લેવાઝિયે, ઍન્તૉન લૉરેન
January, 2005
લેવાઝિયે, ઍન્તૉન લૉરેન (જ. 26 ઑગસ્ટ 1743, પૅરિસ; અ. 8 મે 1794, પૅરિસ) : આધુનિક રસાયણશાસ્ત્રના સ્થાપક ફ્રેન્ચ રસાયણજ્ઞ અને સમાજસુધારક. વકીલ પિતાના પુત્ર લેવાઝિયેએ પૅરિસની માઝારિન કૉલેજમાં અભ્યાસ કર્યો (1754-61) અને ભાષા, સાહિત્ય તથા ફિલસૂફીના શિક્ષણ ઉપરાંત ગણિત, ખગોળ, રસાયણ અને વનસ્પતિશાસ્ત્રમાં પણ તાલીમ મેળવી. 1761-64ના ગાળામાં કાયદાના અભ્યાસ દરમિયાન તેમણે જીન-એટીન ગેતાર્દના ભૂસ્તરવિદ્યા અંગેનાં તથા ગીલોમ-ફ્રાંસ્વા રૂએલના રસાયણશાસ્ત્ર ઉપરનાં પ્રવચનો સાંભળ્યાં. આ બે વૈજ્ઞાનિકો ઉપરાંત તેઓ આબે દ લાકેલ, બર્નાર્ડ દ જુસીઓ વગેરેથી પણ પ્રભાવિત થયા હતા. આને લીધે તેમના સંશોધક માનસે તેમને કાયદાનો અભ્યાસ છોડી વિજ્ઞાન તરફ વાળ્યા. શરૂઆતમાં તેઓ ગણિત અને મોસમવિજ્ઞાન તરફ આકર્ષાયા અને રોજ અનેક વાર બેરૉમિટર લઈ હવાના દબાણની નોંધો કરતા તથા હવામાનમાં થતા ફેરફારો પાછળના નિયમો શોધવા મથતા હતા.
1765માં તેમણે એકૅડેમી દ સાયન્સિઝ સમક્ષ જિપ્સમના ગુણધર્મો અને પ્લાસ્ટર ઑવ્ પૅરિસના નિ:સાદન (settling) ઉપર પ્રથમ સંશોધનપત્ર રજૂ કર્યું. જ્યારે 1766માં શહેરો અને કસબા(towns)ના રસ્તાને પ્રકાશિત કરવા અંગેના નિબંધ માટે એકૅડેમીનો સુવર્ણચંદ્રક ફ્રાન્સના રાજા પાસેથી પ્રાપ્ત કર્યો. તે પછીના વર્ષે (1767) તેઓ ગેતાર્દના સહાયક તરીકે ફ્રાન્સના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણમાં જોડાયા અને 1768માં ફ્રાન્સનો સૌપ્રથમ ભૂસ્તરશાસ્ત્રીય નકશો તૈયાર કર્યો. તે જ વર્ષે પાણીના નમૂનાઓના પૃથક્કરણ અંગેનું સંશોધનપત્ર રજૂ કર્યા બાદ 25 વર્ષની નાની વયે તેઓ એકૅડેમી દ સાયન્સિઝના સહાયક સભ્ય તરીકે નામાંકન પામ્યા.
1768ના વર્ષમાં જ તેઓ ફ્રેન્ચ સરકાર વતી પ્રજા પાસેથી કર ઉઘરાવતી સંસ્થા ફર્મ જનરલ (Ferme generale) નામની સંસ્થામાં જોડાયા. પાછળથી આ બાબત તેમને માટે કમનસીબ પુરવાર થઈ અને તેમના મૃત્યુદંડ સુધી દોરી ગઈ.
1770માં લેવાઝિયેએ તે સમયની એક પ્રચલિત માન્યતા કે પાણીનું વારંવાર નિસ્યંદન કરવાથી તે મૃદામાં ફેરવાય છે તેનો વિરોધ કર્યો. આને લીધે તેમને બહોળી ખ્યાતિ પ્રાપ્ત થઈ.
1771માં 28 વર્ષની ઉંમરે તેમણે 14 વર્ષનાં મેરી પાઉલ્ઝ (જે પાછળથી મેરી એન પિયરેત તરીકે ઓળખાયાં) સાથે લગ્ન કર્યાં. મેરી લેવાઝિયેના સંશોધનમાં મદદ કરવા ઉપરાંત તેમના પ્રયોગોની નોંધ કરવાનું તથા તેમને માટે પ્રિસ્ટલી, કૅવેન્ડિશ વગેરે અંગ્રેજ વૈજ્ઞાનિકોનાં લખાણના ફ્રેન્ચ ભાષામાં તરજુમા કરી આપવાનું કાર્ય કરતાં હતાં.
ઇંગ્લૅન્ડની વિખ્યાત ત્રિપુટી(બ્લૅક, કૅવેન્ડિશ અને પ્રિસ્ટલી)નાં કાર્યોની પુરવણી કરીને લેવાઝિયેએ એમનાં સંશોધન ઉપર સુંદર ઇમારત ચણી. 1 નવેમ્બર 1772ના રોજ તેમણે એકૅડેમી ઑવ્ સાયન્સિઝ સમક્ષ એક નોંધ રજૂ કરતાં જણાવ્યું કે ગંધક અને ફૉસ્ફરસ હવામાં બળે છે ત્યારે તેમાંથી મળતા પદાર્થોનાં વજનમાં વધારો થાય છે; જ્યારે લિથાર્જ(સીસાની ભસ્મ, PbO)ને કાર્બન સાથે ગરમ કરવાથી મળતા સીસાનું વજન ઓછું હોય છે. 1774માં પ્રિસ્ટલીએ હિંગળોક(પારા અને ઑક્સિજનનું સંયોજન)ને ગરમ કરી એક વાયુ મેળવ્યો, જેનું નામ તેમણે ‘ફ્લૉજિસ્ટનવિહીન હવા’ (dephlogisticated air) રાખ્યું હતું. લેવાઝિયેએ પણ આ વાયુ બનાવી તેને ‘ઑક્સિજન’ નામ આપ્યું (1777). તેમણે પુરવાર કર્યું કે ગંધક અને ફૉસ્ફરસ હવામાં બળે છે, ત્યારે આ વાયુ સાથે તેમનું સંયોજન થાય છે. આમ સત્તરમી સદીમાં બેયર તથા સ્ટાહલ નામના જર્મન વૈજ્ઞાનિકોએ સ્થાપેલો ફ્લોજિસ્ટન-સિદ્ધાંત તેમણે ખોટો ઠરાવી તેને જબરો ફટકો આપ્યો.
તેમની નાણાકીય અને સંગઠનાત્મક ક્ષમતાને કારણે ફ્રાન્સમાં સુરોખારની પેદાશ વધારવા અને ઊંચી જાતનો દારૂગોળો બનાવવા માટે નવું ખાતું (વિભાગ) શરૂ થયું. તેમાં તેઓ 1775થી નિયામક તરીકે નિમણૂક પામ્યા હતા. તેમણે દારૂગોળા(gun powder)ની ગુણવત્તા સુધારી અને આ પ્રતિષ્ઠાન (estabilshment) વૈજ્ઞાનિકો તથા આધુનિક વિચારધારા ધરાવનારાઓનું મળવાનું સ્થળ બની ગયું.
25 જૂન 1783ના રોજ લેવાઝિયેએ લાપ્લાસે સાથે ફ્રેન્ચ એકૅડેમીને જણાવ્યું કે પાણી હાઇડ્રોજન અને ઑક્સિજનની નીપજ છે. કૅવેન્ડિશ અને જેમ્સ વૉટે પણ પાણી એ આ બે વાયુઓનું સંયોજન છે તેમ જણાવેલું. આ શોધનું માન કૅવેન્ડિશને ફાળે ગયેલું. કાર્બનિક પદાર્થો બાળવાથી કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી બને છે તેમ પણ લેવાઝિયેએ દર્શાવેલું. આલ્કોહૉલ, કપૂર વગેરે પદાર્થોના પૃથક્કરણ બાદ તેમાં કેટલા ભાગ કાર્બન, હાઇડ્રોજન તથા ઑક્સિજન છે તે પણ તેમણે નક્કી કર્યું.
1774માં તેમણે તેમનું પ્રથમ પુસ્તક Opuscules Physiques et Chimiques પ્રકાશિત કર્યું. 1787માં ફ્રેન્ચ રસાયણવિદો – બર્થોલેટ, ફાઉરક્રૉય અને મોરવાઉ સાથે તેમણે methode´ de Nomenclature Chimique પ્રકાશિત કર્યું, જેમાં તે સમયે જાણીતાં તત્વો અને સંયોજનોનું વર્ગીકરણ કરી તેમનું પુન:નામકરણ કરવામાં આવેલું. આમ રાસાયણિક પદાર્થોનાં નામ તેમનામાં રહેલા ઘટકો ઉપરથી આપવાની રીત વિકસાવવામાં લેવાઝિયેનો ફાળો મહત્વનો છે. તે પછીના વર્ષે તેમણે અન્ય વૈજ્ઞાનિકો સાથે Annales de Chimie નામનું નૂતન રસાયણને લગતું સામયિક ચાલુ કર્યું. 1789માં તેમણે લખેલા પુસ્તક Traite’ E´le´mentaire de Chimie (Elementary Traetise on Chemistry)માં 33 મૂળ તત્વોની યાદી આપવામાં આવેલી.
લેવાઝિયેએ શાસ્ત્રીય પદ્ધતિથી ખેતીવાડી કરવાના ફાયદા બતાવ્યા તથા ભૌતિકવિજ્ઞાનમાં લાપ્સાસે સાથે ઉષ્માના વિષયમાં પણ સંશોધન કર્યું. તેમણે પ્રાણીઓના શ્વસન અંગે સંશોધન કરી દર્શાવ્યું કે શ્ર્વાસોચ્છવાસ તથા શરીરની ગરમીનું નિયમન એ સર્વ રાસાયણિક ક્રિયાઓ છે.
1791માં ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન તેમના ઉપર સખત પ્રહારો થયા. બધી જ જ્ઞાનપ્રચારક સંસ્થાઓ બંધ કરાઈ અને એકૅડેમી ઑવ્ સાયન્સિઝ પણ બંધ કરાઈ. લેવાઝિયેના ઘરને સીલ મારવામાં આવ્યાં તથા તેમના ઉપર અનેક આરોપો મુકાયા. 1793માં તેમની ધરપકડ થઈ. તેમનાં પત્નીએ તેમને બચાવવા અનેક નિષ્ફળ પ્રયત્નો કર્યા. 7મી મે 1794ના રોજ ફેર્મના 28 સભાસદોને બળવાખોરોની અદાલત સમક્ષ રજૂ કરાયા. અનેક વિજ્ઞાનીઓએ તેમને બચાવવા અપીલો કરી. પરંતુ ‘ફ્રેન્ચ પ્રજાસત્તાકને વિદ્વાનોની જરૂર નથી, ન્યાય પોતાનો માર્ગ લેશે’ એવો અદાલતના પ્રમુખ કૉફીન હૉલે જવાબ આપ્યો અને જ્યૂરીએ સર્વાનુમતે ગુનેગારનો ચુકાદો આપ્યો તથા 8મી મે 1794ના રોજ ગિલોટીનથી તેમનું માથું અલગ કરવામાં આવ્યું. બીજા જ દિવસે ફ્રાન્સના વિખ્યાત ગણિતશાસ્ત્રી લાગ્રાંગે નિવેદન આપ્યું : ‘એક જ મિનિટ, લેવાઝિયેનું માથું ધડથી છૂટું પાડતાં; પણ એવું બીજું ઉત્પન્ન કરતાં બીજાં સો વર્ષ નીકળી જશે.’
લેવાઝિયેના અપમૃત્યુથી જગતભરના વિદ્વાનોમાં ખળભળાટ મચી ગયો અને બધાએ આ કૃત્ય વખોડી કાઢ્યું. મરણ પછી બે વર્ષે તેમની ભવ્ય સ્મશાનયાત્રા કાઢવામાં આવી અને ફ્રાન્સની પ્રજાએ તેમને અંજલિ અર્પી.
જ. પો. ત્રિવેદી