લેવલર્સ : ઈ. સ. 1646-47 દરમિયાન અસ્તિત્વમાં આવેલું ઇંગ્લૅન્ડનું ઉદ્દામવાદી રાજકીય આંદોલન. ઇંગ્લૅન્ડમાં પ્રથમ ગૃહયુદ્ધના અંતે આ આંદોલન ચાલ્યું. તેના નેતા જૉન લીલબર્ન (1614-1657) અને સર જૉન વિલ્ડમન (1621-1693) હતા. આ બંને સભ્યો વ્યાપાર સાથે સંકળાયેલા હતા. રિપબ્લિકન અને ડેમોક્રૅટિક પક્ષનાં જૂથોના કેટલાક સભ્યો પણ લેવલર્સ હતા. આ જૂથોએ મુખ્યત્વે નીચલા મધ્યમવર્ગના સભ્યોને પોતાની તરફ આકર્ષવા માટે અપીલ કરી હતી. નાના ખેડૂતો, કલાકારો, વિવિધ હુન્નર-ઉદ્યોગોના શ્રમિકો અને ઉચ્ચ આદર્શો ધરાવતા જમીનમાલિકોનો તેમને મજબૂત ટેકો સાંપડ્યો. લશ્કરના સામાન્ય સૈનિકો(ranks of the army)ના વર્ગમાંથી પણ તેમને સમર્થન સાંપડ્યું હતું.

રાજા ચાર્લ્સ પહેલાના વધ (1649) પછી ઑલિવર ક્રૉમવેલની નવી રચાયેલી સરકાર આ આંદોલનકારીઓની દૃષ્ટિએ ઉન્નત વલણો ધરાવતી અલ્પજનશાહી હતી, જેનો તેમણે વિરોધ કર્યો હતો. લેવલર્સ સમૂહની કેટલીક માંગણીઓ હતી. તેમાં વ્યાપક સંસદીય મતાધિકાર, ધાર્મિક સહિષ્ણુતા, કાનૂની સુધારા તથા ચર્ચને ચૂકવવામાં આવતા દશાંશ ભાગની નાબૂદીની બાબતો મુખ્ય હતી. તદુપરાંત વ્યાપારી ઇજારાઓની અને આબકારી જકાતની નાબૂદીની માંગ પણ આ જૂથે કરી હતી. વળી પાર્લમેન્ટ પ્રત્યેક વર્ષે કે બે વર્ષે અનિવાર્યપણે બેઠકો યોજે (આ કાળ દરમિયાન પાર્લમેન્ટની બેઠકો અંગે નિશ્ચિતતા પ્રવર્તતી નહોતી) તેવી તેમની માંગ હતી. તમામ સત્તા લોકો પાસે રહેલી છે તેવી મૂળભૂત માન્યતાથી પ્રેરાઈને આ લેવલર્સ જૂથે આવી માંગણીઓ રજૂ કરી હતી. આ સમગ્ર માંગણીઓ ‘એગ્રીમેન્ટ ઑવ્ ધ પીપલ’ દસ્તાવેજ દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેમના મતે આ દસ્તાવેજ એક પ્રકારનું બંધારણ જ હતું જે તેમણે લશ્કરની જનરલ કાઉન્સિલ સમક્ષ વિચારણા માટે મૂક્યું હતું. જોકે લશ્કરના સેનાપતિઓએ કાઉન્સિલમાં ચર્ચા કર્યા બાદ તેનો અસ્વીકાર કર્યો હતો. આ અંગે પાર્લમેન્ટના સભ્યો દ્વારા પણ ખાસ ઉત્સાહ બતાવવામાં આવ્યો નહોતો.

લેવલર્સ નેતા લીલબર્ને એક ચોપાનિયું પ્રકાશિત કરેલું, જેનું શીર્ષક ‘ઇંગ્લૅન્ડ્’ઝ ન્યૂ ચેઇન્સ’ (England’s New Chains) હતું. આ નાનકડા પ્રકાશન પાછળનો ઉદ્દેશ એ હતો કે ઇંગ્લૅન્ડ રાજાશાહી પછી હવે ક્રૉમવેલ-સ્થાપિત નવી જાળમાં ફસાઈ રહ્યું છે. આ વિચારસમૂહ અંતર્ગત લશ્કરની અંદર થોડાક લેવલર્સ બળવા થયા, જે ક્રૉમવેલે દબાવી દીધા હતા. માર્ચ 1649માં લેવલર્સ નેતાઓની ધરપકડ કરવામાં આવી અને તે સાથે આ આંદોલનનો અંત આવ્યો.

આ આંદોલનના ઉદ્દેશો જાણવાનું કામ સરળ નહોતું. તેઓ મૂળભૂત રીતે વ્યક્તિવાદીઓ હતા. સૌથી અમીરની જેમ સૌથી ગરીબને મત આપવાનો સાચો અધિકાર હોવો જોઈએ, તમામ લોકોનો અવાજ સરકારમાં હોવો જોઈએ તે તેમની મુખ્ય રજૂઆત હતી. સત્તરમી અને અઢારમી સદી દરમિયાન આવા ઘણા લોકશાહી વિચારોને તેમણે ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં વાચા આપી હતી. તેમના વિચારો રાજકીય ચિંતનમાં સીમાચિહન બન્યા. કેટલાંક લેવલર્સ ચોપાનિયાં અંગ્રેજ ગદ્યના વિકાસમાં અગત્યનાં નીવડ્યાં હતાં. તેમના કેટલાક સામાજિક વિચારો ક્વેકર (એક ખ્રિસ્તી સંપ્રદાય) સંપ્રદાયના લોકોએ સ્વીકારી લીધા હતા.

1649 પછી તેનો પ્રભાવ નાબૂદ થયો, છતાં આ આંદોલન ઘણાં વૈચારિક વલયો પેદા કરવા જેટલું સમર્થ રહ્યું હતું.

રક્ષા મ. વ્યાસ