લેવરાન ચાર્લ્સ લુઈ આલ્ફોન્સ
January, 2005
લેવરાન, ચાર્લ્સ લુઈ આલ્ફોન્સ (જ. 18 જૂન 1845, પૅરિસ; અ. 18 મે 1922) : સન 1907ના તબીબીવિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને આ સન્માન પ્રજીવો (protozoa) દ્વારા થતા રોગો વિશેના સંશોધનના કારણે પ્રાપ્ત થયું હતું. તેમના પિતા અને પ્રપિતા (દાદા) ડૉક્ટર હતા, જ્યારે તેમની માતામહ અને પ્રમાતામહ લશ્કરમાં અધિકારીઓ હતા. બાળપણમાં તેઓ કુટુંબ સાથે અલ્જીરિયા ગયા હતા. પરંતુ પાછળથી તેઓ ફ્રાન્સ આવી ગયા હતા. સન 1863માં પૅરિસમાં શાળાશિક્ષણ પતાવીને તેઓ સ્ટ્રેસ્બર્ગની જાહેર આરોગ્ય-શાળામાં તબીબી અભ્યાસમાં 4 વર્ષ માટે જોડાયા.
1866માં સ્ટ્રેસ્બર્ગની સિવિલ હૉસ્પિટલમાં રેસિડન્ટ તબીબી વિદ્યાર્થી બન્યા. 1867માં તેમણે ચેતાઓના પુનર્જનન પર પોતાનો શોધનિબંધ આપ્યો. 1870માં ફ્રેન્ચ-જર્મન યુદ્ધમાં તેમણે લશ્કરમાં સેવાઓ આપી. સન 1874માં તેઓ લશ્કરી રોગો અને વાવર અંગેની સ્વાધ્યાયપીઠ (chair) પર સ્પર્ધાત્મક પરીક્ષાને અંતે નિમાયા. સન 1878થી 1883 તેઓ અલ્જીરિયા રહ્યા, જ્યાં તેમણે મલેરિયાના પરોપજીવો પર સંશોધન કર્યું. 1882માં રોમમાંના મલેરિયાના દર્દીઓના લોહીના નમૂનામાં પણ તેમણે તે જ પરોપજીવો દર્શાવીને મલેરિયા આ ચોક્કસ પ્રકારના પ્રજીવથી થાય છે તેવું દર્શાવ્યું. શરૂઆતમાં લોકોને તેમનાં સંશોધનોની યથાર્થતા અંગે શંકા રહી, પરંતુ પાછળથી સૌ સ્વીકારતા થયા. સન 1889માં એકૅડેમી ઑવ્ સાયન્સિઝે તેમનું સન્માન (award) કર્યું. સન 1884થી તેઓ લશ્કરી સ્વાસ્થ્યના પ્રોફેસર નિમાયેલા હતા. 1894 પછી તેમને સોંપાયેલાં કાર્યોમાં દર્દીઓ કે પ્રયોગશાળાઓ ન હતી, પરંતુ છતાં તેમણે સંશોધન ચાલુ રાખવાની ઇચ્છા રાખી. સન 1896માં તેઓ માનાર્હ સેવાઓના વડા તરીકે પાશ્ર્ચર ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. ત્યાં તેઓ હિમેટોઝોઆ, સ્પોરોઝોઆ અને ટ્રિપેનોસોમ્સ પર સંશોધનો કરતા રહ્યા. 1907માં મળેલા પારિતોષિકનાં નાણાંનાં અર્ધાં નાણાં તેમણે પાશ્ર્ચર ઇન્સ્ટિટ્યૂટમાં વિષુવવૃત્તીય તબીબી વિદ્યાની પ્રયોગશાળા સ્થાપવા માટે આપ્યા. સન 1908માં તેમણે પેથૉલોજીની સોસાયટી સ્થાપી. તેનાં 12 વર્ષ સુધી તેઓ પ્રમુખ રહ્યા. તેમણે મલેરિયા કરતા પરોપજીવોને માનવશરીર બહાર શોધી કાઢવાની જરૂરિયાત દર્શાવી અને રોનાલ્ડ રોસનાં સંશોધનોને સાંકળી લઈને એનોફિલિસ મચ્છર આમાં શું ભાગ ભજવે છે તેનું સંશોધન કર્યું. તેઓ યુરોપની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.
શિલીન નં. શુક્લ