ઇસ્લામી પ્રજાસત્તાકનો 10 વર્ષનો ગાળો (1979-1989) પૂરો થયો છે. 1979માં ખોમિનીએ શરૂ કરેલા બળવાને કારણે ઈરાનની 2500 વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો હતો અને દેશે પશ્ચિમતરફી આધુનિકીકરણ તરફ પીઠ ફેરવી હતી. ઈરાનના શાહ ઈરાનને પશ્ચિમના દેશોને વેચી રહ્યા છે અને ઇસ્લામની સામે મોટો ભય ઊભો કરી રહ્યા છે એમ કહીને ખોમિનીએ સમગ્ર દેશમાં શાહવિરોધી જુવાળ ઊભો કર્યો અને તેમના ધાર્મિક ઝનૂન અને પશ્ર્ચિમવિરોધી નીતિની આડે આવતા કેટલાય લોકોની કત્લેઆમ કરી. ઇરાક સાથે ચાલેલું યુદ્ધ 7થી 8 વર્ષ બાદ ઑગસ્ટ, 1988માં પૂરું થયું ત્યાં સુધીમાં ઈરાને 5 લાખ જેટલા સૈનિકો ગુમાવ્યા હતા. આ યુદ્ધમાં ઈરાન નિર્ણાયક જીત મેળવી શક્યું ન હતું અને યુદ્ધમોકૂફી પોતાના માટે ઝેર કરતાં પણ વધારે વિઘાતક છે તેમ ખોમિનીએ જણાવ્યું હતું.

આજે ફરીને ઈરાન તેના ઇતિહાસમાં ત્રિભેટે આવીને ઊભું છે. ઇસ્લામી ક્રાન્તિના આધારે ખડું કરવામાં આવેલું પ્રજાસત્તાક તેની રાજકીય-આર્થિક નીતિમાં કઈ તરફ વળશે તે કહી શકાય તેમ નથી. ઈરાનની સામે એકીસાથે ઘણા પ્રશ્નો ઊભા થયા છે  રાજકીય એકાકીપણું, આર્થિક વિટંબણા, ચીજવસ્તુઓની અછત, મોંઘવારી, બેકારી, યુદ્ધના કારણે થયેલી ખાનાખરાબી અને ભાવિની અનિશ્ચિતતા. આ સ્થિતિમાં દેશ તેનું ભાવિ કઈ દિશામાં કંડારે છે તે જોવાનું રહે છે.

રાજકીય : રાષ્ટ્રીય પ્રજામત દ્વારા ડિસેમ્બર, 1979માં ઈરાનને ઇસ્લામિક પ્રજાસત્તાક ઘોષિત કરવામાં આવ્યું અને બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. તે અનુસાર ‘વલી ફકીહ’(ધાર્મિક નેતા)ને સર્વોચ્ચ સત્તા સુપરત કરવામાં આવી છે. પ્રારંભે આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમિની આ સ્થાન ભોગવતા હતા. તેમના અવસાન બાદ 3 જૂન, 1989માં આયાતોલ્લાહ સૈયદઅલી ખોમિની આ સ્થાને ચૂંટાયા અને તેમને ‘જ્ઞાનના સ્રોત’ (source of knowledge) તરીકે ઓળખાવવામાં આવ્યા. તે સાથે સંકળાયેલી એક વિશિષ્ટ સંસ્થા કાઉન્સિલ ઑવ્ ગાર્ડિયન્સ છે, જે કુલ 12 સભ્યોની બનેલી છે. તેમાં 6 સભ્યો વલી ફકીહ (ધાર્મિક નેતા) દ્વારા અને 6 સભ્યો ન્યાયતંત્ર દ્વારા નિયુક્ત થાય છે. આ એકમ મજલિસે ઘડેલા કાયદાઓની બંધારણીયતા તથા તે ઇસ્લામિક આચારસંહિતા અનુસારના છે કે કેમ તે તપાસે છે.

રાજ્યના અને સરકારના વડા તરીકે પ્રમુખ હોય છે, જે લોકો દ્વારા 4 વર્ષની મુદત માટે ચૂંટાય છે. તે કારોબારીના વડા છે અને મજલિસની સંમતિની અપેક્ષાએ સાથી-પ્રધાનોની નિમણૂક કરે છે. 1989માં ખોમિનીના સાથી કાર્યકર રફસંજાની પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા તેમજ ફરીને તેઓ 1993માં પણ ચૂંટાઈ આવ્યા. તેઓ ઈરાનના વિદેશો સાથેના સંબંધોને પુનર્જીવિત કરવા માંગે છે તેમજ માત્ર ધર્મ પર અવલંબિત નીતિમાં પરિવર્તન લાવવા ઇચ્છે છે.

ઇસ્લામિક કન્સલટેટિવ ઍસેમ્બ્લી તરીકે નામ ધરાવતી પરંતુ મજલિસ તરીકે ઓળખાતી ધારાસભાને ધારાકીય સત્તાઓ સુપરત થયેલી છે. તેના 270 સભ્યો પ્રજા દ્વારા પ્રત્યક્ષ પદ્ધતિથી બિનપક્ષીય ધોરણે 4 વર્ષની મુદત માટે ચૂંટાય છે. આ મજલિસનું સંચાલન અધ્યક્ષ કરતા હોય છે.

દેશનો કાનૂની વ્યવહાર ઇસ્લામિક કાયદા શરિયત (shariah) પર આધાર રાખે છે, જે 1979ના બંધારણ દ્વારા ઘડાયેલા હતા. નવેમ્બર, 1995માં ફોજદારી કાનૂની વ્યવહાર/આચારસંહિતા નક્કી કરવામાં આવી. ‘વલી ફકીહ’ (ધાર્મિક નેતા) દ્વારા સર્વોચ્ચ અદાલતના પ્રેસિડેન્ટની નિમણૂક કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત અલગ અલગ 16 શાખાઓ ધરાવે છે. 109 એવા ગુનાઓ જાહેર થયેલા છે, જે બદલ મૃત્યુદંડની જોગવાઈ છે. 1990માં તેમાં નવા કેટલાક આર્થિક ગુનાઓ ઉમેરવામાં આવ્યા છે.

1995માં ત્રાસવાદને આંતરરાષ્ટ્રીય મદદ કરવા માટે અને ન્યૂક્લિયર(અણુશક્તિ)ને કારણે અમેરિકાએ તેની પર વેપારી બંધનો મૂક્યાં. 1997માં મુહમ્મદ ખતામી સત્તા પર આવ્યા. 1999ના જુલાઈમાં પોલીસે અને લશ્કરે ખતામીના સુધારાની વિરુદ્ધ વિદ્યાર્થીઓના વિરોધને દબાવી દીધો. 2001ની ચૂંટણીમાં ખતામી ફરીથી ચૂંટણી જીતી ગયા અને સુધારા સાથે આગળ વધ્યા. 2003માં બામ નગરમાં ભયંકર ધરતીકંપ થયો જેમાં 30 હજાર લોકોએ જીવ ગુમાવ્યા. જૂન, 2009માં થયેલી ચૂંટણીમાં મહમૂદ અહમદીનેજાદનો આશ્ચર્યકારક રીતે વિજય થયો.

ઈરાનના પ્રમુખપદે 2005થી મહંમદ અહેમદીનિજાદ છે. તેઓ તેમની અમેરિકાવિરોધી માનસિકતા માટે જાણીતા છે. એકવીસમી સદીમાં મજબૂત સત્તા બનવા માટે ઈરાને અણુબૉંબ બનાવવાનો દૃઢ નિર્ધાર જાહેર કર્યો છે. કોઈ પણ દેશ હવે અણુબૉંબની દિશામાં આગળ વધે તે અમેરિકાને રુચતું નથી. વળી ઈરાન પાસેનાં આ પરમાણુ હથિયાર જગત માટે પણ જોખમી છે કારણ તે લોકશાહી શૈલી નહીં પણ કટ્ટર મુસ્લિમ માનસિકતા ધરાવતો દેશ છે. આથી અમેરિકાએ અન્ય દેશો પર પ્રતિબંધ મૂકી ઈરાનને કોઈ પણ પ્રકારની અણુસામગ્રી ન આપવાના આદેશો જારી કરેલા છે. આ ભીંસમાં અનિચ્છાએ ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના પ્રતિનિધિમંડળને ઈરાનમાં વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવાની સંમતિ આપી છે. 2012ના આ સંજોગોમાં એશિયા પર આફતનાં વાદળ ઘેરાયેલાં છે. એ કોકડું 2013માં પણ ગૂંચવાયેલું જ છે.

1979ની ક્રાંતિ પછી 2003થી ઈરાનમાં મહિલાઓ પોલીસસેવામાં જોડાઈ શકે છે. ભારતને ખનિજતેલ પૂરું પાડતો મહત્વનો દેશ ઈરાન હોવાથી તેની આંતરરાષ્ટ્રીય રાજકારણમાંની હિલચાલ ઓછેવત્તે અંશે ભારતને પણ અસર પહોંચાડે તે સ્પષ્ટ છે.

સરમણ ઝાલા

યુનુસ ચિતલવાલા

દેવવ્રત પાઠક

થૉમસ પરમાર

રક્ષા મ. વ્યાસ