લેવિટેન, આઇઝેક (Levitan, Isaac) (જ. 1861, કિબેર્ટી, કોવ્નો ગુબેર્નિયા, રશિયા; અ. 22 જુલાઈ 1900, મૉસ્કો, રશિયા) : રશિયન નિસર્ગ-ચિત્રકાર. કોવ્નો ગુબેર્નિયા જિલ્લામાં એક ગરીબ યહૂદી ધર્મશિક્ષકને ઘેર એમનો જન્મ થયેલો. મૉસ્કોની સસ્તી ચા-કૉફીની દુકાનોમાં એ કિશોરાવસ્થામાં બેસી રહેતા અને ત્યાં ઘરાકોની ચિરૂટના ધુમાડા અને ઘોંઘાટ વચ્ચે ફ્રેન્ચ બાર્બિઝો-શૈલીના ચિત્રકાર કોરોનાં ચિત્રો યાદ કરતા. મૉસ્કોની મ્યાનિસ્ત્સ્કાયા શેરીમાં આવેલી એક સ્કૂલમાં એમણે ભણવાનું શરૂ કર્યું. મા-બાપ બાળપણમાં જ ગુજરી ગયેલાં અને એકમાત્ર બહેન નોકરી કરતી હતી. 1879માં રશિયન ઝારે આદેશ આપતાં મૉસ્કો નગરીની ‘પવિત્રતા’ અખંડ રાખવા માટે બધા જ યહૂદીઓએ મૉસ્કોના સેલ્ટિકોવ્કા વિસ્તારમાં રહેવા જવું પડ્યું, તેમાં લેવિટેનને પણ જવું પડ્યું. એ જ વર્ષે તેઓ મૉસ્કોની કલાશાળા સ્કૂલ ઑવ્ પેઇન્ટિંગ ઍન્ડ સ્કલ્પ્ચરમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. એમનાં પ્રારંભિક નિસર્ગચિત્રો નિહાળી કલાશિક્ષક સૅવ્રાસોવ ખૂબ પ્રભાવિત થયા અને એમણે ભવિષ્યવાણી કરી કે લેવિટેન ભવિષ્યમાં રશિયાનો ‘કોરો’ બનશે. સૅવ્રાસોવની સૂચના અનુસાર લેવિટેને સ્ટુડિયો તજી નિસર્ગમાં બેસીને ‘ઓપન એર’ ચિત્રણા કરવી શરૂ કરી. સમશીતોષ્ણ કટિબંધમાં પાનખરનું આગમન થતાં વૃક્ષોનાં લીલાં પર્ણોનાં પીળા, કેસરી, સોનેરી, લાલ અને મરૂન રંગોમાં થતાં પરિવર્તનને આલેખતું ચિત્ર ‘ઑટમ ડે ઇન સોકોલ્નિકી’ ચીતર્યું, જે એમનું પ્રથમ ઉત્તમ ચિત્ર (‘માસ્ટર પીસ’) ગણાય છે. એ ચિત્રમાં એક ખૂણે ઝાડીની નીચે એક કેડી પર કાળાં વસ્ત્રો ધારણ કરીને ચાલતી એક સ્ત્રી એમણે ચીતરી છે. એ સ્ત્રીની આકૃતિને કારણે આ નિસર્ગચિત્ર દર્શકની ભૂતકાળની મીઠી સ્મૃતિઓને અને એકલવાયાપણાનો અહેસાસ જગાડવામાં સક્ષમ બન્યું છે. લેવિટેનની એકમાત્ર આ જ ચિત્રકૃતિ છે, જેમાં માનવઆકૃતિ જોવા મળે છે, એ પછી એમણે કદી પણ માનવઆકૃતિ ચીતરી નથી. પછીનાં બધાં જ નિસર્ગચિત્રો નિસર્ગનાં વન્ય અને આરણ્યક પાસાં પ્રગટ કરે છે. કલાશાળામાં અભ્યાસની પૂર્ણાહુતિ પ્રસંગે અંતિમ પરીક્ષા માટે લેવિટેને ચીતરેલા નિસર્ગચિત્રને કલાશિક્ષક સૅવ્રાસોવે રૌપ્ય ચંદ્રક આપ્યો. એમાં વાદળિયા આકાશ નીચે લણણી કરેલા મકાઈનાં ડૂંડાંઓના ઢગ નજરે પડે છે; પરંતુ લેવિટેન અને સૅવ્રાસોવ તરફ દ્વેષભાવથી પીડાતા અન્ય હરીફ કલાશિક્ષકોએ એવી પેરવી કરી કે લેવિટેનને કલાઅભ્યાસ પૂરો કર્યો તેનું ડિપ્લોમા-સર્ટિફિકેટ મળી શક્યું નહિ અને તેમની કારકિર્દી પર અંધકારનાં વાદળ છવાઈ ગયાં. લેવિટેન મૅક્સિમૉવ્કા નામના ગામે ચાલ્યા ગયા. ત્યાં ચિત્રકાર નિકોલાઈ ચેખૉવ સાથે અને તેના કુટુંબ સાથે એમણે દોસ્તી બાંધી. એ કુટુંબના ઘરમાં જ એમણે વસવાટ શરૂ કર્યો. એ કુટુંબ સાથે લેવિટેન માછલાં પકડતા, તથા જંગલમાં ફળો અને બિલાડીના ટોપ એકઠા કરવા જતા. આ રીતે તેમનાં નિસર્ગ સાથેનાં સંપર્ક અને ઘનિષ્ઠતા વધતાં ગયાં. ધીમે ધીમે નિકોલાઈ ચેખૉવના ભાઈઓ ઍલેક્ઝાન્ડર ચેખૉવ અને મહાન રશિયન વાર્તાકાર ઍન્તૉન ચેખૉવ સાથે પણ લેવિટેનને ઘનિષ્ઠ મિત્રતા બંધાઈ. ઍન્તૉન ચેખૉવે લેવિટેનનાં ચિત્રો ઉપર ખાસ્સી માત્રામાં ટીકા-ટિપ્પણો પણ લખ્યાં. લેવિટેન ટ્યુચેવ(Tyutchev)નાં કાવ્યોનું પઠન કરતા અને ચેખૉવ સાંભળતા. એમણે ગધેડા પર સવારી કરીને રખડપટ્ટી કરવાનો શોખ પણ કેળવ્યો. એમનાં નિસર્ગચિત્રોમાં એકલવાયાપણાની, વિરહ-વેદનાની વ્યથાની અને નિરાશાની અભિવ્યક્તિ ધીમે ધીમે વધુ ને વધુ મુખર બનતી ગઈ. એમની ખ્યાતિ સમગ્ર રશિયામાં પ્રસરી. એ હવે એક પ્રતિષ્ઠિત સજ્જન તરીકે મૉસ્કોમાં ફરીથી ગયા; પણ ફરી એક વાર 1892માં યહૂદી હોવાને કારણે તેમને મૉસ્કોમાંથી રાજ્યસત્તા દ્વારા તગેડી મૂકવામાં આવ્યા. એમનો સ્વભાવ તીખો અને કડવો બનતો ગયો તથા એ એટલા બધા હતપ્રભ બની ગયા કે બે વાર તો ડિપ્રેશનની ગર્તામાં સરી ગયા અને બંને વાર ઍન્તૉન ચેખૉવે તેમને બચાવ્યા અને કાળજી લીધી. દક્ષિણ રશિયાનો હૂંફાળો ગરમ તડકો તેમને વધુ અનુકૂળ આવે એ વિચારથી 1886માં ઍન્તૉન ચેખૉવે તેમને ક્રિમિયા નગરમાં રહેવા મોકલ્યા; પણ ત્યાં ઝાઝું ન ટકતાં એ થોડા જ મહિનામાં મૉસ્કો ગયા અને ઑપેરા માટેની પિછવાઈઓ (પૃષ્ઠભૂમિકાના પડદા) ચીતરવી શરૂ કરી. શિયાળામાં વૉલ્ગા નદીને આલેખતાં નિસર્ગચિત્રો ખુલ્લામાં બેસીને શરૂ કરવા જતાં તેઓ કાયમી શરદીના ભોગ બન્યા. એ વખતે એમણે એમનાં બે વિખ્યાત નિસર્ગચિત્રો – ‘આફ્ટર ધ રેઇન’ અને ‘અબવ ઇટર્નલ પીસ’ ચીતર્યાં. ‘આફ્ટર ધ રેઇન’માં વૉલ્ગા નદીને કાંઠે વરસાદી વાતાવરણમાં અરુણોદય ચીતર્યો છે. ‘અબવ ઇટર્નલ પીસ’માં ત્વેર જિલ્લામાં આવેલું ઉદોમ્લિયા સરોવર ચીતર્યું છે. એમાં સરોવરને કાંઠે ઊગેલાં બર્ચ વૃક્ષો અને ઉપર રહેલાં કાળાં વાદળાંમાંથી ચળાઈને નીચે પડતા પ્રકાશનું આલેખન છે. સરોવરને સામે કાંઠે દૂર લાકડાંથી બાંધેલું ચર્ચ દેખાય છે.

1895માં લેવિટેન યુવાન ચિત્રકાર કુવ્શિનિકૉવાના પ્રેમમાં પડ્યા. મિત્ર અને વાર્તાકાર ઍન્તૉન ચેખૉવે એ બંનેના પ્રેમપ્રકરણમાંથી પ્રેરણા મેળવી વાર્તા ‘ધ ગ્રાસહોવર’ લખી. તેથી લેવિટેનને એટલો બધો આઘાત લાગ્યો અને તેઓ ચેખૉવ પર એટલા બધા નારાજ થયા કે એમણે લાંબા સમય સુધી ચેખૉવ સાથે બોલવું-ચાલવું બંધ કર્યું. ધીમે ધીમે કળ વળતાં લેવિટેને સંબંધ ફરી શરૂ કર્યો ખરો, પણ ચેખૉવને એમણે કદી માફ તો કર્યા જ નહિ. પછી લેવિટેન અને કુવ્શિનિકૉવા રયાઝાન ગયાં અને ત્યાંથી સ્ટીમબોટમાં બેસી ચુલ્કૉવો ગયાં. ત્યાંની પ્રસન્ન પ્રકૃતિની એ બંનેના માનસ તથા ચિત્રકલા ઉપર ફળદાયી અસર પડી.

‘સ્ટુડિયોમાં વિચારમગ્ન લેવિટેન’

પરંતુ આસપાસના ગ્રામજનોએ જ્યારે જાણ્યું કે લેવિટેન જે સ્ત્રીને લઈને ફરે છે તેની સાથે લગ્ન વિના રહે છે ત્યારે એમને કનડગત શરૂ કરી. પછી બંને ઓકા પ્રાંતમાં નિઝ્નીનૉવ્ગોરોડ સુધી ગયાં અને ત્યાંથી સ્ટીમબોટમાં બેસી રિબિન્સ્ક ગયાં. અચાનક લેવિટેન પર ફરી વ્યથા અને ડિપ્રેશનનો હુમલો આવ્યો. બંને પ્લ્યોસ ગયાં, ત્યાં પાઇનવૂડમાંથી બનાવેલા એક જૂના નાનકડા ચર્ચમાં લેવિટેનનું મન થોડું શાંત થયું. પ્લ્યોસની પ્રકૃતિને આલેખતું નિસર્ગચિત્ર ‘ગોલ્ડન પ્લ્યોસ’ ચીતર્યું. બંને પાછાં મૉસ્કો ગયાં. ત્યાં બીજાં બે સુંદર નિસર્ગ-ચિત્રો ‘એ ફ્રેશ બ્રીઝ’ અને ‘ઇવનિંગ બેલ્સ’ ચીતર્યાં. ફિનલૅન્ડ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીનો પ્રવાસ ખેડ્યો પણ કોઈ ફળદાયી પરિણામ આવ્યું નહિ. ફિનલૅન્ડની ઊંચી ભવ્ય ભેખડો, કાળી ડિબાંગ નદીઓ અને નીલા ગગનસમુદ્ર જોઈ એ કંટાળ્યા. એમણે ઍન્તૉન ચેખૉવને લખ્યું, ‘હું ફરી વ્યથિત અને નિરાશ થયો છું. અહીંની પ્રકૃતિમાં મને રસ પડતો નથી.’ ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડની પ્રકૃતિથી પણ તેમને આકર્ષણ થયું નહિ. માત્ર રશિયન નિસર્ગની અભિવ્યક્તિ જ લેવિટેનની કલાનો મુખ્ય વિષય બની રહી. પૅરિસમાં પ્રભાવવાદી ચિત્રકાર ક્લોદ મોનેનાં નિસર્ગચિત્રોથી એ પ્રભાવિત થયા.

લેવિટેનનાં અંતિમ વર્ષોમાં પણ થોડાં શ્રેષ્ઠ નિસર્ગચિત્રો સર્જાયાં : ‘સ્પ્રિંગ ફ્લડ’, ‘અર્લી સ્પ્રિંગ’ અને ‘માર્ચ’. એમને હૃદયરોગનો હુમલો આવ્યો પણ તબિયતની દરકાર કરવાનો એમણે સતત ઇન્કાર કર્યો. વીશ્ર્ની-વાલોયોક ગામમાં પૅનેફીડિન નામના શ્રીમંતે એમને પોતાની જાગીર પર આમંત્રી મહેમાન બનાવ્યા; ફરી એક વાર એ ડિપ્રેશનનો ભોગ બન્યા. હવે એમને પોતાના ભૂતકાળની યુવાનીની સુખદ સ્મૃતિ સતાવવા લાગી, ગમે ત્યારે એમની આંખોમાંથી આંસુ દદડવા માંડતાં. જિંદગીનો છેલ્લો ઉનાળો એમણે ઝ્વેનિગોરૉડમાં વિતાવ્યો. 1899ના શિયાળામાં ડૉક્ટરોએ એમને ઍન્તૉન ચેખૉવ સાથે રહેવા માટે યૅલ્ટા મોકલ્યા. બંને સર્જકોનાં શરીરો હવે ખખડી ગયાં હતાં. લેવિટેન તો ટેકણલાકડીને સહારે વાંકા વળીને ધીમે ધીમે પગ માંડી શકતા, પણ ચેખૉવ મૉસ્કો જવા ઝૂરી રહ્યા હતા. આખરે લેવિટેન પણ મૉસ્કો ગયા, પરંતુ થોડા દિવસોમાં ત્યાં અવસાન પામ્યા.

અર્લી સ્પ્રિંગ

રશિયન પ્રકૃતિનું પ્રભાવવાદી પદ્ધતિએ આલેખન કરવામાં લેવિટેનનું નામ પહેલું અને મોખરાનું ગણાય છે.

અમિતાભ મડિયા