ઈયોસીન રચના : પૅલિયોસીન પછીનો અને ઑલિગોસીન પહેલાંનો કાળ. પહેલાં તેના સૌથી પુરાણા કાળને ટર્શિયરી (tartiary) ગણવામાં આવતો હતો. આ મત પ્રમાણે ઈયોસીનનો ગાળો આજથી પૂર્વે. 5.35 કરોડ અને 3.8 કરોડ વર્ષોની વચ્ચેનો ગણાય.

ટર્શિયરી યુગને મુખ્ય બે વિભાગોમાં વહેંચેલો છે : (1) પૅલિયોસીન, ઈયોસીન અને ઑલિગોસીનને આવરી લેતો નિમ્ન ટર્શિયરી વિભાગ અને (2) માયોસીન, પ્લાયોસીનનો સમાવેશ કરતો ઊર્ધ્વ ટર્શિયરી વિભાગ. અગાઉ નિમ્ન ટર્શિયરીને પૅલિયોજીન અને ઊર્ધ્વ ટર્શિયરીને નિયોજીન નામ આપેલાં; આ સર્વસ્વીકૃત નામ હજી પણ ઘણા યુરોપિયન ભૂસ્તરશાસ્ત્રીઓ ઉપયોગમાં લે છે, પરંતુ અમેરિકનોને હવે તે માન્ય ન હોવાથી ત્યાં તે કાલગ્રસ્ત જાહેર થયેલાં છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં ટર્શિયરી સમયને ઈયોસીન, ઑલિગોસીન, માયોસીન અને પ્લાયોસીન જેવા માત્ર ચાર વિભાગોમાં જ વહેંચેલો; જે પૈકીના ઈયોસીનને કેટલાક સ્તરવિદોના મત મુજબ તે સમયગાળાના પ્રવર્તમાન ભૌગોલિક સંજોગો અને જીવનના સંદર્ભમાં, નિમ્ન ઈયોસીનને પૅલિયોસીન અને ઊર્ધ્વ ઈયોસીનને ઈયોસીન એવા બે વિભાગોમાં વિભક્ત કર્યો છે, જ્યારે અન્ય કેટલાકના મત મુજબ પૅલિયોસીન એ તો ક્રિટેસિયસ અને ઈયોસીન વચ્ચેની સંક્રાંતિરચના માત્ર છે.

ઈયોસીન(Eocene)ની વ્યુત્પત્તિ Eo એટલે dawn અને cene એટલે recent કરતાં તેનો અર્થ અર્વાચીન યુગનો ઉષ:કાળ એવો થાય.) કાળના પ્રાચીન ભૌગોલિક સંજોગો – palaeogeographyના સંદર્ભમાં જોતાં, ક્રિટેસિયસના અંતિમ ચરણ પછીથી, યુરોપ અને એશિયાના મધ્ય તેમજ દક્ષિણ ભાગના સમગ્ર વિસ્તારમાં ઘણા લાંબા કાળથી પથરાયેલા ટેથિઝ મહાસાગરના ભૂસંનતિમય થાળામાં વિપુલ પ્રમાણમાં એકત્રિત થયેલા સ્તરજથ્થાના, આલ્પાઇન હિમાલયન ગિરિનિર્માણની ભૂસંચલનક્રિયાનાં પગરણ મંડાઈ ચૂક્યાં હોવાથી, ધીમા પણ ક્રમશ: ઉત્થાનનો અને તેના પરિણામરૂપ ટેથિઝનો પાછા હઠવાનો પ્રારંભ થાય છે. ઈયોસીન સમયગાળા દરમિયાન અનુકૂળ દરિયાઈ થાળાંઓમાં સ્તરોની કણજમાવટ પણ થતી રહે છે. એ કાળનાં વિવિધ જીવનસ્વરૂપો પૈકી ફોરામિનિફર (નુમ્યુલાઇટ) વિપુલ પ્રમાણમાં સમૃદ્ધિ પામે છે, જેના સંખ્યાબંધ અવશેષો ઈયોસીન ખડકસ્તરોમાં જળવાઈ રહેલા મળી આવતા હોવાથી તે વખતના તેમના અસ્તિત્વની સાક્ષી પૂરે છે.

ઈયોસીન રચના એ ટર્શિયરીની દરિયાઈ ઉત્પત્તિવાળી નદીનાળાંજન્ય તેમજ નદીજન્ય એમ વિવિધ નિક્ષેપરચના-પ્રકારો દર્શાવતી ખડકરચના છે, જે ક્રમશ: પ્રતિક્રમણ (regression) કરતા જતા ટેથિઝ મહાસાગરનાં અવશેષ-થાળાંઓમાં જમા થયેલી છે. આ રચનાને નિમ્ન, મધ્ય અને ઊર્ધ્વ વિભાગોમાં વર્ગીકૃત કરેલી છે. તે અનુક્રમે રાણીકોટ, લાકી અને કિરથાર શ્રેણીઓને નામે ઓળખાય છે. સિંધમાં તે પ્રત્યેકનો વિશિષ્ટ વિકાસ થયેલો છે અને એવી ટેકરીઓનાં નામ પરથી તેમને એ નામ અપાયાં છે.

ખડકવિદ્યા : ઈયોસીન વયના ખડકસ્તરો જળકૃત પ્રકારના છે; એમાં રેતીખડકો, મૃદ્-ખડકો (shales) અને ચૂનાખડકો મુખ્ય છે અને તેમના પ્રાપ્તિવિસ્તારો મુજબ તે લક્ષણોની ભિન્નતા પણ દર્શાવે છે.

જીવનસ્વરૂપો : ઈયોસીન ખડકોમાંથી અસંખ્ય દરિયાઈ જીવાવશેષો મળી આવેલા છે. આ પૈકી નુમ્યુલાઇટ્સ સ્વરૂપ મહત્વનું છે અને પ્રત્યેક શ્રેણી માટે જુદી જુદી વિશિષ્ટ ઉપજાતિ-સ્વરૂપે પણ મહત્વનું બની રહે છે. આ ઉપરાંત એકિનૉઇડ્સ, પરવાળાં, ગૅસ્ટ્રોપૉડ અને લેમેલિબ્રૅન્ક અસંખ્ય જાતિ-ઉપજાતિઓના સ્વરૂપે રજૂ થાય છે.

હિમાલયના કાશ્મીર, સિમલા અને પીરપંજાલના વિસ્તારોમાં તેમજ જમ્મુની ટેકરીઓમાં, આસામ હિમાલયમાં, સૉલ્ટ રેન્જમાં, પોટવાર, હઝારા અને સિંધના વિસ્તારોમાં તો તેનો વિશિષ્ટપણે વિકાસ થયેલો જોવા મળે છે. જમ્મુના ઈયોસીન ખડકો ઍન્થ્રેસાઇટ કોલસાની 2થી 6 મીટરની જાડાઈવાળી સ્તરપટ્ટીઓ અને બૉક્સાઇટ ધરાવતા હોવાથી આર્થિક ર્દષ્ટિએ મહત્વના છે. અહીંની સુબાથુ શ્રેણી તરીકે જાણીતી ઈયોસીન ખડકરચના, વટાણાકાર બૉક્સાઇટ અને નિમ્ન ભાગમાં માટી તેમજ ક્વચિત્ પાયરાઇટધારક શેલ ખડકસ્તરોના પટ્ટાવાળા નુમ્યુલાઇટ ચૂનાખડકોથી બનેલી છે. જમ્મુની સુબાથુ શ્રેણી પર્મોકાર્બોનિફેરસ ખડકો ઉપર અસંગતિ સાથે સંકળાયેલી છે અને એ જ રીતે તેની ઉપર મરી શ્રેણી રહેલી છે. સુબાથુ શ્રેણી સિમલામાં પણ મળે છે, જ્યાં બાહ્ય હિમાલયમાં ઈયોસીન ખડકોનો વિકાસ થયેલો છે. સિમલાની સુબાથુ શ્રેણી સિંધની કિરથાર શ્રેણી (ઊર્ધ્વ વિભાગ) સાથે સમકક્ષ ગણાય છે.

ભારતમાં જોવા મળતી ટર્શિયરી રચનાઓ, નીચે રહેલી ક્રિટેસિયસ રચનાથી ઘસારાજન્ય અસંગતિ(erosional unconformity)ને કારણે જુદી પડે છે. ઈયોસીન રચનાના ખડકો ઊંડા જળનો દરિયાઈ નિક્ષેપપ્રકાર, નદીનાળાંજન્ય નિક્ષેપપ્રકાર તેમજ છેલ્લે નદીજન્ય નિક્ષેપપ્રકાર – એવા ત્રણ વિભિન્ન નિક્ષેપ-રચનાપ્રકારો દર્શાવે છે. ઊંડા જળનો દરિયાઈ નિક્ષેપપ્રકાર પશ્ચિમ સિંધ અને બલૂચિસ્તાનમાં, વાયવ્ય સરહદના વિસ્તારોમાં અને કાશ્મીરમાં જોવા મળે છે; નદીનાળાંજન્ય નિક્ષેપપ્રકાર દક્ષિણ કાશ્મીર તેમજ કાશ્મીર-નૈનિતાલ વચ્ચેના હિમાલય-વિસ્તારમાં, ગુજરાત, કચ્છ, રાજસ્થાનમાં અને પૂર્વ ભારતના શિલોંગના ઉચ્ચ સપાટ પ્રદેશમાં મળે છે; જ્યારે નદીજન્ય નિક્ષેપપ્રકાર વાયવ્ય પંજાબમાં વિકાસ પામેલો છે.

તળ ગુજરાતમાં ઈયોસીન ખડકો બે વિવૃતિઓ દ્વારા રજૂ થાય છે : એક તાપી નદીની ઉત્તરે અને બીજી મોટી વિવૃતિ કિમ નદી અને નર્મદા નદીની વચ્ચે મળે છે. તેનો નીચેનો ભાગ અશુદ્ધ ચૂનાખડક અને લેટેરાઇટથી બનેલો છે; જેમાં નુમ્યુલાઇટ્સ થેલિક્સ, નુમ્યુલાઇટ્સ ગ્લોબોમ નુમ્યુલાઇટ્સ ડિસ્કોસાયક્લિના વગેરે જીવાવશેષો રાણીકોટ શ્રેણીના હોવાનું દર્શાવે છે. તેમની ઉપરના ખડકોમાં રહેલા એસ્સિલિના એક્સ્પૉનન્સ, નુમ્યુલાઇટ્સ રેમોન્ડી, ઑસ્ટ્રિયા ફ્લેમિન્ગી અને નટિકા લૉન્જિસ્પિરા દ્વારા તે કિરથાર વયના હોવાનું દર્શાવે છે. સૌથી ઉપરના ઈયોસીન સ્તરો પ્રિયાબોનિયન (ઊર્ધ્વ ઈયોસીન) વયના છે. આ ખડકસ્તરોની ઉપર માયોસીન વયના ગ્રૅવલ, કૉંગ્લોમરેટ, રેતીખડક અને શેલથી બનેલો 1,200થી 1,500 મીટરની જાડાઈનો વિભાગ રહેલો છે.

કચ્છમાં પણ કિનારાને સમાંતર બે સ્થળોએ ઈયોસીન વયના ખડકો મળે છે. અંદરના ભૂમિભાગમાં ડેક્કન ટ્રૅપ ઉપર અને કિનારા વિસ્તારમાં તે જુરાસિક ઉપર રહેલા છે. નીચેના સ્તરો 60 મીટરની જાડાઈવાળા ચિરોડીયુક્ત, પાયરાઇટયુક્ત અને કાર્બનદ્રવ્યયુક્ત શેલથી બનેલા લાકી (Laki) વયના છે; જેની ઉપર નુમ્યુલાઇટ્સ, એકિનૉઇડ્સ વગેરે ધરાવતા 210 મીટર જાડાઈવાળા કિરથાર ચૂનાખડકો રહેલા છે. કિરથાર ખડકોની ઉપર ગજશ્રેણી(નિમ્ન માયોસીન)ના અસંખ્ય લેમિલિબ્રૅન્ક અને ગૅસ્ટ્રોપોડ ધરાવતા ચૂનાયુક્ત શેલ અને માર્લ રહેલા છે. આ ઉપરાંત આ બંનેની નીચે કચ્છના તળભાગમાં નિમ્ન ઈયોસીન-પૅલિયોસીન વયની ડેક્કન ટ્રૅપ રચના તો છે જ.

રાજસ્થાનમાં અરવલ્લીની પશ્ચિમે, ઈયોસીન રચનાના ખડકો રણપ્રદેશમાં બિકાનેર, જોધપુર અને જેસલમેરમાં ક્રિટેસિયસ જીર્ણ વિવૃતિઓ સહિત મળી આવે છે. તેમાં રહેલા નુમ્યુલાઇટયુક્ત ચૂનાખડકને લીધે તે ઓળખી શકાય છે. બિટુમિનસ કોલસો અને લિગ્નાઇટનો સમાવેશ કરતો શેલસમૂહ આ સ્તરોની નીચે રહેલો છે. આંતરસ્તરોમાં ચિરોડી વિપુલ પ્રમાણમાં છે. આ શ્રેણી સિંધના લાકી પ્રકારને સમકક્ષ છે. વળી શેલ ખડકો સાથે મળતી પીળી અને કથ્થાઈ માટી મુલતાની માટી તરીકે ઉપયોગમાં લેવાય છે. લિગ્નાઇટ અને ચિરોડીનું તો સવિશેષ મહત્વ છે જ. આ શ્રેણીના વિવૃત ભાગ ઉપર આવેલું બિકાનેરનું પાલના કોલસાક્ષેત્ર જાણીતું છે.

દક્ષિણ ભારતની કોરોમાંડલ કિનારાપટ્ટી પર ઈયોસીન રચનાના  જીવાવશેષવાળા સ્તરો મળી આવે છે. પુદુચેરી નજીક જીવાવશેષયુક્ત નિમ્ન ઈયોસીન ચૂનાખડક મળે છે; વળી નજીકનાં શારકામોમાંથી મધ્ય ઈયોસીન સમયની રેતી પણ મળી આવી છે.

સૉલ્ટ રેન્જમાં નિમ્ન ક્રિટેસિયસ વખતે પાછાં હઠી ગયેલાં દરિયાનાં પાણી ફરીથી પથરાતાં ઊંડા જળના અને નદીનાળાંજન્ય નિક્ષેપપ્રકાર વચ્ચેની સ્થિતિ દર્શાવતા ઈયોસીન ખડકો જૂના ખડકોની ઉપર અતિવ્યાપ્તિની રચના રજૂ કરતા જોવા મળે છે. અહીં સૌથી નીચે ઢાક ઘાટ સ્તરો ખૈરાબાદ ચૂનાખડક અને પતાલા શેલથી બનેલી રાણીકોટ શ્રેણીની ઉપર નમ્માલ ચૂનાખડક અને શેલ, સાકેસર ચૂનાખડક અને ભદ્રાર સ્તરોથી બનેલી લાકી શ્રેણીના ખડકો ગોઠવાયેલા જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા