લેવર, રોડ (જ. 9 ઑગસ્ટ 1938, રોખેમ્પ્ટન, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) : ટેનિસ-જગતમાં અજોડ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડી.

ગ્રૅન્ડસ્લૅમની વિશ્વસ્તરની ચારે સ્પર્ધાઓ (ફ્રેન્ચ ઓપન, ઑસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુ.એસ. ઓપન) એક જ વર્ષમાં જીતી જાય તો એને ‘ગ્રૅન્ડસ્લૅમ ચૅમ્પિયન’ કહેવામાં આવે છે. તેના માટેનાં મેદાનો સમાન હોતાં નથી; દા.ત., વિમ્બલ્ડન ઘાસના મેદાન (‘ગ્રાસ કૉર્ટ’) પર રમાય છે, તો ફ્રેન્ચ ઓપન માટીના મેદાન (‘ક્લે કૉર્ટ’) પર રમાય છે. રોડ લેવરે ગ્રૅન્ડસ્લૅમ ચૅમ્પિયન બનવાની આ સિદ્ધિ બે વાર મેળવીને અનોખો વિક્રમ હાંસલ કર્યો છે. તેથી જ તે ‘અમર’ ખેલાડી ગણાય છે.

તેઓ સૌપ્રથમ 1959માં વિમ્બલ્ડન સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે 1961, 1962, 1968 અને 1969માં ‘વિમ્બલ્ડન ચૅમ્પિયન’ બનીને ઇતિહાસ સર્જ્યો હતો.

રોડ લેવર

તેમને પ્રેરણા આપનાર તેમના પિતાશ્રીએ ઘરની જોડે જ ટેનિસ કૉર્ટની વ્યવસ્થા કરી આપી હતી અને માત્ર આઠ વર્ષની ઉંમરે જ રોડ લેવરે ઑસ્ટ્રેલિયાના પ્રખ્યાત ટેનિસ રાહબર ચાર્લી હોલિસ પાસેથી તાલીમ મેળવી હતી. રોડ લેવરની સાથે તેમના બે મોટા ભાઈઓ ટ્રેવર અને બાવ પણ ટેનિસની તાલીમ લેતા હતા. રોડ લેવરના પિતાને એવી આશા હતી કે બંને મોટા ભાઈઓ ટેનિસમાં નામના મેળવશે; પરંતુ રાહબર ચાર્લી હોલિસ રોડ લેવરની રમતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ભવિષ્યમાં રોડ લેવર ટેનિસમાં ન કલ્પી શકાય તેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે એવી ભવિષ્યવાણી કરી હતી અને તે સાચી પણ પડી હતી. બે વાર ‘ગ્રૅન્ડસ્લૅમ ચૅમ્પિયન’ બનીને તેમણે વિમ્બલ્ડનની સાથે સાથે ફ્રેન્ચ ઓપન, ઑસ્ટ્રેલિયન ઓપન અને યુ.એસ. ઓપનની ચૅમ્પિયનશિપો પણ જીતી હતી. આજે પણ ટેનિસ-જગતમાં રોડ લેવરનું નામ ખૂબ જ સમ્માનથી લેવામાં આવે છે.

પ્રભુદયાલ શર્મા